77મા સ્વાતંત્ર્ય દિવસે વડાપ્રધાન મોદીએ ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. જેમાં તેમણે અનેક મુદ્દે વાતચીત કરી, દેશની ઉપલબ્ધિઓ ગણાવી અને સાથોસાથ 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. સાથોસાથ તેમણે ત્રણ સમસ્યાઓ સામે લડવાની અપીલ કરી.
- ભ્રષ્ટાચાર
- પરિવારવાદ
- તુષ્ટિકરણ
વડાપ્રધાને કહ્યું કે, “આપણે કેટલીક વાસ્તવિકતાઓનો સ્વીકાર પણ કરવો પડશે અને તેના સમાધાન માટે પ્રયાસો કરવા પડશે અને જેના માટે તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું.” તેમણે કહ્યું કે, “કેટલીક વિકૃતિઓ 75 વર્ષમાં એવી ઘર કરી ગઈ છે, સમાજ-વ્યવસ્થાનો એવો ભાગ બની ગઈ છે કે ક્યારેક-ક્યારેક તો આપણે આંખ પણ બંધ કરી દઈએ છીએ. હવે એ સમય નથી. જો સપનાં સાકાર કરવાં હોય, સંકલ્પોને પાર કરવા હોય તો આંખમાં આંખ નાખીને ત્રણ ખામીઓ લડવું પડશે.”
ભ્રષ્ટાચારને લઈને વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, તેઓ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે લડતા રહેશે તો સાથે દેશવાસીઓને પણ અપીલ કરી. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર માટે જે રીતે ગંદકી માટે નફરતનો ભાવ સર્જાય છે તેઓ ભાવ લાવવો પડશે અને તે માટે સ્વચ્છતા અભિયાનને ભ્રષ્ટાચાર દૂર કરવા તરફ વળાંક આપવો પડશે. તેમણે કહ્યું કે, વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે કોઈ કાળે ભ્રષ્ટાચાર સહન કરી શકાય નહીં.
કેવી રીતે વંશવાદી રાજકારણ અને તુષ્ટિકરણ ભારતની વૃદ્ધિ ગાથામાં અવરોધ છે તે વિશે પીએમ મોદીએ શું કહ્યું તે જુઓ#IndependenceDayIndia #स्वतंत्रता_दिवस #PMModi #DynastyPolitics #appeasementpolitics pic.twitter.com/FXYuKU5exC
— ઑપઇન્ડિયા (@OpIndia_G) August 15, 2023
તેમણે ઉમેર્યું કે, પરિવારવાદે જે રીતે દેશને જકડી રાખ્યો છે, તેનાથી દેશના લોકોના હકો છીનવાઈ ગયા છે. પરિવારવાદી પાર્ટીઓનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને કહ્યું કે, તેમનો જીવનમંત્ર જ એ છે કે તેમનું રાજનીતિક દળ પરિવાર માટે અને પરિવાર દ્વારા હોય છે, તેઓ સામર્થ્ય સ્વીકારી શકતા નથી. આ પરિવારવાદને ઉખાડી ફેંકવા પર તેમણે ભાર આપ્યો.
ત્રીજી સમસ્યા તુષ્ટિકરણ વિશે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, તેનાથી સામાજિક ન્યાયને નુકસાન થયું છે. તેનાથી દેશના મૂળભૂત ચિંતનને અને સર્વસમાવેશક રાષ્ટ્રીય ચરિત્રને ડાઘ લાગ્યો છે, જે પણ દૂર કરવું જરૂરી છે.
પીએમ મોદીએ કહ્યું કે, આ આપણી એક મોટી જવાબદારી છે કે આવનારી પેઢીઓને એક સશક્ત દેશ આપીએ જેથી તેમણે નાની-નાની બાબતો મેળવવા માટે સંઘર્ષ ન કરવો પડે. તેમણે કહ્યું કે, આ સમસ્યાઓ સામે પૂરેપૂરા સામર્થ્ય સાથે દેશવાસીઓએ લડવાનું છે અને ભારતને એક વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધવાનું છે.