PM નરેન્દ્ર મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગ પહોંચ્યા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. એ દરમિયાન એક વિડીયો પણ સામે આવ્યો છે, જે વિડીયોને જોયા બાદ દેશભરમાં તેની પ્રશંસા થઈ રહી છે. વાસ્તવમાં પ્રસંગ BRICSના ગ્રુપ ફોટોનો હતો. જેમાં તમામ રાષ્ટ્રાધ્યક્ષોએ સ્ટેજ પર ઊભા રહીને ફોટોગ્રાફ્સ ક્લિક કરાવવાના હતા. આ દરમિયાન સ્ટેજ પર તે દેશોના ધ્વજ નીચે રાખવામાં આવ્યા હતા. જે દેશનો ધ્વજ રાખ્યો હતો ત્યાં તે દેશના નેતાએ ઊભા રહેવાનું હતું. ભારતનો તિરંગો પણ ત્યાં રખાયો હતો. PM મોદીએ તિરંગો જોયો અને તેને પોતાના ખિસ્સામાં મૂકી દીધો.
BRICSના કાર્યક્રમ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા મંચ પર પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ જમીન પર તિરંગાને મૂકેલો જોયો તેવા જ તે આગળ વધ્યા અને તિરંગાને મંચ પરથી ઉઠાવીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો. તેમને જોઈને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ પણ પોતાના દેશનો ધ્વજ નીચેથી ઉઠાવી લીધો. ત્યારપછી નીચેથી એક કર્મચારી મંચ પર પહોંચ્યો, જેને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ પોતાના દેશનો ધ્વજ આપી દીધો.
જોકે, PM નરેન્દ્ર મોદીએ તેને તિરંગો ન આપ્યો અને પોતાના પોકેટમાં જ રાખી મૂક્યો. કદાચ તેમને ડર હતો કે તે કર્મચારી પણ તિરંગો લઈને એવી જગ્યાએ મૂકી દેશે કે જ્યાં તેનું અપમાન થાય. જાણવું જરૂરી છે કે ભારતમાં તિરંગા ધ્વજને ફર્શ પર રાખવામાં આવતો નથી તેને અપમાન માનવામાં આવે છે. ભારતના રાષ્ટ્રધ્વજ પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આદર અને સંવેદનશીલતા જોઈને લોકોએ તેમની પ્રશંસા કરી હતી. લોકોએ કહ્યું કે, વડાપ્રધાન મોદી જ્યાં પણ હોય ત્યાં દેશના સન્માન અને પ્રતીકો પ્રત્યે સંવેદનશીલ જોવા મળે છે.
#WATCH | Johannesburg, South Africa | PM Narendra Modi notices Indian Tricolour on the ground (to denote standing position) during the group photo at BRICS, makes sure to not step on it, picks it up and keeps it with him. South African President Cyril Ramaphosa follows suit. pic.twitter.com/vf5pAkgPQo
— ANI (@ANI) August 23, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી હતી અને આ વર્ષે પણ તેમણે દેશવાસીઓને તેમના ઘરે તિરંગો ફરકાવવાં આગ્રહ કર્યો હતો. આ માટે રાષ્ટ્રધ્વજના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. એવા સમયે કે જ્યારે દેશ ‘ચંદ્રયાન 3’ના લેન્ડિંગને લઈને ચંદ્ર પર તિરંગો ફરકાવવાની વાત કરી રહ્યો છે ત્યારે PM મોદીનો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો PM મોદીની પ્રશંસા કરી રહ્યા છે. ભારતમાં પણ ઘણા કાર્યક્રમોમાં PM મોદી પ્લાસ્ટિક વગેરેને આજુબાજુ પડેલું જુએ છે તો તેને પણ ઉઠાવે છે.