Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘સોનિયા અને રાહુલ ગાંધીના કહેવા પર મળ્યું હતું અધ્યક્ષપદ’: મલ્લિકાર્જુન ખડગે, ભાજપે...

    ‘સોનિયા અને રાહુલ ગાંધીના કહેવા પર મળ્યું હતું અધ્યક્ષપદ’: મલ્લિકાર્જુન ખડગે, ભાજપે કહ્યું- કોંગ્રેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની, ત્યાં એક પરિવારનું જ ચાલે છે

    કોંગ્રેસમાં ઈલેક્શન નહીં પણ સિલેક્શન થાય છે. એ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એક પરિવારનું જ ચાલે છે. ખડગેજીએ જ સ્વીકાર્યું કે તેમને પદ મળ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ સ્વયં પોતાની દશા અને દિશા બતાવી છે- ભાજપ

    - Advertisement -

    વર્ષો સુધી ગાંધી પરિવારે જ અધ્યક્ષ પદ પોતાના કબ્જામાં રાખ્યા બાદ કોંગ્રેસે 2022માં ‘ચૂંટણી’ કરી હતી અને મલ્લિકાર્જુન ખડગેને અધ્યક્ષ તરીકે ચૂંટ્યા હતા. પરંતુ હવે ખડગેએ એક નિવેદન આપીને કહ્યું કે, તેમને અધ્યક્ષ પદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના કહેવા પર મળ્યું હતું.

    મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું, “1969માં બ્લોક પ્રેસિડેન્ટ તરીકે મારી રાજકીય યાત્રા શરૂ થઇ હતી. પાર્ટીના બે ભાગ પડ્યા બાદ જ્યારે ઇન્દિરા ગાંધી ગુલબર્ગ આવ્યાં હતાં ત્યારે તેમની સાથે કોઈ મોટા નેતા ન હતા, અમે માત્ર યુવાનો જ હતા. ત્યારે યુવાનોને તક મળી. કારણ કે બીજા નેતાઓ તો હતા જ નહીં…બધા એક-એક કરીને ભાગી ગયા હતા. ત્યારબાદ બે વર્ષમાં જ મને ધારાસભ્ય બનવાની તક મળી. જ્યારથી MLA બન્યો ત્યારથી આજ સુધી હું ક્યારેય હાર્યો નથી, જીતતો આવ્યો. સતત 50 વર્ષ તો જીત્યો પરંતુ વચ્ચે થોડી અડચણ આવી પરંતુ સોનિયા ગાંધીજીએ ઝટથી 6 મહિનાની અંદર મને રાજ્યસભા મોકલ્યો. હું તેમનો બહુ ઋણી છું.” 

    આગળ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું, “આપણે કેટલુંય કામ કરીએ, પરંતુ તેની કદર કરતા નેતા મળે તો બહુ આનંદ થાય છે. મને જે અધ્યક્ષપદ મળ્યું તે પણ શ્રીમતી સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજીના કહેવા પર એટલે કે તેમના સમર્થનથી જ મને મળ્યું.” વીડિયોમાં 7 મિનિટ 16 સેકન્ડ પછી સાંભળી શકાશે.

    - Advertisement -

    અહીં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેઓ આજ સુધી હાર્યા નથી, પરંતુ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમની હાર થઇ હતી. તેઓ ગુલબર્ગ બેઠક પરથી લડ્યા હતા, જ્યાં ભાજપના ઉમેદવારે તેમને 95 હજાર મતોના માર્જિનથી હરાવી દીધા હતા. 

    2022માં બે દાયકા બાદ ગાંધી પરિવારે અધ્યક્ષપદ છોડ્યું હતું

    1998થી કોંગ્રેસનું અધ્યક્ષપદ ગાંધી પરિવાર પાસે જ રહેતું હતું. સોનિયા ગાંધી છેક 2017 સુધી પાર્ટીનાં અધ્યક્ષ રહ્યાં હતાં. 2017માં તેમણે રાજીનામું આપીને પદ પુત્ર રાહુલ ગાંધીને આપ્યું હતું, પણ 2019માં કોંગ્રેસે કંગાળ પ્રદર્શન કરતાં રાહુલે પદ છોડી દીધું હતું. પરંતુ ત્યારબાદ ફરી સોનિયા ગાંધી વચગાળાનાં અધ્યક્ષ બન્યાં હતાં. 

    સતત બે દાયકા સુધી ગાંધી પરિવાર પાસે જ અધ્યક્ષ પદ રહેતાં થતી ટીકાઓ વચ્ચે કોંગ્રેસે 2022માં ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો હતો અને ગાંધી પરિવારના નજીકના ગણાતા મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ શશિ થરૂરને ઉમેદવાર બનાવાયા હતા. ચૂંટણી બાદ ખડગેને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. જોકે, આ ચૂંટણી પર પણ કાયમ સવાલો ઉઠતા રહ્યા છે અને તે રીતસરની ચૂંટણી નહીં પરંતુ એક નાટક હોવાના આરોપો કોંગ્રેસ પર લાગતા રહે છે. તેવામાં મલ્લિકાર્જુન ખડગેનું આ નિવેદન વધુ સૂચક બની રહે છે. 

    ભાજપ પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “મલ્લિકાર્જુન ખડગેની ઈમાનદારીનું અમે સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું કે તેમને પદ મળ્યું. આનાથી અમુક બાબતો સ્પષ્ટ થઇ ચૂકી છે, કોંગ્રેસમાં ઈલેક્શન નહીં પણ સિલેક્શન થાય છે. એ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એક પરિવારનું જ ચાલે છે. ખડગેજીએ જ સ્વીકાર્યું કે તેમને પદ મળ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ સ્વયં પોતાની દશા અને દિશા બતાવી છે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં