બૉમ્બે હાઇકોર્ટે બુધવારે (21 જૂન 2022) 21 વર્ષીય નિખિલ ભામરેને જામીન આપ્યા છે. નિખિલ ભામરેની કથિત રીતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ શરદ પવાર વિરુદ્ધ ટિપ્પણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે થાણે તેમજ પુણેના સાયબર પોલીસ સ્ટેશનમાં થયેલ FIR મામલે નિખિલને રાહત આપી હતી.
તદુપરાંત, કોર્ટે ગોરેગાંવ અને ભોઈવાડા પોલીસ મથકે નોંધાયેલ અન્ય બે FIR મામલે નિખિલની ધરપકડ પર રોક લગાવી છે. નિખિલ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં છ જેટલી FIR દાખલ કરવામાં આવી હતી. જેમાંથી બે કેસમાં તેને પહેલેથી જ જામીન મળી ગયા છે, જ્યારે અન્ય બેમાં ગઈકાલે જામીન મળ્યા હતા. તેમજ બાકીના બેમાં ધરપકડ પર રોક લગાવવામાં આવી છે.
નિખિલ ભામરેને જામીન આપતા કોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે, “તે એક વિદ્યાર્થી છે અને છેલ્લા એક મહિનાથી કસ્ટડીમાં છે. અમે તેને જામીન આપવાનો આદેશ આપીએ છીએ.”
નિખિલ ભામરેની જામીન અરજી મુદ્દે સુનાવણી કરતા જસ્ટિસ શિંદેએ મહારાષ્ટ્ર સરકારને ઠપકો આપતાં કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પોસ્ટમાં કોઈનું નામ નથી અને તમે (સરકાર) કોઈને એક મહિના માટે જેલમાં રાખો છો. આ અધિકાર તમને કોણે આપ્યો?” અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે ઉદ્ધવ સરકારને ફટકાર લગાવતા પૂછ્યું હતું કે શું તેઓ દરેક વાંધાજનક લાગતા ટ્વિટ મુદ્દે સંજ્ઞાન લઈને કાર્યવાહી કરશે? વિદ્યાર્થીની ધરપકડ મામલે કોર્ટે કહ્યું કે, એનસીપી પ્રમુખ પોતે પણ એવું ઇચ્છતા નહીં હોય કે એક વિદ્યાર્થી જેલમાં રહે. જે બાદ કોર્ટે ગૃહ વિભાગ પાસેથી આ મામલે નિર્દેશ માંગ્યો હતો.
નિખિલ ભામરેની 11 મેની સાંજે ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે તેણે શરદ પવાર પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જોકે કોર્ટમાં મામલો ગયો ત્યારે કોર્ટે નોંધ્યું કે તેમાં કોઈ વ્યક્તિનો ઉલ્લેખ નહોતો. ટ્વીટમાં લખ્યું હતું કે, ‘બારામતીના ગાંધી, બારામતીમાં નાથુ ગોડસે બનાવવાનો સમય આવી ગયો છે.’ બારામતી શરદ પવારનું વતન હોવાથી આ ટ્વિટ તેમની સાથે જોડી દેવામાં આવી હતી અને આઈપીસી કલમ 153, 153A, 500, 501, 504, 505, 506 હેઠળ કેસ નોંધાયા બાદ નાશિકની ડિંડોરી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
બીજી તરફ, મહારાષ્ટ્રની જ એક અભિનેત્રી કેતકી ચિતળેની પણ એનસીપી પ્રમુખ શરદ પવાર વિરુદ્ધ કથિત અપમાનજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, જેઓ હાલ કસ્ટડીમાં છે. એક કેસમાં અભિનેત્રીને જામીન મળ્યા હતા, પરંતુ અન્ય પણ કેસ નોંધાયા હોવાથી જેલમાં જ રહેવું પડ્યું હતું.
એક રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્ર પોલીસે થાણે સેશન્સ કોર્ટમાં કેતકીના જામીનનો વિરોધ ન કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી તંત્ર કેતકીના જામીનનો વિરોધ કરી રહ્યું હતું પરંતુ મંગળવારે પોલીસે કોર્ટને કહ્યું કે કેતકીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તેનાથી તેમને કોઈ વાંધો નથી.
Police not to oppose bail to Marathi actress #KetakiChitale
— Organiser Weekly (@eOrganiser) June 21, 2022
Who is facing multiple cases for sharing a social media post against NCP chief #SharadPawar pic.twitter.com/3XhvBqHVSS
એક તરફ મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા ઉભી થઇ છે ત્યાં બીજી તરફ અત્યાર સુધી જોર કરતી મહારાષ્ટ્ર પોલીસ પર ટાઢી પડી છે અને જામીનનો વિરોધ કરવાનું અને વધારાની ફરિયાદો નોંધવાનું માંડી વાળ્યું છે એવા સંકેતો મળી રહ્યા છે.