Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅંતિમ તબક્કામાં મિશન ચંદ્રયાન…: પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું વિક્રમ લેન્ડર, લેન્ડિંગની પ્રક્રિયા...

    અંતિમ તબક્કામાં મિશન ચંદ્રયાન…: પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું વિક્રમ લેન્ડર, લેન્ડિંગની પ્રક્રિયા શરૂ; જાણો હવે આગળ શું

    18 અને 20 ઓગસ્ટના રોજ ડી-ઓર્બિટીંગ દ્વારા વિક્રમ લેન્ડરને 30 કિલોમીટરના પેરીલ્યૂન અને 100 કિલોમીટરના એપોલ્યૂન ઓર્બિટમાં મોકલવામાં આવશે.

    - Advertisement -

    ગત મહિને તરતું મૂકવામાં આવેલું ચંદ્રયાન હવે તેની યાત્રાના અંતિમ તબક્કામાં છે. ગુરૂવારે (17 ઓગસ્ટ, 2023) વિક્રમ લેન્ડર પોતાના પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ થઇ ગયું હતું. જેની સાથે લેન્ડિંગ પ્રક્રિયા પણ શરૂ થઇ ચૂકી છે. 

    ISROએ X (ટ્વિટર) પર ઔપચારિક એલાન કર્યું હતું. સાથે જણાવવામાં આવ્યું કે, હવે લેન્ડર મોડ્યુલને નીચેની કક્ષામાં મોકલવામાં આવશે અને જે માટે આવતીકાલે ચાર કલાકે ડીબુસ્ટીંગ (ઝડપ ઘટાડવાની પ્રક્રિયા) થશે. બીજી તરફ, પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની આસપાસ ચક્કર લગાવતું રહેશે અને પૃથ્વીના વાતાવરણનો અભ્યાસ કરશે. 

    અત્યાર સુધીની યાત્રા પ્રોપલ્શન મોડ્યુલે કરાવી હતી, જ્યારે હવે વિક્રમ લેન્ડર પોતાની રીતે આગળ વધશે. 18 અને 20 ઓગસ્ટના રોજ ડી-ઓર્બિટીંગ દ્વારા વિક્રમ લેન્ડરને 30 કિલોમીટરના પેરીલ્યૂન અને 100 કિલોમીટરના એપોલ્યૂન ઓર્બિટમાં મોકલવામાં આવશે. પેરીલ્યૂન એટલે ચંદ્રની સપાટીથી ઓછું અંતર અને એપોલ્યૂન એટલે વધુ અંતર. એટલે કે આ પ્રક્રિયા બાદ લેન્ડર ચંદ્રથી 30 કિમી જ દૂર હશે. ક્રમશ: તે ગતિ ધીમી કરશે અને સાથે ઊંચાઈ પણ ઘટાડતું જશે. આ માટે એન્જિન અવળી દિશામાં ફેરવવામાં આવશે. 

    - Advertisement -

    એક વાર 30*100 કિમીના ઓર્બિટમાં પ્રવેશ કર્યા બાદ ઈસરો માટે સૌથી મહત્વનું કામ શરૂ થશે- સોફ્ટ લેન્ડિંગનું. 30 કિમીના અંતરે પહોંચ્યા બાદ લેન્ડરની ગતિ ઘટાડવામાં આવશે અને ધીમે-ધીમે ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવશે. ચંદ્રયાન-2 વખતે બધું સમુંસૂતરું પાર પડ્યું હતું પરંતુ સોફ્ટ લેન્ડિંગ થઇ શક્યું ન હતું.

    સોફ્ટ લેન્ડિંગ આગામી 23 ઓગસ્ટ, 2023 (બુધવાર)ના રોજ થવાની શક્યતા છે. જો સોફ્ટ લેન્ડિંગ સફળતાપૂર્વક પાર પડ્યું તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનારો પહેલો દેશ ભારત  બનશે. આ માટે ISROએ કમર કસી છે અને તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 

    ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ રોવર ચંદ્રની સપાટી પરના રસાયણો પર પ્રયોગો કરશે તેમજ પાણીની શોધને લઈને પણ પ્રયોગ કરવામાં આવશે. તેની આવરદા ચંદ્રના 1 દિવસ જેટલી હશે, જે પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે. 

    ચંદ્રયાન ગત 14 જુલાઈ, 2023ના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. એક મહિનાથી વધુ સફર કર્યા બાદ ગત 16 ઓગસ્ટ, 2023ના રોજ તે ચંદ્રની અંતિમ કક્ષામાં પહોંચ્યું હતું. આજે હવે પ્રોપલ્શન મોડ્યુલ અને વિક્રમ લેન્ડર અલગ પડી ચૂક્યાં છે. મિશન ચંદ્રયાન તેના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં