હાલના સમયમાં લોકોને વિદેશ જઈને પૈસો કમાઈ ત્યાં સ્થાયી થવાની ઘણી તાલાવેલી લાગી છે. આ પહેલા અનેક એવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે કે જેમાં કોઈ ભારતીય વિદેશ જવા માટે ઘણા એજન્ટોનો સંપર્ક કરે છે અને બાદમાં વિદેશ જઈને ફસાઈ જાય છે. સરકાર અને વિદેશ મંત્રાલય મળીને એવા વ્યક્તિઓને બચાવે છે ત્યારે જઈને તેમનું વિદેશ જવાનું ભૂત ઉતરે છે. આવી જ એક ઘટના ફરી સામે આવી છે જેમાં ભરૂચની એક મુસ્લિમ મહિલા ઓમાન જવા માટે એજન્ટનો સંપર્ક કરે છે અને વિઝા કઢાવી ઓમાન જાય છે. ત્યાં ગયા બાદ તે ઓમાનમાં એજન્ટના કાવતરામાં ફસાઈ જાય છે અને પોતાને બચાવવા માટે વિડીયો બનાવી ઇન્ડિયન એમ્બેસી અને સરકાર સમક્ષ મદદની આજીજી કરે છે.
અહેવાલોના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ નાંદિડા ગામની મહિલા તસ્લીમા પટેલને કામને બહાને ઓમાન મોકલ્યા બાદ મહિલા સાથે અત્યાચાર થઈ રહ્યો હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. આ મહિલાએ મસ્કતથી વિડીયો બનાવી ભારત સરકાર અને ઇન્ડિયન એમ્બેસી સમક્ષ મદદની માંગ કરી છે. આ ઉપરાંત તેને ત્યાં પહોંચાડનાર એજન્ટો તેની સાથે મારપીટ કરી મહિલાને વેચવાનો કારસો ઘડતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
વિદેશ મોકલતા એજન્ટોની ચૂંગાલમાં ફસાઈ ભરૂચની મહિલા #bharuch pic.twitter.com/8snKrywjqz
— ABP Asmita (@abpasmitatv) August 22, 2023
વિડીયોમાં ભરૂચની મહિલા જણાવે છે કે તે નાંદિડા ગામની રહેવાસી છે અને ઈલ્યાસ પટેલની દીકરી છે. તેને ઓમાનમાં એક મુંબઈના એજન્ટ અને અન્ય એક મહિલાએ ફસાવી દીધી છે. કામના બહાને લાવી મારપીટ કરી વેચવાની કોશિશ કરે છે. સાથે જ મહિલાને ભારત પરત મોકલવાની પણ ના કહે છે. આ ઘટનાને લઈને તે મહિલાએ બધા ભારતીયો, વડાપ્રધાન અને મંત્રીઓને તેને છોડાવી મદદ કરવાની અપીલ કરી છે. મહિલાને કામના બહાને ઓમાન લઈ જવામાં આવી હતી અને ત્યાં તે મહિલા એજન્ટના કાવતરમાં ફસાઈ જાય છે.
કેન્દ્ર અને ગુજરાત સરકારે માંગરોળના મુનાફને બચાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે આ ઘટનાના થોડા સમય પહેલા પણ આવી એક ઘટના બની હતી જેમાં જૂનાગઢના માંગરોળમાં રહેતા ફરહાન નામના યુવાનને આફ્રિકામાં બંધક બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરહાનના પિતા મુનાફ પરમાર પર આફ્રિકાથી ફોન આવ્યો હતો અને આરોપીઓએ 80 લાખની માંગણી કરી હતી. સાથે ધમકી આપવામાં આવી હતી કે, જો 80 લાખ નહીં મળે તો ફરહાન ભારત પરત ફરી શકશે નહીં.
જે બાદ ફરહાનના પરિવારે માંગરોળ પોલીસને જાણ કરતાં પોલીસ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસે ફરહાનને છોડાવીને હેમખેમ પરત લવાયો હતો. જે બાદ પરિવારે સરકારનો આભાર માન્યો હતો.