છેલ્લા કેટલાક સમયથી સાળંગપુર મંદિરમાં હનુમાનજીનાં ભીંતચિત્રોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સનાતન શ્રદ્ધાળુઓ અને ભક્તોથી લઈને સાધુ-સંતોએ પણ આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે. 2 સપ્ટેમ્બર 2023ના રોજ સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોના વિવાદ વચ્ચે હર્ષદ ગઢવી નામના એક વ્યક્તિએ મંદિર પરિસરમાં ઘૂસીને વિવાદિત ભીંતચિત્રો પર કાળો રંગ લગાવી તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. સાળંગપુરમાં બનેલી આ ઘટનાને લઈને પોલીસે હર્ષદ ગઢવી સહિત બે અન્ય વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સાળંગપુર ખાતે વિશાળ હનુમાનજીની પ્રતિમા નીચે લગાવેલા વિવાદિત ભીંતચિત્રો પર કાળો રંગ લગાવનાર અને તેને તોડવાનો પ્રયાસ કરનાર હર્ષદ ગઢવીની અટકાયત કર્યા બાદ તેમની સામે હવે પોલીસે ફરિયાદ નોંધી છે. આરોપીઓમાં અન્ય પણ બે વ્યક્તિઓનાં નામ સામેલ કરવામાં આવ્યાં છે. સાળંગપુર ભીંતચિત્રોને ખંડિત કરવાના તથા તેના પર કાળું પોતું મારવાની ઘટના મામલે સેથળી ગામના ભૂપતભાઈ સાદુળભાઈ ખાંચરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે હર્ષદ ગઢવી સહિત જેસિંગભાઈ ભરવાડ અને બળદેવભાઈ ભરવાડ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે હર્ષદ ગઢવી સહિત જેસિંગભાઈ અને બળદેવભાઈ વિરુદ્ધ IPCની કલમ 295(A), 153(A), 427, 506(2), 120(B) ગુજરાત પોલીસ એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓ દ્વારા આ કામ કરવામાં આવ્યું તેની પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હર્ષદ ગઢવીનું તેમના ગામ સહિતના લોકો દ્વારા સમર્થન કરવામાં આવી રહ્યું છે. પોલીસે લોકોને સંયમ જાળવવા અને કાયદાનું પાલન કરવાની અપીલ કરી છે. આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે મંદિર પરિસરની સુરક્ષા-વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
શું છે વિવાદ?
આ વિવાદ લગભગ એક સપ્તાહ પહેલાં શરૂ થયો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર સાળંગપુર સ્થિત હનુમાનજીની પ્રતિમા ‘કિંગ ઑફ સાળંગપુર’ની નીચે લગાવવામાં આવેલાં અમુક ભીંતચિત્રોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા. આ ફોટોગ્રાફ્સમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયોના સ્થાપક સહજાનંદ સ્વામીના કિશોરાવસ્થાના સ્વરૂપ નીલકંઠવર્ણીને પ્રણામ બતાવવામાં આવ્યા છે. સનાતનમાં આરાધ્ય દેવનું સ્થાન ધરાવતા હનુમાનજીના અપમાનથી ગુજરાતભરમાં રોષ ફાટી નીકળ્યો અને વિવાદ અહીં સુધી પહોંચ્યો છે. આ જ ક્રમમાં રવિવારે (3 સપ્ટેમ્બર, 2023) સાધુ-સંતો એકઠા થયા હતા અને આગળ શું કરવું તેને લઈને નિર્ણયો કર્યા હતા.