રાજસ્થાનના ચિત્તોડગઢ સ્થિત મેવાડ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓનાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં કાશ્મીરી વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓ પર લાકડી-તલવારો લઈને હુમલો કરી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાકીના વિદ્યાર્થીઓ ચંદ્રયાન-3ની સફળતાનો ઉત્સવ ઉજવી રહ્યા હતા અને નારાબાજી કરી રહ્યા હતા ત્યારે કાશ્મીરી વિદ્યાર્થીઓએ તેમની ઉપર હુમલો કરી દીધો હતો.
ચંદ્રયાન-3એ ચંદ્રમાની સપાટી પર સફળ લેન્ડિંગ કર્યા બાદ આખા દેશની જેમ મેવાડ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. પરંતુ અમુક કાશ્મીરી વિદ્યાર્થીઓને તે પસંદ ન આવ્યું અને તેમણે અન્ય વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો હતો.
Rajasthan- A student studying engineering at Mewar University of Gangrar in Chittorgarh district was attacked by Kashmiri students for celebrating the successful landing of #Chandrayaan3 .
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 27, 2023
Condition of a student named Ayush is said to be serious after being attacked by a sharp… pic.twitter.com/ndlFiNXZY4
ઝી ન્યૂઝના રિપોર્ટ અનુસાર, વિક્રમ લેન્ડરે સફળ લેન્ડિંગ કર્યા બાદ આયુષ શર્મા નામના એક વિદ્યાર્થીએ મેસમાં જમતી વખતે ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ જેવા નારા લગાવ્યા હતા. ત્યારબાદ અન્ય પણ કેટલાક વિદ્યાર્થીઓ પણ જોડાયા. પરંતુ ત્યારે ત્યાં હાજર અમુક કાશ્મીરી વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો.
ત્યારબાદ બંને જૂથો વચ્ચે બબાલ મોટી થતી ગઈ અને હિંસક બની ગઈ જ્યારે 10થી 12 કાશ્મીરી વિદ્યાર્થીઓએ હુમલો કરી દીધો હતો. આયુષ અને તેના અન્ય એક સાથીને આ ધમાલમાં ઇજા પહોંચી હતી. જોકે, પછીથી તેમને બચાવીને હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા. જેમાંથી એકને ઉદયપુર રેફર કરવામાં આવ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, હુમલા બાદ કાશ્મીરી વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ફરીને નારાબાજી કરી હતી. સોશિયલ મીડિયા પર અમુક વિડીયો પણ ફરતા થયા છે, જેમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાંભળી શકાય છે.
ઘટનાની જાણ થતાં જ હિંદુ સંગઠનોના લોકો પણ યુનિવર્સીટી પહોંચ્યા હતા. પરંતુ આરોપ છે કે કાશ્મીરી વિદ્યાર્થીઓએ નારાબાજી કરીને તેમની ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. જોકે, પછીથી પોલીસને જાણ થતાં પોલીસે પહોંચીને સ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલ શાંતિ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પોલીસે જણાવ્યું કે, આ મામલે 2 FIR દાખલ કરવામાં આવી છે અને 20 કાશ્મીરી વિદ્યાર્થીઓ સહિત કુલ 36ની ધરપકડ કરવામાં આવી છે. હાલ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. તેમના જણાવ્યા અનુસાર, સંસ્થામાં હાલ 600થી વધુ કાશ્મીરી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
બીજી તરફ, સંસ્થાના ડાયરેક્ટર હરીશ ગુરનાનીએ જણાવ્યું કે, નાનકડી વાતમાંથી ધમાલ મોટી થઇ ગઈ હતી. સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે મેસમાં કોણ પહેલાં ભોજન લેશે તે બાબતે ઝઘડો થઇ ગયો અને ત્યારબાદ આવેશમાં આવીને કાશ્મીરી વિદ્યાર્થીઓએ નારાબાજી કરી હતી. પોલીસે કાર્યવાહી કરીને અમુક વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લીધા છે. યુનિવર્સીટી દ્વારા પણ એક સમિતિ બનાવવામાં આવી છે અને તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.