30 મે, 2014ના દિવસે ભારતના વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી ત્યારથી આજદિન સુધી નરેન્દ્ર મોદીએ એક પણ રજા લીધી નથી. આ બાબત તાજેતરમાં એક RTIના જવાબમાં સામે આવી છે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, PM બન્યા બાદ મોદી ક્યારેય રજા પર ગયા નથી અને સતત કાર્યરત રહ્યા છે.
મહારાષ્ટ્રના RTI એક્ટિવિસ્ટ પ્રફુલ શારદાએ આ અંગે વડાપ્રધાન કાર્યાલય (PMO)માં એક RTI દાખલ કરીને જવાબ માગ્યો હતો. 31 જુલાઈ, 2023ના રોજ દાખલ થયેલ RTIમાં પૂછવામાં આવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન બન્યા બાદથી આજદિન સુધી નવી દિલ્હી સ્થિત તેમના કાર્યાલયમાં PM મોદી કેટલા દિવસ હાજર રહ્યા? બીજો પ્રશ્ન એ હતો કે, વડાપ્રધાન બન્યા પછી આજદિન સુધી વિવિધ કાર્યક્રમોમાં નરેન્દ્ર મોદી કેટલા દિવસ ઉપસ્થિત રહ્યા.
No leave has been taken (availed) by PM @narendramodi after taking over office since 2014 and in 9 years he has attended more than 3000 events-functions. Reply to RTI Query pic.twitter.com/tjfEV37qTs
— Vikas Bhadauria (@vikasbha) September 4, 2023
આ બંને પ્રશ્નોના ગત 25 ઓગસ્ટ, 2023ના રોજ વડાપ્રધાનના કાર્યાલય તરફથી જવાબ આપવામાં આવ્યા હતા. જે લેખિત જવાબની નકલ હાલ સોશિયલ મીડિયા અને મીડિયામાં ફરી રહી છે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, PM મોદી હંમેશા ફરજ પર જ રહે છે અને વડાપ્રધાન બન્યાના દિવસથી લઈને આજદિન સુધી એક પણ રજા લીધી નથી. બીજા પ્રશ્નનો જવાબ એ હતો કે વડાપ્રધાન કેટલા કાર્યક્રમોમાં કેટલા દિવસો માટે હાજર રહ્યા, તેની વિગત PMOની વેબસાઈટ પર સાર્વજનિક કરવામાં આવી છે, જેથી ત્યાંથી મેળવી શકાશે.
ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતીએ વિજય મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીએ 30 મે, 2014ના રોજ ભારતના 14મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં ફરી એક વખત ભવ્ય બહુમતીથી જીતીને મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા હતા. તેમના વડાપ્રધાન બન્યાને 9 વર્ષ પૂર્ણ થઇ ગયાં છે, પરંતુ આજ સુધી ક્યારે તેમણે રજા લીધી નથી.
નોંધવું જોઈએ કે વડાપ્રધાન બન્યા પહેલાં નરેન્દ્ર મોદી 13 વર્ષ સુધી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. આ વર્ષો દરમિયાન પણ તેમની છાપ એક કર્મશીલ મુખ્યમંત્રી તરીકે બની રહી અને કાયમ લોકોની વચ્ચે, કાર્યરત રહ્યા. આ જ ક્રમ તેમણે વડાપ્રધાન બન્યા પછી અને બે દાયકા પછી પણ જાળવી રાખ્યો છે.
આ માહિતી સામે આવ્યા બાદ દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. બીજી તરફ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ આ RTI જવાબની નકલ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “મારા PM, મારું અભિમાન.”
#MyPmMyPride pic.twitter.com/EPpkMCnLke
— Himanta Biswa Sarma (@himantabiswa) September 4, 2023
અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં પણ આ પ્રકારે એક RTI કરવામાં આવી હતી અને વડાપ્રધાને કેટલા દિવસ રજા લીધી તેની માહિતી માંગવામાં આવી હતી. તે સમયે પણ સામે આવ્યું હતું કે PM મોદીએ 2 વર્ષમાં (2014-2016) એક પણ રજા લીધી નથી.