ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું ત્યારબાદ ગુજરાતના સોશિયલ મીડિયામાં એક વ્યક્તિ ખૂબ ચર્ચામાં છે. મિતુલ ત્રિવેદી નામના આ વ્યક્તિએ દાવો કર્યો છે કે તેઓ પોતે ઈસરોમાં વૈજ્ઞાનિક છે અને ચંદ્રયાનની ડિઝાઇન બનાવવામાં પોતે અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમનો તેમના શિક્ષક સાથેની વાતચીતનો એક ઑડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તો બીજી તરફ હવે તેમના દાવા પર પ્રશ્નો ઉઠવાના શરૂ થયા છે.
શિક્ષક સાથેની વાતચીતનો ઑડિયો વાયરલ થયો હતો
ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગ બાદ બીજા દિવસે મિતુલ ત્રિવેદી અને તેમના શિક્ષક વચ્ચેની વાતચીતનો એક ઑડિયો સામે આવ્યો હતો. જેમાં બંને આ મિશનને લઈને અને તેની સફળતા વિશે વાત કરતા સાંભળવા મળે છે. મિતુલ તેમના શિક્ષકને જણાવે છે કે, તેઓ ઈસરોના સેન્ટર પર જ છે. વાતચીતમાં તેમણે એવો પણ દાવો કર્યો કે, ચંદ્રયાનની આ ડિઝાઇન પોતે તૈયાર કરી હતી. મિતુલ તેમના શિક્ષકને કહે છે, “ચંદ્રયાન-2ની નિષ્ફ્ળતાના કારણે તેમણે (સંભવતઃ ઈસરોએ) મને ઇન્વાઇટ કર્યો હતો, અમુક મારી વસ્તુઓ જે લેન્ડરમાં નહતી લીધી…. આ વખતે મેં તૈયાર કરી આપ્યું.” આગળ તેમના શબ્દો આ હતા- લેન્ડિંગ વખતે હેલિકૉપ્ટરની જેમ લેન્ડિંગ થાય છે અને તેમાં ધૂળ ઉડે છે. પણ આ વખતે ધૂળ બહુ ઓછી ઉડી. દુનિયા એમાં માર ખાઈ જાય છે અને દુનિયાની જે કમજોરી હતી એનો જ આપણે ઉપયોગ કર્યો અને તેમાંથી સફળતા મેળવી.”
ચેનલોને પણ ઇન્ટરવ્યૂ આપ્યા, કહ્યું- હવે આદિત્ય L-1 પ્રોજેક્ટ માટે કામ પર લાગીશ
ચર્ચામાં આવ્યા બાદ મિતુલ ત્રિવેદીએ અનેક ન્યૂઝ ચેનલોને પણ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. ઝી24 કલાકને તેમણે કહ્યું કે, “સમગ્ર ભારત દેશનો ભાર અમારા ખભા પર હતો અને અમને લાગતું હતું કે આ પણ નહીં (સફળ) થાય તો અમે કયા મોઢે દેશવાસીઓ સામે આવીશું. ભારતનો ઝંડો આજે ચંદ્ર પર છે તેનાથી વિશેષ ગર્વની વાત બીજી કોઈ ન હોય શકે.” આગળ કહ્યું કે, રાત-દિવસથી અમે સતત કાર્યરત હતા અને છેલ્લા ચાર દિવસથી એટલે કે સોમવારથી અમે એક ક્ષણનું પણ ઝોકું નથી ખાધું.” આ ઉપરાંત, તેમણે ચંદ્રયાન-3માં કેવા-કેવા ફેરફાર કરવામાં આવ્યા હતા તેની વાત કરી હતી.
Chandrayaan 3 : ચંદ્રયાન-3ની ડિઝાઈનમાં સહભાગી સુરતના મિતુલ ત્રિવેદી સાથે ખાસ વાતચીત #chandrayaan3 #design #mitultrivedi #surat #Chandrayan3 #chandrayaan3 #isro #launching #gujaratfirst #Sriharikota #missionmoon #MissionChandrayaan #CHANDRAYAAN_3 #Chandrayaan3Mission… pic.twitter.com/0pJjiF7gdZ
— Gujarat First (@GujaratFirst) August 24, 2023
અન્ય એક ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, હવે તેઓ મિશન ચંદ્રયાનમાંથી નિષ્ક્રિય થઇ ગયા છે અને નવા પ્રોજેક્ટ આદિત્ય L-1 માટે કામે લાગી જશે. એમ પણ દાવો કર્યો કે તેમાં પણ તેમની ડિઝાઇન હશે.
કેમ ઉઠી રહ્યા છે સવાલ?
