દેશ 77મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં આ વખતે સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના ધમડાચીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરીને 77મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં વર્ષ 2047માં ભારતને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. સાથે જ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વનબંધુ-2 યોજના વિશે પણ માહિતી આપી હતી.
મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના ધમડાચીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરીને 77મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી તે દરમિયાન એક ભવ્ય પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, “રાજ્યના લોકો જ રાજ્યની સાચી તાકાત છે. જેથી રાજ્યના લોકોના સશક્તિકરણ માટે સરકારે આહાર, આરોગ્ય અને આવાસ એમ ત્રણેય ક્ષેત્રોને અગ્રીમતા આપી છે.”
વલસાડ જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ 77મા સ્વાતંત્ર્ય પર્વના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું.
— BJP Gujarat (@BJP4Gujarat) August 15, 2023
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ડાંગ જિલ્લાના 279 ગામોમાં સરફેસ સોર્સ આધારિત પાણી પુરવઠા માટેની ₹866 કરોડની યોજનાની જાહેરાત કરી. આ યોજના… pic.twitter.com/VnoyJoJFkV
પોતાના વક્તવ્યમાં મુખ્યમંત્રીએ વનબંધુ કલ્યાણ -2 યોજનાના અમલીકરણ વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, “રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ -2 યોજનાને અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ કરોડનો ખર્ચ કરી વિકાસ કર્યો કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યા છે.”
સાથે જ ભુપેન્દ્ર પટેલે બીપર જોય વાવાઝોડા સમયે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે જણાવતા કહ્યું હતું કે, “આ વખતે વાવાઝોડા સમયે ગુજરાત સરકારે એક લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરાવ્યુ હતું અને આપણે વાવાઝોડોનો મક્કમતાપૂર્વક સામનો કર્યો છે. એક બીજાના સહયોગથી આપણે ઝીરો કેઝ્યુઅલ્ટી સુનિશ્ચિત કરી છે.”
આગળ સેમિકન્ડક્ટર પોલિસી વિશે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે પોતાની સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે. આ માટે સેમિકન્ડક્ટરનો સૌ પ્રથમ પ્લાન્ટ સાણંદમાં બની રહ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ઝાલોદ ખાતે 15મી ઓગસ્ટની ઉજવણી કરી હતી. જેની માહિતી તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પર આપી હતી. કાર્યક્રમના કેટલાક ફોટો શેર કરતા ગૃહ મંત્રીએ લખ્યું હતું કે, “તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી! મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધા ભરી. 77મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે ઝાલોદ ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરીને દેશની આઝાદી માટે ખપી જનારા શહીદ વીરોનું સ્મરણ કર્યું.”
તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !
— Harsh Sanghavi (@sanghaviharsh) August 15, 2023
મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !
૭૭મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે ઝાલોદ ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરીને દેશની આઝાદી માટે ખપી જનારા શહીદ વીરોનું સ્મરણ કર્યું. pic.twitter.com/NhI09TWIeF
આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ સરકારના કેબીનેટ મંત્રીઓએ પણ અલગ અલગ જગ્યાએ 77મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. ગાંધીનગરમાં આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી યોજાઇ હતી. જેમાં સી.આર.પાટીલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે જ પાટીલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ ઉપલક્ષે પાટીલે કહ્યું હતું કે, “તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા એ વડાપ્રધાન મોદીની એક શ્રેષ્ઠ પહેલ છે જેને કારણે ગામે ગામ તિરંગા યાત્રા યોજાઇ છે. અસંખ્ય લોકોએ આ યાત્રામાં ભાગ લીધો છે અને દરેક ઘરે તિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે.”
અમૃતકાળમાં ભારતનો પ્રવેશ…
— BJP Gujarat (@BJP4Gujarat) August 15, 2023
77મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં 'ધ્વજવંદન કાર્યક્રમ' યોજાયો.#IndependenceDay pic.twitter.com/hWIwPiqgsO
આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પાટણમાં, કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા સુરતમાં, ઋષિકેશ પટેલે વડોદરામાં, રાઘવજી પટેલે રાજકોટમાં, કુંવરજી બાવળીયા દ્વારા અમદાવાદમાં, મુળુભાઇ બેરાએ માંડવી કચ્છમાં, કુબેર ડિંડોર દ્વારા છોટાઉદેપુરમાં અને ભાનુબેન બાબરિયાએ જૂનાગઢમાં ધ્વજવંદન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.