બિહારના કિશનગંજ જિલ્લામાં 62 વર્ષીય કલીમુદ્દીન ઉર્ફે કલુઆ મુલ્લાને તેના પરિવારે જીવતો સળગાવી દીધો હતો. સ્વજનોએ ખજાનાની લાલચમાં આ કર્યું હતું. આ ઘટના 14 ઓગસ્ટ 2023ના રોજ મોડી રાત્રે બહાદુરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના દુલાલી ગામમાં બની હતી. હત્યા બાદ પત્ની અને બાળકો આખી રાત કલીમુદ્દીનની લાશ પાસે બેઠાં રહ્યાં. સવારે ગ્રામજનોને આ અંગેની જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખજાનો મેળવવા માટે મેલીવિદ્યા કરવાના પ્રયાસમાં કલીમુદ્દીનની પત્ની, પુત્ર પરવેઝ અને પુત્રીઓએ હત્યા કરી હતી. જ્યારે ઘરની વહુએ આનો વિરોધ કર્યો તો પરિવારે તેને એક રૂમમાં બંધ કરી દીધી હતી. સવારે જ્યારે ગ્રામજનોને હત્યાની જાણ થઈ ત્યારે આરોપીઓ વિચિત્ર વર્તન કરવા લાગ્યા હતા. તેઓ કહેતા હતા કે “જીન્નતે ઘરમાં ખજાનો ભરેલો ઘડો મોકલ્યો છે. તે સોના અને ચાંદીથી ભરેલો છે.”
#Bihar: Kin burn Kishanganj man to death for 'hidden treasure'
— The Times Of India (@timesofindia) August 17, 2023
The lust for lucre led the family members of 62-year-old Mohammad Kalimuddin to allegedly burn him to death at Dulali village.https://t.co/avOJhkwHI7
અહેવાલો અનુસાર, મામલાની ગંભીરતાને સમજીને ગામલોકોએ પરિવારના સભ્યોને દોરડાથી બાંધી દીધા અને બહાદુરગંજ પોલીસને ઘટનાની જાણ કરી હતી. સબ ઇન્સ્પેક્ટર પુષ્પ કુમારીએ તેને અંધશ્રદ્ધાનો મામલો ગણાવ્યો છે. પૂછપરછ દરમિયાન કલીમુદ્દીનના પુત્રએ જણાવ્યું કે તેણે ઘર સોના અને કિંમતી ઘરેણાથી ભરવાના લોભમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. સબ-ઇન્સ્પેક્ટરે કહ્યું કે મૃતકના પરિવારના તમામ સભ્યો માનસિક રીતે બીમાર હોવાનું જણાયું હતું.
બીજી તરફ અન્ય એક બિહારના પોલીસ અધિકારીનું કહેવું છે કે મૃતકના પરિવારના સભ્યો કાળીવિદ્યાવાળાની જાળમાં ફસાઈ ગયા હતા. તેણે પરિવારના સભ્યોને કહ્યું કે કલીમુદ્દીન પાસે સોના અને કિંમતી ઘરેણાંથી ભરેલો છુપાયેલ ખજાનો છે. આ પછી પરિવારના સભ્યોએ કલીમુદ્દીન પર કથિત ખજાના વિશે જણાવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. જ્યારે કલીમુદ્દીન વારંવાર ખજાના વિશે માહિતી આપવાનો ઇનકાર કરતો હતો, ત્યારે પરિવાર ગુસ્સે થઈ ગયો હતો. આ પછી પરિવારે તેને જૂના કપડામાં લપેટીને પેટ્રોલ નાખીને આગ ચાંપી દીધી હતી.