મધ્ય પ્રદેશના રતલામમાં તાજેતરમાં ‘સર તન સે જુદા’ના નારા લાગવાની ઘટનાઓ બની હતી. જે મામલે પોલીસે FIR દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ મામલે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પોતે નજર રાખી રહ્યા છે.
શુક્રવારે (11 ઓગસ્ટ, 2023) મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને સાથે કાર્યવાહી અંગે પણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આવા નારા લગાવનારાઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (NSA) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તેમણે કોંગ્રેસ સરકારોને પણ ફટકાર લગાવી હતી.
रतलाम में आतंकी नारे लगाने वालों को चिन्हित कर उनके खिलाफ एफआईआर दर्ज कर ली गई है। अपराधियों की जल्द गिरफ्तारी कर NSA की कार्रवाई की जाएगी।
— Dr Narottam Mishra (@drnarottammisra) August 11, 2023
मध्यप्रदेश राजस्थान नहीं है, यहां कांग्रेस की नहीं भाजपा की सरकार है। ऐसे विवादित नारे लगाने वाले संभल जाएं नहीं तो सख्त कार्रवाई की जाएगी। pic.twitter.com/GiEVbAu87j
એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, “આ રાજસ્થાન નથી કે ન કોંગ્રેસની સરકાર છે. આ મધ્ય પ્રદેશ છે. આવા આતંકી નારા લગાવનારાઓને 24 કલાકમાં સમજાઈ જશે કે તેઓ સુધરી જાય નહીં તો શું-શું અલગ (જુદા) થઇ જશે. FIR દાખલ કરી દેવામાં આવી છે, ગુનેગારોની ઓળખ થઇ ગઈ છે. જલ્દીથી જ તેમની ધરપકડ કરી લેવામાં આવશે અને NSA સુધીની કાર્યવાહી કરવામાં આવશે.”
શું બની હતી ઘટના?
બુધવારે રાત્રિના સમયે ટોળાએ પોલીસ મથક ઘેરી લીધું હતું. સોશિયલ મીડિયા પર કથિત રીતે ઇસ્લામ વિશે વિવાદાસ્પદ પોસ્ટ મૂકવામાં આવી હતી, જેને લઈને મુસ્લિમ સમાજનાં ટોળાં પોલીસ મથકે પહોંચ્યાં હતાં. આ દરમિયાન ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ સોશિયલ મીડિયા પર કથિત રીતે ઇસ્લામ વિરુદ્ધ મૂકવામાં આવેલ એક પોસ્ટના વિરુદ્ધમાં એકઠા થયા હતા અને આ પોસ્ટ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી રહ્યા હતા. તેમણે આરોપીનું ઘર તોડવાની પણ માગ કરી. સોશિયલ મીડિયા પર અમુક વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં ટોળામાં સામેલ લોકો ‘સર તન સે જુદા’ના નારા લગાવતા સાંભળી શકાય છે.
મામલાને લઈને એડિશનલ એસપી રાકેશ ખાકાએ જણાવ્યું કે, “સોશિયલ મીડિયા પર કોઈએ આપત્તિજનક પોસ્ટ મૂકી હતી, જેની પર એક સમુદાયના લોકો નારાજ થઈને ફરિયાદ દાખલ કરાવવા માટે આવ્યા હતા. અમે તેમને આશ્વાસન આપ્યું અને વિવાદિત પોસ્ટ કરનાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.” ‘સર તન સે જુદા’ના નારા લાગવા મામલે તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે અને જેની પુષ્ટિ માટે હાલ તપાસ ચાલી રહી છે. પુષ્ટિ કર્યા બાદ પોલીસે કેસ દાખલ કર્યો હતો.