ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંગળવારે (5 સપ્ટેમ્બર, 2023) દિલ્હીની મુલાકાતે જશે. અહીં તેઓ સાંજના સમયે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. બંને નેતાઓની મુલાકાત દરમિયાન ભવ્ય રામ મંદિર અને તેના ઉદ્ઘાટન અંગે અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ થઇ શકે છે. નોંધનીય છે કે જાન્યુઆરી, 2024માં મકરસંક્રાંતિ પછી અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવાનું આયોજન છે. જે માટે હાલ ગર્ભગૃહ બનાવવાની તૈયારી ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથની આ મુલાકાતને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન સીએમ યોગી વડાપ્રધાનને રામ મંદિર ખાતે નિર્માણકાર્યને લઈને જાણકારી આપશે તેમજ કાર્યક્રમ કેવા પ્રકારનો હશે તેની પણ ચર્ચા થશે. તેઓ વડાપ્રધાનને ઉદ્ઘાટન સમારોહમાં પધારવા માટે ઔપચારિક આમંત્રણ પણ આપી શકે છે. આ બેઠક દરમિયાન ઉત્તર પ્રદેશના અમુક વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લઇ શકે છે.
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામમંદિર તૈયાર થઇ રહ્યું છે. અનેક શ્રદ્ધાળુઓ પણ રામલલાના જન્મસ્થાન પર તેમના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવી જ રીતે અયોધ્યા નગરીમાં પણ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. જેને લઈને વડાપ્રધાન કાર્યાલય સાથે તારીખ નક્કી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે રામ મંદિરના ઉદ્ઘાટનમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંદિરના નિર્માણકાર્ય દરમિયાન અનેક વખત અહીં ચકાસણી કરવા માટે આવતાં હોય છે. મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હી ખાતે વડાપ્રધાન સાથેની બેઠકમાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ પાઠવી શકે તેવી સંભાવના છે.
21, 22 અને 23 જાન્યુઆરીની તારીખો નક્કી થઇ
ઉદ્ઘાટન કાર્યક્રમ અંગે રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, “રામ જન્મભૂમિનો અભિષેક સમારોહ વર્ષ 2024ના જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયામાં યોજાશે.” આ અભિષેક વિધિ માટે 21,22,23 જાન્યુઆરી એમ ત્રણ તારીખ નક્કી કરાઈ હોવાનું તેમણે જણાવ્યું છે. આ સમારોહ માટે ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અગ્રણી સાધુ-સંતો અને અન્ય મહાનુભાવો પણ હાજરી આપશે તેવું રાયે ઉમેર્યું હતું.
રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, સમારોહમાં 136 સનાતન પરંપરાના 25,000થી વધુ હિંદુ ધર્મગુરુઓને આમંત્રણ આપવાની યોજના છે. ઉપરાંત ટ્રસ્ટ પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસની સહી સાથે તેમને આમંત્રણ મોકલવાનું પણ તેમણે કહ્યું છે. નોંધનીય છે કે, આ સમારોહમાં 25,000 જેટલા સંતો અને 10,000 જેટલા અતિથિઓ હાજરી આપવાના છે. અંદાજે 5 લાખ શ્રદ્ધાળુઓ ‘રામલલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ’માં ભાગ લેશે તેવી શક્યતા છે. આ મહોત્સવમાં આમંત્રિત સંતો-મહંતો અને શ્રદ્ધાળુઓની મહેમાનગતિ માટે ટ્રસ્ટે 375 પરિવારની યાદી પણ બનાવી છે.