હરિયાણાના બહુચર્ચિત જુનૈદ-નાસિર હત્યાકાંડને લઈને જ્યાં એક તરફ ડાબેરી ગેંગ ગૌરક્ષક મોનુ માનેસરને દોષી ગણાવતી રહી છે તો બીજી તરફ રાજસ્થાન પોલીસે આજે કહ્યું હતું કે, નાસિર-જુનૈદ હત્યાકાંડમાં મોનુ માનેસરની કોઈ સીધી સંડોવણી નથી. રાજસ્થાનના DGPએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત જણાવી હતી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન NDTVની એક પત્રકારે હિંદુ કાર્યકર્તા અને ગૌરક્ષક મોનુ માનેસરને લઈને પ્રશ્ન કર્યો હતો. જેમાં પૂછવામાં આવ્યું કે, આ મુદ્દાને લઈને રાજસ્થાન-હરિયાણા વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલતી રહે છે અને હરિયાણા પોલીસ તરફથી મોનુની ધરપકડ માટે શું મદદ મળી છે? જેના જવાબમાં DGPએ કહ્યું કે, રાજસ્થાન પોલીસની એક ટીમ નૂંહ પણ ગઈ હતી અને તેઓ હરિયાણા પોલીસ પર કોઈ આરોપ લગાવવા નથી માગતા. તેમણે ઉમેર્યું કે, આ કેસમાં મુખ્ય મુદ્દો ઇન્ટેલિજન્સનો છે અને જો તેઓ સામેલ હશે તો પકડાઈ જશે. આ ઘટનામાં જે સીધી રીતે સામેલ હતા, આરોપીઓનું જે ઇનર સર્કલ હોય છે, જેમાં તેઓ પ્રત્યક્ષરૂપે સામેલ હોય છે, તેમાં મોનુ ન હતા.
નાસિર-જુનૈદ હત્યાકાંડમાં મોનુ માનેસરની કોઈ સીધી સંડોવણી નહીં હોવા બાબતે DGPએ આગળ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગુનેગારની ધરપકડ ન થઇ જાય, ત્યાં સુધી અમે એમ ન કહી શકીએ કે જાણીજોઈને આ પ્રમાણે કરવામાં આવી રહ્યું છે. સાથે જ પાડોશી રાજ્ય પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે એમ પણ કહ્યું કે તેમને મદદ મળી જ છે અને સિનિયર લેવલ સુધી વાતચીત ચાલી રહી છે. રાજસ્થાન પોલીસ ત્યાં જશે કે કેમ તે સવાલ પર DGPએ કહ્યું હતું કે આ પ્રકારની માહિતી પ્રેસ કોન્ફરન્સમાં ન આપી શકાય.
નાસીર અને જુનૈદને જીવતા સળગવાની ઘટના, ગૌતસ્કરીનો હતો આરોપ
નાસીર અને જુનૈદ બંને ભરતપુરના પહાડી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઘાટમીકા ગામના રહેવાસી હતા. આરોપ છે કે નાસીર અને જુનૈદનું અપહરણ કરીને બોલેરો ગાડીમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ મામલે રિંકુ સૈનીને મુખ્ય આરોપી ગણવામાં આવ્યા હતા, જેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ મામલે રાજસ્થાન પોલીસે 30 આરોપીઓની યાદી તૈયાર કરી હતી. જેમાંથી 3 વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે. ભરતપુરના ગોપાલગઢમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
15 ફેબ્રુઆરી 2023ના રોજ અપહરણની ફરિયાદ દાખલ થઇ હતી અને તેના બીજા જ દિવસે બંને હરિયાણાના ભિવાનીમાં સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ નાસિર અને જુનૈદના ભાઈ જાબીરે એકાદ વાર ટાવર પર ચઢીને આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી, જે બદલ તેની અટકાયત પણ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે જે આ બંને ભાઈ ગૌતસ્કરી કરતા હતા. રાજસ્થાન પોલીસ તરફેથી તેવું પણ સામે આવ્યું હતું કે કેટલાક આરોપીઓ યુપી-હરિયાણા ચાલ્યા ગયા છે જ્યાં પંચાયતોએ તેમને રક્ષણ આપ્યું હતું. આ મામલે મોનુ માનેસરનું નામ પણ ઉછાળવામાં આવ્યું હતું.
જે બાદ ઇસ્લામી કટ્ટરપંથી ગેંગે આ ઘટનામાં મોનુ માનેસર સામેલ હોવાનું કહીને ખૂબ હોબાળો મચાવ્યો હતો. મોહમ્મદ ઝુબૈરે પણ એક પછી એક ટ્વિટ કરીને મોનુ માનેસરનું નામ આરોપીઓની યાદીમાં હોવાનું કહ્યું હતું. જે બાદ મોનુના કેટલાક જૂના વિડીયો શૅર કરવાનું શરૂ કરી દીધું હતું, સાથે જ ગૌરક્ષકો વિરુદ્ધ ઘણું ઝેર પણ ઓક્યું હતું. ત્યારે હવે રાજસ્થાન પોલીસ પોતે જ કહી રહી છે કે નાસિર-જુનૈદ હત્યાકાંડમાં મોનુ માનેસરની કોઈ સીધી સંડોવણી નથી.