હરિયાણાના મેવાતના નૂંહ ખાતે 31 જુલાઈ 2023ના રોજ થયેલી હિંસામાં ગૌરક્ષક મોનુમાનેસર અને બિટ્ટુ બજરંગીની કોઈ ભૂમિકા નહોતી. આ વાતનો ખુલાસો હરિયાણાના અધિક પોલીસ મહાનિદેશક (ADPG-કાનૂન અને વ્યવસ્થા) મમતા સિંહે પોતે કર્યો છે. તેમણે તેમ પણ જણાવ્યું કે મોનુ માનેસરે હેત સ્પીચ નહોતી આપી.
નૂંહ હિંસામાં મોનુ માનેસર અને બિટ્ટુ બજરંગીની ભૂમિકા અંગે આ મહિલા IPSએ તે પણ સ્પષ્ટતા કરી હતી કે બિટ્ટુ બજરંગીની ધરપકડ નૂંહ હિંસા ભડકાવવાના મામલે નથી થઈ. ઉલ્લેખનીય છે કે મમતા સિંહ એ જ પોલીસ અધિકારી છે, જેમણે હિંસા દરમિયાન નલ્હડ મંદિરમાં બંધક બનાવવામાં આવેલા હિંદુ શ્રદ્ધાળુઓને બચાવ્યા હતા.
આ મામલે ADPG મમતા સિંહે ન્યુઝ 18 સાથે કરેલી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, “જો તમે 31 જુલાઈનો યાત્રા પહેલાનો મોનુ માનેસરનો સોશિયલ મીડિયા પોસ્ટનો ઑડિયો સાંભળશો, તો તેમાં તે કહે છે કે યાત્રામાં શામેલ થવા આવી રહ્યો છું. તમે પણ એમાં જોડાઓ. મને નથી લાગતું કે માત્ર આવું એલાન કરવું કે તે એક યાત્રા માટે આવી રહ્યો છે, તે કોઈ પણ હેટ સ્પીચ અંતર્ગત આવતું હોય.”
#BreakingNews: Haryana ADGP shares latest updates on #NuhViolence; More than 500 people arrested or in preventing detention so far
— News18 (@CNNnews18) August 19, 2023
"Monu Manesar can't be booked for hate speech..", Haryana ADGP Mamta Singh spoke exclusively to CNN-News18's @Arunima24, listen in@anjalipandey06 pic.twitter.com/AJLwGtLp4V
તો બીજી તરફ બિટ્ટુ બજરંગીની ધરપકડ પર તેમણે જણાવ્યું કે, “મીડિયા એવું કહી રહી છે કે બિટ્ટુ બજરંગીની નૂંહ હિંસાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. પણ વાસ્તવમાં તે ખોટું છે, બે અલગ-અલગ મુદ્દા છે. ભડકાઉ પોસ્ટ મામલે ફરીદાબાદ પોલીસે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. તો બીજી તરફ નૂંહ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવાનું કારણ તે છે કે, યાત્રાના દિવસે બિટ્ટુ બજરંગીએ એડિશનલ એસપી સાથે ઝઘડો કર્યો હતો.
તેમણે કહ્યું કે, “બિટ્ટુ તલવાર અને અન્ય હથિયારો લઇને જઈ રહ્યો હતો. આ બધી વસ્તુઓ માટે પરવાનગી નહોતી. એડિશનલ એસપીએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. પણ બજરંગી અને તેના લોકોએ હથિયાર પાછા જુંટવી લીધા હતા. બિટ્ટુ અને તેના લોકોએ એડિશનલ એસપી તેમજ તેમની ટીમને કામ કરતા રોક્યા હતા. જેથી પોલીસના કામમાં અડચણ ઉભી કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.”
ઉલ્લેખનીય છે કે નૂંહ પોલીસે 15 ઓગસ્ટે ફરીદાબાદ સ્થિત બિટ્ટુ બજરંગીના ઘરેથી તેની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી નૂંહ જિલ્લાના ASP ઉષા કુંડૂની ફરિયાદના આધારે દાખલ FIR બાદ થઇ હતી. FIRમાં કુંડૂએ પણ કહ્યું હતું કે 31 જુલાઈ 2023ના રોજ 15થી 20 વ્યક્તિઓનું એક સમૂહ નલ્હડ મંદિર તરફ જઈ રહ્યું હતું. જેમાંથી કેટલાક લોકોના હાથમાં તલવારો અને ત્રિશુલ જેવા હથિયારો હતા. ફરજ પર હાજર પોલીસે જયારે આ હથિયારો લેવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેઓ સુત્રોચ્ચાર કરવા લાગ્યા અને ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. જોકે તેમની પાસેથી હથિયાર આંચકી લેવામાં પોલીસને સફળતા મળી હતી, પરંતુ ફરિયાદ મુજબ બાદમાં બિટ્ટુ અને તેના સાથીદારોએ સરકારી ગાડીમાંથી હથિયારો ઝુંટવીને ભાગી ગયા હતા.