બીજી તરફ, મિતુલ ત્રિવેદીના આ દાવાઓ પર પ્રશ્નો સર્જાયા છે. અખબાર સંદેશના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રિવેદી પાસે ઈસરો સાથે જોડાયાના કોઈ પુરાવા કે માહિતી નથી. રિપોર્ટ અનુસાર, પુરાવા માંગવામાં આવતાં પોતે કોન્ટ્રાક્ટ પર હોવાનું કહીને જાહેર ન કરી શકે તેમ જણાવ્યું હતું. બીજો એક પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, જો મિતુલ ચંદ્રયાનના લેન્ડિંગ સમયે (બુધવારે સાંજે) ઈસરો સેન્ટર પર હોય તો ત્યાંથી બીજા જ દિવસે સુરત કઈ રીતે પહોંચી ગયા? જોકે, મિતુલે કહ્યું હતું કે તેઓ સવારે બેંગ્લોરથી ફ્લાઇટમાં આવ્યા પરંતુ સંદેશના રિપોર્ટનું માનીએ તો ગુરૂવારે સવારે 10 વાગ્યાની બેંગ્લોર-સુરતની કોઈ ફ્લાઇટ જ નથી. જ્યારે સોસાયટીના એક રહીશે પણ મિતુલ મંગળ-બુધમાં ઘરે જ હોવાની વાતો કહી હોવાનું રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે.
રિપોર્ટમાં ઈસરો-અમદાવાદનાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે, સુરતમાંથી મિતુલ ત્રિવેદી નામની કોઈ વ્યક્તિ ઈસરો સાથે સંકળાયેલી નથી. ઉપરાંત, SVNITના એક પ્રોફેસરને પણ ટાંકવામાં આવ્યા છે, જેમણે જણાવ્યું કે, “ઈસરો તમામ બાબતો ગોપનીય રાખે છે અને કોઈ વ્યક્તિ આ પ્રકારે જાહેરમાં આવી વાતો ન કહી શકે, તેમાં શંકા જાય છે.”
આ સિવાય સુરતના એક પ્રોફેસરે પણ ફેસબુક પર પોસ્ટ કરી છે. અનુરાગ કડવેના આઈડી પરથી દાવો કરવામાં આવ્યો કે, મિતુલ ત્રિવેદી કોઈ પણ પ્રકારે ઈસરો સાથે જોડાયેલા નથી અને સંસ્થાના કર્મચારીઓ સબંધિત માહિતી માટે ઈસરોની એક કડક નીતિ છે તેમજ આ બધી માહિતી સત્તાવાર રીતે જ જાણી શકાય તેમ છે. તેમણે કહ્યું કે, આ પ્રકારનાં કૃત્યો સાચા વૈજ્ઞાનિકોની શાખ તો ખરડે જ છે પરંતુ સાથેસાથે લોકોને પણ ગેરમાર્ગે દોરે છે.
ટ્વિટર પર રાજેશ મોદી નામના એક વ્યક્તિએ ન્યૂઝ એજન્સી PTIની X (અગાઉનું ટ્વિટર) પર કરવામાં આવેલ પોસ્ટનો સ્ક્રીનશોટ લઈને લખ્યું કે, ગુજરાત કે સુરતની એક પણ ચેનલે મિતુલ ત્રિવેદી સાથેના તેમના ઇન્ટરવ્યૂનો વિડીયો હટાવ્યો નથી તો PTIએ સ્પષ્ટતા કરવી જોઈએ કે શા માટે તેમણે આ ટ્વિટ ડિલીટ કરી દીધું હતું. નોંધનીય છે કે PTIએ અગાઉ મિતુલ ત્રિવેદીના ઇન્ટરવ્યૂવાળી ક્લિપ પોસ્ટ કરી હતી, પરંતુ હવે તે હટાવી દેવામાં આવી છે.
Dear @PTI_News no news channel in surat – Gujarat has deleted their video of interview with dr Mitul Trivedi of @isro @ISROSpaceflight . Can you help to know any specific reason for removal of interview ! He claimed to be core scientist in designing chandrayan – 3 https://t.co/oZB2ngLdWR pic.twitter.com/GQkgJZ3OWc
— Rajesh Modi (@rajeshhmodi) August 25, 2023
સમગ્ર બાબતને લઈને તેમનો પક્ષ જાણવા માટે ઑપઇન્ડિયાએ મિતુલ ત્રિવેદીનો પણ સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે, આ મામલે તેઓ સ્પષ્ટતા કરી રહ્યા છે અને થોડા જ સમયમાં નવી માહિતી મળશે. તેમનો પ્રત્યુત્તર મળ્યે આ લેખ અપડેટ કરી દેવામાં આવશે.