Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણટ્વિટ કરીને ફસાયાં પ્રિયંકા ગાંધી, FIR દાખલ થવાની શક્યતા: મધ્ય પ્રદેશ સરકાર પર...

    ટ્વિટ કરીને ફસાયાં પ્રિયંકા ગાંધી, FIR દાખલ થવાની શક્યતા: મધ્ય પ્રદેશ સરકાર પર લગાવ્યો હતો કમિશન લેવાનો આરોપ, સીએમ શિવરાજસિંહે જાહેરસભામાં ફેક્ટચેક કરી નાખ્યું

    પ્રિયંકા વાડ્રાએ પોતાના ટ્વીટમાં એક છાપાંનું કટિંગ મૂકીને તેના કેપ્શનમાં લખ્યું હતું કે, 'મધ્ય પ્રદેશમાં ઠેકેદારોના સંઘે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ફરિયાદ કરી છે કે પ્રદેશમાં 50 ટકા કમિશન આપ્યા બાદ જ વળતર આપવામાં આવે છે.'

    - Advertisement -

    મધ્ય પ્રદેશ સરકાર પર 50 ટકા કમિશન લેવાનો આરોપ લગાવવા બદલ ભાજપે પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા વિરુદ્ધ ભોપાલ પોલીસની ક્રાઈમ બ્રાંચમાં અરજી આપી છે. પ્રિયંકા વાડ્રાએ તાજેતરમાં એક ટ્વિટ કરીને મધ્ય પ્રદેશની ભાજપ સરકાર પર કમિશન લેવાનો આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અને ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ પ્રિયંકાના આ આક્ષેપને પાયાવિહોણો ગણાવ્યો હતો.

    મળતી માહિતી અનુસાર, ભાજપ મંત્રી વિશ્વાસ સારંગ પ્રિયંકા વાડ્રા પર FIR નોંધવાની માંગ સાથે ભોપાલ સ્થિત ક્રાઈમ બ્રાંચ પાસે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “રાજ્યમાં ચૂંટણીઓ આવતાંની સાથે જ કોંગ્રેસ પાર્ટીએ જુઠ્ઠાણું ફેલાવવાનું શરૂ કરી દીધું છે.” નોંધનીય છે કે પ્રિયંકા વાડ્રાએ એક ટ્વીટ કરીને કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને રાજ્ય સરકાર 50 ટકા કમિશન માંગતી હોવાનો આરોપ લગાવ્યો હોવાનું જણાવ્યું હતું.

    પ્રિયંકા વાડ્રાએ પોતાના ટ્વીટમાં એક છાપાંના કટિંગને મૂકીને તેના કેપ્શનમાં લખ્યું હતું કે, “મધ્ય પ્રદેશમાં ઠેકેદારોના સંઘે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ફરિયાદ કરી છે કે પ્રદેશમાં 50 ટકા કમિશન આપ્યા બાદ જ વળતર આપવામાં આવે છે. કર્ણાટકમાં ભ્રષ્ટ BJP સરકાર 40 ટકા કમિશન વસૂલતી હતી. મધ્ય પ્રદેશમાં BJP ભ્રષ્ટાચારનો પોતાનો જ રેકોર્ડ તોડીને આગળ નીકળી ગઈ છે. કર્ણાટકની જનતાએ 40 ટકા કમિશનવાળી સરકારને બહાર કરી, હવે મધ્ય પ્રદેશની જનતા 50 ટકા કમિશન વસૂલતી ભાજપ સરકારને સત્તા પરથી હટાવશે.”

    - Advertisement -

    પ્રિયંકા વાડ્રાએ ટ્વીટ કરીને કરેલા દાવાનું ખંડન કરતા રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ પોતાના નિવેદનનો એક વિડીયો ટ્વીટ કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, “કોઈ વ્યક્તિ નથી, સંસ્થાનું સરનામું નથી, બનાવટી સંસ્થા અને બનાવટી પત્ર, ના સૂત, ના કપાસ કોંગ્રેસીઓમાં લઠ્ઠમ લઠ્ઠ”

    આ વિડીયોમાં શિવરાજસિંહ વાયરલ કરવામાં આવેલા પત્રને દેખાડીને જણાવી રહ્યા છે કે, “કોંગ્રેસ કેવી રીતે દુષ્પ્રચાર કરે છે તેનું એક ઉદાહરણ હું આપી રહ્યો છું, આ વાયરલ થયેલો પત્ર સવારે જ્યારે મારા હાથમાં આવ્યો, તો મેં આખા ઇન્ટેલિજન્સને કહ્યું કે આની પાછળ શું વાસ્તવિકતા છે તે તપાસો. તપાસ બાદ ન તો આ પ્રકારનું કોઈ સરનામું મળ્યું છે કે ન તો આ પ્રકારની કોઈ સંસ્થા, એક વ્યક્તિ પણ આ નામનું નથી મળ્યું. તે છતાં આના પર પ્રિયંકા ગાંધી, કમલનાથ દ્વારા ટ્વીટ કરીને ભ્રમ ફેલાવવામાં આવ્યો. હવે આ નામનો કોઈ વ્યક્તિ છે જ નહીં, કોઈ સંસ્થા પણ નથી. બસ વાયરલ કરી નાખ્યું, તેમને લાગે છે કે કર્ણાટકમાં જેમ તેમણે ચલાવ્યું તેમ અહીં પણ ચાલી જશે.”

    તો બીજી તરફ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પણ કોંગ્રેસ પર આકરા પાણીએ જોવા મળ્યા. તેમણે પણ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી કે, “મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ મુદ્દાવિહીન થઈને ઘૃણિત માનસિકતા સાથે રાજનીતિ કરી રહી છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ પહેલા રાહુલ ગાંધી પાસે જુઠું બોલાવડાવ્યું અને હવે પ્રિયંકા ગાંધીજી પાસે જુઠ્ઠાણું ટ્વીટ કરાવડાવ્યું. પ્રિયંકા જી તમે જે ટ્વીટ કર્યા છે તેના પ્રમાણ આપો અન્યથા અમારી પાસે કાર્યવાહીના તમામ વિકલ્પો ખુલ્લા જ છે.”

    આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે પ્રિયંકા વાડ્રા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “કમિશનના નામે કોંગ્રેસ દ્વારા બનાવટી પત્ર જાહેર કરવા બદલ પ્રિયંકા ગાંધીને જવાબ આપવો પડશે. આ એક ષડ્યંત્ર છે, કોંગ્રેસે અપરાધ કર્યો છે જે બદલ ભાજપ કાયદાકીય કાર્યવાહી કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં