ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ઝારખંડનાં પૂર્વ રાજ્યપાલ અને ઓરિસ્સાનાં મહિલા નેતા દ્રૌપદી મુર્મૂને NDAનાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કર્યાં હતાં. જ્યારે તેમના નામની ઘોષણા થઇ ત્યારે તેઓ ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લાના પોતાના ગામમાં હતાં. દ્રૌપદી મુર્મૂ મયૂરભંજ જિલ્લાથી લગભગ 25 કિલોમીટર દૂર સ્થિત ઉપરબેડા ગામના વતની છે. આજે તેમના ગામમાં ઉત્સવનો માહોલ છે અને લોકો દ્રૌપદી મુર્મૂનું નામ રાષ્ટ્રપતિ પદ માટે જાહેર થયું તે બદલ ઉજવણી કરી રહ્યા છે.
રીપોર્ટ અનુસાર દ્રૌપદી મુર્મૂનું ઉપરબેડા ગામમાં 300 ઘર છે, જેમાં લગભગ 6 હજાર લોકો રહે છે. આ જનજાતિ પ્રભુત્વ ધરાવતું ગામ છે. દ્રૌપદી મુર્મુ આ ગામમાં 20 જૂન 1958ના રોજ બિરાંચી નારાયણ દુડુના ઘરે જન્મ્યાં હતાં. ઘર નાનું પણ સુંદર છે. અત્યારે ઘરમાં કોઈ નથી. દ્રૌપદી મુર્મુના બે ભાઈઓ અહીં રહે છે.
ગામલોકો કહે છે કે દ્રૌપદી ખૂબ જ વિનમ્ર સ્વભાવનાં છે અને બધા લોકો સાથે હળીમળીને રહે છે. તેઓ દેશના આગામી રાષ્ટ્રપતિ બનશે તે જાણીને ગામમાં સૌ કોઈ ખુશ છે.
દ્રૌપદી મુર્મૂનું ઉપરબેડા ગામ અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ છે. અહીં ગામમાં દરેક વ્યક્તિ બેંકમાં ખાતું ધરાવે છે તેમજ ખેતી માટે મળતી રકમ અને લૉન પણ ઘરબેઠા મળી જાય છે. દરેક ઘરમાં પાણીના નળની સુવિધા છે તેમજ દરેક ઘરમાં શૌચાલયની સુવિધા છે. ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરો પણ બાંધવામાં આવ્યાં છે. લોકો આ તમામ સુવિધાઓનો શ્રેય મુર્મૂને આપે છે.
ગામલોકો યાદ કરતા કહે છે કે વર્ષ 2000 માં તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે દ્રૌપદી મુર્મૂને તેનું સમાધાન કર્યું હતું. તેમણે વર્ષ 2003 માં પુલ બનાવડાવ્યો હતો, જે બન્યા બાદ ગામનો પણ ખૂબ વિકાસ થયો છે તેમજ ગામના લોકોને અવરજવરમાં પણ સરળતા રહે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2000 અને 2009 માં મયૂરભંજ જિલ્લાની રાયરંગપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયાં હતાં. 2000 અને 2004 વકચ્ચે ઓરિસ્સામાં નવીન પટનાયકની બીજુ જનતા દળ અને ભાજપ ગઠબંધનની સરકારમાં તેમને વાણિજ્ય, પરિવહન અને પછીથી માટીસ અને પશુ સંસાધન વિભાગના મંત્રી બનાવવામાં આવ્યાં હતાં. વર્ષ 2007 માં તેમને ઓરિસ્સા વિધાનસભાએ બેસ્ટ એમએલએનો એવોર્ડ પણ આપ્યો હતો.
દ્રૌપદી મુર્મૂનું નામ રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ગામલોકો ખૂબ ખુશ છે. ગામના એક વ્યક્તિએ કહ્યું કે, “હવે તો અમારા ગામને દુનિયાભરના લોકો ઓળખશે. જેવી દ્રૌપદી મુર્મૂના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાના સમાચાર મળ્યા, મારી ખુશીઓનો પર રહ્યો ન હતો. ગર્વથી છાતી ફૂલી ગઈ છે.”
પોતાના નામની જાહેરાત થયા બાદ દ્રૌપદી મુર્મૂ સવારે પોતાના વતન ખાતે મહાદેવ મંદિરના દર્શન કરવા ગયાં હતાં. જ્યાં તેમણે સાફ-સફાઈ પણ કરી હતી.
રાષ્ટ્રપતિ તરીકે પોતાનાં નામની જાહેરાત બાદ દ્રૌપદી મુર્મૂ આજે સવારે પોતાના ગૃહ જિલ્લા મયૂરભંજના રાયરંગપુર ખાતેના મહાદેવ મંદિરે દર્શન માટે ગયાં હતાં. અહીં દર્શન કરવા પહેલાં તેમણે મંદિર પરિસરમાં ઝાડુ લગાવી સાફ-સફાઈ કરી હતી. જે બદલ તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે.