ચંદ્રયાન-3એ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રની સફર પૂર્ણ કરી સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. સોફ્ટ લેન્ડિંગ થયા બાદ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવરે અલગ થઈને પોતાનું મિશન શરૂ કરી દીધું હતું. 11 દિવસ મિશન પર આગળ વધ્યા બાદ હવે પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડ પર મૂકવામાં આવ્યું છે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) September 2, 2023
The Rover completed its assignments.
It is now safely parked and set into Sleep mode.
APXS and LIBS payloads are turned off.
Data from these payloads is transmitted to the Earth via the Lander.
Currently, the battery is fully charged.
The solar panel is…
કારણ એ છે કે રોવર અને લેન્ડર સૂર્ય દ્વારા પોતાની ઉર્જા મેળવે છે. પણ હવે ચંદ્ર પર રાત્રિ થવાની હોવાથી તેને સ્લીપ મોડમાં મૂકવું જરૂરી છે. 3 સપ્ટેમ્બર 2023 ના રોજ ISROએ X (અગાઉનું ટ્વિટર) પર માહિતી આપતા કહ્યું હતું કે રોવરને સ્લીપ મોડ પર રાખી દેવામાં આવ્યું છે. ચંદ્ર પર દિવસ-રાત પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે, એટલે કે હવે આગામી 22 સપ્ટેમ્બરે ત્યાં ફરી સૂર્યોદય થશે.
ભારતીય સ્પેસ એજન્સી ISROએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે પ્રજ્ઞાન રોવરે તેનું કામ પૂર્ણ કર્યું છે. સુરક્ષિત પાર્ક કરીને પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડ પર મૂકવામાં આવ્યું છે. તેના APXS અને LIBS પેલોડ્સ બંધ છે. આ પેલોડ્સના માધ્યમથી લેન્ડર દ્વારા જરૂરી ડેટા પૃથ્વી પર મોકલવામાં આવતા હતા. હાલમાં બેટરી સંપૂર્ણ ચાર્જ છે. વધુમાં ISRO દ્વારા જણાવાયું હતું કે રોવરને એ રીતે મૂકવામાં આવ્યું છે કે 22 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર સૂર્યોદય થશે ત્યારે સૂર્યપ્રકાશ સીધો સૌર પેનલ પર પડશે. સાથે જ રિસીવરને પણ ચાલુ રાખ્યું હોવાનું ISROએ જણાવ્યું હતું.
ફરી સક્રિય નહીં થાય તો કાયમ માટે ભારતનું રાજદૂત બનીને રહેશે
ઈસરોને આશા છે કે ફરી સૂર્યોદય થાય ત્યારે રોવર ફરીથી સૌરઉર્જાની મદદથી સક્રિય થશે. આ માટે તેણે રાત્રિ દરમિયાન ચંદ્રમાના -200 ડિગ્રી તાપમાનમાં ટકી રહેવું પડશે. ટકી રહ્યું અને ફરી સક્રિય થયું તો આગળ કામ કરશે, પરંતુ આમ તેને જે ઉદ્દેશ્ય માટે ચંદ્રમા પર મોકલવામાં આવ્યું હતું એ તમામ કામો પૂર્ણ કરી લીધાં છે. જો સક્રિય નહીં થાય તો તેને ચંદ્રમાની સપાટી પર છોડી દેવામાં આવશે અને કાયમ માટે ત્યાં ભારતનું રાજદૂત બનીને રહેશે. ચંદ્રમા પર હવા કે વાતાવરણ હોતું નથી, જેથી આવનારા દાયકાઓ સુધી આ લેન્ડર અને રોવર યથાતથ સ્થિતિમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે ચંદ્ર પર મોકલવામાં આવેલ રોવર એક રોબોટિક વાહન છે, જે પોતાનાં વ્હીલની મદદથી હરીફરી શકે છે. તે ચંદ્રમાની સપાટી પર 100 મીટર જેટલું ફર્યું અને ડેટા એકઠો કરીને લેન્ડરને મોકલાવ્યો હતો, જેણે પૃથ્વી સુધી પહોંચાડ્યો હતો. લેન્ડર એ વાહન છે, જેણે ચંદ્રમાની સપાટી પર લેન્ડિંગ કર્યું હતું. રોવરને લેન્ડરમાં રાખવામાં આવ્યું હતું, જે લેન્ડિંગ બાદ બહાર આવ્યું અને કામ શરૂ કર્યું હતું. રોવરની આવરદા 14 દિવસ જેટલી જ છે, પરંતુ એ નક્કી નથી કે ફરી સૂર્યોદય થાય ત્યારે તે સક્રિય ન થઇ શકે. આ બાબતનો સંપૂર્ણ આધાર પરિસ્થિતિ પર છે.