ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂનાં નામની જાહેરાત કરી હતી. ઓરિસ્સાનાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ઝારખંડનાં પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનાં નામની જાહેરાત બાદ હવે વિવિધ પાર્ટીઓ દ્વારા તેમને સમર્થન આપવામાં આવી રહ્યું છે. તેને જોતા દ્રૌપદી મુર્મૂની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.
NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂનાં નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ ગઈકાલે રાત્રે જ ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયકે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
નવીન પટનાટકે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “દેશના સર્વોચ્ચ પદ માટે NDA ના ઉમેદવાર તરીકે ઘોષિત થવા બદલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને શુભેચ્છાઓ. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતી ચર્ચા મારી સાથે કરી હતી ત્યારે ખૂબ આનંદ થયો હતો. ઓરિસ્સાના લોકો માટે આ ગર્વની બાબત છે. તેમણે એમ પણ કહ્યું કે, “મને વિશ્વાસ છે કે શ્રીમતી દ્રૌપદી મુર્મૂ દેશમાં મહિલા સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડશે.”
બીજી તરફ, આંધ્રપ્રદેશ સ્થિત વાયએસઆર કોંગ્રેસ તરફથી પણ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. વાયએસઆર કોંગ્રેસના સાંસદ વિજયસાંઈ રેડ્ડીએ ટ્વિટ કરીને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા બદલ દ્રૌપદી મુર્મૂને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું જ કહ્યું છે કે આપ દેશના મહાન રાષ્ટ્રપતિ બનશો. અમારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે.”
YSRCP leader Vijayasai Reddy V congratulates Draupadi Murmu on being nominated as NDA’s candidate for the Presidential election. pic.twitter.com/1Ej2EWveB2
— ANI (@ANI) June 22, 2022
આ ટ્વિટ બાદ અનુમાન છે કે આંધ્રપ્રદેશના શાસક પક્ષ વાયએસઆર કોંગ્રેસનું પણ NDAને સમર્થન મળશે. બીજી તરફ, ઓરિસ્સાના નવીન પટનાયક પણ સમર્થન આપી ચૂક્યા છે. જેથી NDAનો હાથ ઉપર રહ્યો છે અને દ્રૌપદી મુર્મૂની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.
આ ઉપરાંત, બિહારની શાસક પાર્ટી જનતા દળ યુનાઇટેડ પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં આવી છે. નીતીશ કુમારની પાર્ટીએ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનું એલાન કર્યું છે. જેડીયુ અધ્યક્ષ રાજીવ રંજન સિંહે એલાન કરતા કહ્યું કે, ‘ગરીબ પરિવારમાં જન્મેલાં આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર બન્યાં છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સૈદ્ધાંતિક રીતે મહિલા સશક્તિકરણ અને સમાજના શોષિત વર્ગો માટે સમર્પિત છે. જનતા દળ (યુ) દ્રૌપદી મુર્મુની ઉમેદવારીનું સ્વાગત અને સમર્થન કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકિત થવા બદલ તેમને અભિનંદન.’
આ તરફ, વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનેલા યશવંત સિન્હાના પુત્ર અને ભાજપ સંસદ જયંત સિન્હાએ એક વિડીયો જારી કરીને આ મુદ્દાને પારિવારિક મામલો ન બનાવવા માટે વિનંતી કરી છે.
જયંત સિન્હાએ એક વિડીયો જારી કરીને કહ્યું કે, “વિપક્ષ દ્વારા મારા આદરણીય પિતાજી યશવંત સિન્હાજીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મારી વિનંતી છે કે આ મુદ્દાને પારિવારિક મુદ્દો બનાવવામાં ન આવે. હું ભાજપનો કાર્યકર્તા અને સાંસદ છું અને મારા બંધારણીય કર્તવ્યનું પાલન કરીશ.”
आप सभी को जोहार 🙏
— Jayant Sinha (@jayantsinha) June 21, 2022
विपक्ष द्वारा मेरे आदरणीय पिता जी श्री यशवंत सिन्हा जी को राष्ट्रपति हेतु प्रत्याशी घोषित किया गया है।
मेरा निवेदन है कि आप सभी इसे पारिवारिक मामला न बनाएं।
मैं @BJP4India का कार्यकर्ता और सांसद हूँ। मैं अपने संवैधानिक दायित्व को पूरी तरह निभाउंगा।
जय हिंद! pic.twitter.com/yvyMAFWR8w
ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી 2018 માં રાજીનામું આપ્યા બાદ 2021 માં યશવંત સિન્હા મમતા બેનર્જીની ટીએમસીમાં જોડાયા હતા જ્યાં તેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જે બાદ ગઈકાલે તેમના નામનો પ્રસ્તાવ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, જે બાદ તેમણે ટીએમસીમાંથી રાજીનામું આપ્યું હતું.
જે રીતે દ્રૌપદી મુર્મૂને દેશમાંથી સમર્થન મળી રહ્યું છે અને NDA પાસે મતોની સંખ્યા વધી રહી છે તેને જોતાં દ્રૌપદી મુર્મૂની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો જીત થશે તો તેઓ દેશનાં પ્રથમ જનજાતિ અને બીજાં મહિલા રાષ્ટ્રપતિ બનશે.