મહારાષ્ટ્રમાં ચાલતી રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુવાહાટી પહોંચેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. તેમના નેતા એકનાથ શિંદેએ ટ્વિટ કરીને આ પત્ર જાહેર કર્યો છે. ટ્વિટમાં તેમણે પત્ર જોડીને તેમણે આ ધારાસભ્યોની ભાવનાઓ હોવાનું કહ્યું છે.
શિવસેના ધારાસભ્ય સંજય શિરસાટના હસ્તાક્ષરમાં લખવામાં આવેલ પત્રમાં ધારાસભ્યોએ કહ્યું કે, અઢી વર્ષથી માતોશ્રીના દરવાજા શિવસેનાના ધારાસભ્યો માટે બંધ હતા અને મંત્રાલયમાં પણ મુખ્યમંત્રી મળતા ન હતા. તેમજ આદિત્ય ઠાકરે અયોધ્યા ગયા ત્યારે પણ તેમને રોકવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે.
ही आहे आमदारांची भावना… pic.twitter.com/U6FxBzp1QG
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 23, 2022
પત્રમાં ધારાસભ્યોએ કહ્યું કે મુખ્યમંત્રીના નિવાસસ્થાને તેમને પ્રવેશ મળતો ન હતો પરંતુ કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ સીએમ સાથે સંપર્ક કરી શકતા હતા. તેમણે એમ પણ કહ્યું કે, જેઓ સીધી રીતે નથી ચૂંટાતા તેવા રાજ્યસભા અને વિધાન પરિષદના સાંસદો-ધારાસભ્યો પાસેથી સીએમને મળવા માટે સમય માંગવો પડતો હતો અને લોકો દ્વારા સીધા ચૂંટાયેલા ધારાસભ્યોનું અપમાન કરવામાં આવતું હતું.
શિવસેનાના ધારાસભ્યોએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને એમ પણ કહ્યું કે, સામાન્ય રીતે મુખ્યમંત્રી મંત્રાલયના છઠ્ઠા માળે બધાને મળે છે પરંતુ તેમના માટે એ પણ કોઈ પ્રશ્ન ન હતો કારણ કે સીએમ ક્યારેય મંત્રાલય ગયા જ નથી. તેમણે લોકોમાંથી ચૂંટાઈ આવેલા ધારાસભ્યો સાથે અપમાનજનક વ્યવહાર થતો હોવાના આક્ષેપ કર્યા છે. તેમજ એનસીપી અને શરદ પવારના વધુ પડતા હસ્તક્ષેપ અંગે પણ જણાવ્યું છે.
પત્રમાં ધારાસભ્યોએ કહ્યું છે કે, આદિત્ય ઠાકરે તાજેતરમાં અયોધ્યા ગયા હતા ત્યારે અન્ય ધારાસભ્યોને જતા રોકવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીએ સ્વયં અનેક ધારાસભ્યોને ફોન કરીને જવાની મનાઈ ફરમાવી હતી. ધારાસભ્યોએ દાવો કર્યો કે મુખ્યમંત્રી ઠાકરેએ એકનાથ શિંદેને ફોન કરીને એરપોર્ટ પરથી તમામ ધારાસભ્યોને પરત બોલાવી લેવા માટે કહ્યું હતું.
પત્રમાં ગઈકાલના મુખ્યમંત્રીના સંબોધનને લઈને કહેવામાં આવ્યું કે, સંબોધનમાં ભાવુક વાતો તો બહુ થઇ પરંતુ તેમના પાયાના પ્રશ્નોના જવાબો તેમને મળ્યા જ નહીં. ધારાસભ્યોએ એમ પણ કહ્યું કે, આ કઠિન સમયમાં એકનાથ શિંદેએ તેમને સમર્થન આપ્યું અને તેમના માટે પોતાના ઘરના દરવાજા ખોલ્યા હતા. તેથી તેઓ ભવિષ્યમાં પણ એકનાથ શિંદે સાથે જ રહેશે.
આ પત્ર એવા સમયે સામે આવ્યો છે જ્યાં ગુવાહાટીમાં શિંદે જૂથ વધુને વધુ મજબૂત બની રહ્યું છે. સતત ધારાસભ્યોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એકનાથ શિંદે પાસે હાલ 40 થી વધુ શિવસેના ધારાસભ્યો હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના હાલ 55 ધારાસભ્યો છે. તેમાંથી 42-43 ધારાસભ્યો ગુવાહાટીમાં હોય તો ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે માંડ 10-12 ધારાસભ્યો બચ્યા છે. તેમાંથી પણ એક આદિત્ય ઠાકરે છે.
Watch #Exclusive: Sources said some Sena MPs are in touch with the BJP and Eknath Shinde
— IndiaToday (@IndiaToday) June 23, 2022
a) Thane: Rajan Vichare
b) Kalyan: Eknath Shinde’s son Shrikant| (@Akshita_N)#MaharashtraPolitics #ShivSena #Politics
Reporter: (@journovidya) (@ritvick_ab) pic.twitter.com/u5qS1xmuyj
બીજી તરફ, જાણવા મળી રહ્યું છે કે શિવસેનાના કેટલાક સાંસદો પણ એકનાથ શિંદેના સંપર્કમાં છે. ઉપરાંત એકનાથ શિંદેનો પુત્ર શ્રીકાંત શિંદે પણ સાંસદ છે, જે પણ પિતાના જૂથના સંપર્કમાં છે. જેથી સાંસદોમાંથી પણ અમુક શિંદે જૂથ સાથે જોડાઈ જાય તેવી પ્રબળ સંભાવનાઓ છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેએ આજે ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી, પરંતુ હવે તે રદ કરી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે.