ઉત્તરાખંડમાં ગુજરાતી યાત્રાળુઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં પડતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 7 યાત્રાળુઓના મૃત્યુ થયા છે જયારે 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત યાત્રાળુઓને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બસમાં કુલ 35 શ્રધ્ધાળુઓ સવાર હતા.
મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડમાં ગુજરાતી યાત્રાળુઓને લઈ જઈ રહેલી બસ ગંગોત્રીથી ઉત્તરકાશી જઈ રહી હતી. આ દરમિયાન ગંગોત્રી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ગંગનાની પાસે બસ એકાએક ઊંડી ખીણમાં ખાબકી હતી. કહેવામાં આવી રહ્યું છે કે 35 યાત્રાળુઓ લઈને જઈ રહેલી આ બસના અચાનક ઊંડી ખીણમાં પડતાં જ આખો વિસ્તાર મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ મામલે માહિતી આપતા પોલીસ અધિક્ષક અર્પણ યદુવંશીએ 7 લોકોના મોત નીપજ્યાં હોવાની પુષ્ટિ મીડિયા સમક્ષ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. બસમાં ફસાયેલા 27 ઘાયલ યાત્રાળુઓને તાત્કાલિક બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ આ દુર્ઘટનામાં 7 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે એક યાત્રી બસમાં ફસાયેલ હોવાના કારણે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હોવાનું પણ કેટલાક મીડિયા રીપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે. રેસ્ક્યુ તેમજ અન્ય ઈમરજન્સીને પહોંચી વળવા માટે દહેરાદુન ખાતે એક હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યું હોવાની માહિતીઓ મળી રહી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું
ઉલ્લેખનીય છે કે ઘટનાની માહિતી મળ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે X (પહેલાનું ટ્વીટર) પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કરી પરિવારોને સાત્વના પાઠવી છે. મુખ્યમંત્રીએ લખ્યું હતું કે, “ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.” સાથે જ તેમણે પોતાની પોસ્ટમાં માહિતી આપી હતી કે ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. સાથે જ ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ મુખ્યમંત્રીએ કરી હતી.
ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 20, 2023
ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામી એ પણ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામી એ પણ અકસ્માતને લઈને શોક જતાવ્યો હતો. ધામીએ પણ X (પહેલાનું ટ્વીટર) પર પોસ્ટ કરી સંદેશ પાઠવ્યો હતો કે, “ગંગોત્રીથી ઉત્તરકશી જઈ રહેલી બસના અકસ્માતમાં કેટલાક યાત્રીઓના મૃત્યુના અત્યંત પીડાદાયક સમાચાર મળ્યા. પ્રશાશનને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે ઉચિત વ્યવસ્થા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.”
गंगोत्री से उत्तरकाशी जा रही बस के गंगनानी में दुर्घटनाग्रस्त हो जाने से कुछ लोगों के हताहत होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ है। प्रशासन को त्वरित रूप से राहत और बचाव कार्य संचालित करने एवं घायलों के उपचार के लिए उचित व्यवस्था सुनिश्चित करने हेतु निर्देशित किया है।…
— Pushkar Singh Dhami (@pushkardhami) August 20, 2023
આ સાથે જ મુખ્યમંત્રી ધામીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના સાથે મૃત્યુ પામેલા યાત્રીઓના પરિજનો માટે શોક વ્યક્ત કર્યો હતો.