ભારતનું ચંદ્રયાન હાલ અવકાશમાં છે અને લેન્ડિંગની તૈયારી કરી રહ્યું છે, બીજી તરફ રશિયાએ પણ પોતાનું લૂના-25 સ્પેસ ક્રાફ્ટ ચંદ્ર ભણી મોકલ્યું હતું, પરંતુ રશિયાનું આ સ્પેસક્રાફ્ટ એ ચંદ્રની સપાટી પર લેન્ડ કરે તે પહેલાં જ ક્રેશ થઇ ગયું છે.
આ સ્પેસક્રાફટ સોમવારે (21 ઓગસ્ટ, 2023) લેન્ડ કરવાનું હતું, પરંતુ તે મિશન પૂર્ણ કરી શક્યું નહીં. રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોમોસે આ બાબતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે લૂના-25 નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને ત્યારબાદ ચંદ્ર પર જઈને ટકરાઈ ગયું. 47 વર્ષ બાદ રશિયાએ આ ‘મૂન મિશન’ લૉન્ચ કર્યો હતો, પરંતુ તેમાં છેલ્લી ઘડીએ નિષ્ફ્ળતા મળી છે.
રોસ્કોમોસે એક અધિકારીક નિવેદનમાં જણાવ્યું કે, ઑટોમેટિક સ્ટેશન કોઈ અન્ય જ ભ્રમણકક્ષામાં ઘૂસી ગયું હતું અને ત્યારબાદ ચંદ્રની સપાટીએ જઈને ટકરાયું અને નષ્ટ થઇ ગયું હતું. નોંધવું જોઈએ કે આ સ્પેસ ક્રાફ્ટ ઓટોમેટેડ હતું અને કોઈ વ્યક્તિ તેમાં હાજર ન હતું. તેનું સંચાલન પૃથ્વી પરથી કરવામાં આવતું હતું.
Russia's Luna-25 spacecraft has crashed into the moon, reports Germany's DW News citing space corporation Roskosmos pic.twitter.com/ZtxYkFHUp2
— ANI (@ANI) August 20, 2023
આ પહેલાં શનિવારે (19 ઓગસ્ટ) રશિયાએ સ્પેસક્રાફટમાં કોઈ ગડબડ થઇ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે નિયંત્રણમાં લઇ શકાયું નહીં અને ક્રેશ થઇ ગયું. એજન્સીએ જણાવ્યું હતું કે, ઓપરેશન દરમિયાન ઓટોમેટિક સ્ટેશનના બોર્ડ પર અસામાન્ય હિલચાલ થઇ અને ત્યારબાદ યોગ્ય સંચાલન થઇ શક્યું ન હતું.
અંતિમ વખત રશિયાએ વર્ષ 1976માં લૂના-24 સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર મોકલ્યું હતું. 47 વર્ષ બાદ રશિયાએ ફરીથી ચંદ્ર પર સ્પેસક્રાફ્ટ મોકલ્યું, પરંતુ આ મિશન સફળ ન થઇ શક્યો. જો ખામી સર્જાઈ ન હોત તો લૂના-25 સોમવારે (21 ઓગસ્ટ) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું.
એક તરફ જ્યાં આ સમાચાર આવ્યા છે ત્યાં બીજી તરફ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROએ ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ માટેનો સમય જાહેર કર્યો છે. 23 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે 6 કલાક અને 4મી મિનિટે ભારતનું ચંદ્રયાન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. પહેલાં આ સમય સાડા પાંચથી છ વચ્ચેનો જણાવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે ઇસરોએ ચોક્કસ સમય જણાવ્યો છે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 20, 2023
🇮🇳Chandrayaan-3 is set to land on the moon 🌖on August 23, 2023, around 18:04 Hrs. IST.
Thanks for the wishes and positivity!
Let’s continue experiencing the journey together
as the action unfolds LIVE at:
ISRO Website https://t.co/osrHMk7MZL
YouTube… pic.twitter.com/zyu1sdVpoE
ચંદ્રયાન હાલ સપાટીથી માત્ર ત્રીસેક કિલોમીટર દૂર છે. શનિ-રવિની મધ્ય રાત્રિ દરમિયાન બીજું ડી-બુસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. હાલ લેન્ડરની ઝડપ ઘટાડવામાં આવી રહી છે. જેમ-જેમ ચંદ્ર તરફ જશે તેમ તેની ઝડપ શૂન્ય થતી જશે અને ત્યારબાદ તે સપાટી પર ઉતરશે.