હરિયાણાના નૂંહ વિસ્તારમાં ઇસ્લામી ટોળાંએ હિંદુઓની ધાર્મિક યાત્રા પર હુમલો કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેને લઈને રાજ્ય સરકાર કડક હાથે કામ લઇ રહી છે. એક તરફ ધરપકડનો દોર યથાવત છે તો બીજી તરફ ઉન્માદીઓનાં ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. શુક્રવારે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ શનિવારે પણ બુલડોઝર એક્શન ચાલુ રહી હતી.
શનિવારના (5 ઓગસ્ટ, 2023) રોજ વહેલી સવારે પોલીસ ફોર્સ સાથે અધિકારીઓ 4 બુલડોઝર લઈને નૂંહ પહોંચ્યા હતા. જ્યાં નલ્હડ રોડ પર SKM ગવર્મેન્ટ મેડિકલ કોલેજની નજીક 45 દુકાનો અને મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યાં હતાં. અધિકારીઓનું કહેવું છે કે આ ગેરકાયદેસર નિર્માણ છે અને અહીં રહેતા લોકો 31 જુલાઈની હિંસામાં સામેલ હતા.
#WATCH | Haryana administration demolishes illegal constructions near SKM Government Medical College in Nuh district pic.twitter.com/r2htjmGpyh
— ANI (@ANI) August 5, 2023
કાર્યવાહીને લઈને નૂંહના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અશ્વની કુમારે મીડિયાને જણાવ્યું કે, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના આદેશથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, અમુક દુકાનો નૂંહની હિંસામાં સામેલ લોકોની હતી. તેમણે આગળ જણાવ્યું કે, 2.5 એકર જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું, જે ગેરકાયદેસર હતું. તપાસમાં સામે આવ્યું હતું કે, આમાંથી કેટલાક લોકો તાજેતરનાં તોફાનોનો ભાગ બન્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન નૂંહના એ ઘર પર પણ બુલડોઝર ચાલ્યાં હતાં, જ્યાંથી પથ્થરમારો કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. હિંદુઓની યાત્રા દરમિયાન કરવામાં આવેલ હુમલા દરમિયાન એક ઘરની છત પરથી અમુક લોકો પથ્થરો ફેંકતા જોવા મળ્યા હતા. સરકારે તેની ઉપર પણ બુલડોઝર ફેરવી દીધું છે.
શુક્રવારે પણ થઇ હતી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે આ પહેલાં શુક્રવારે નૂંહમાં જ્યાં હિંસા થઇ તેની નજીક ગેરકાયદેસર કબ્જો જમાવીને બેઠેલા રોહિંગ્યા ઘૂસણખોરોએ કબ્જે કરેલા સ્થળે બુલડોઝર ચાલ્યાં હતાં અને 200થી વધુ ઝૂંપડાં તોડી પાડવામાં આવ્યાં હતાં. આમાંથી મોટાભાગના રોહિંગ્યા મુસ્લિમો હોવાનું અને બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને અહીં વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, તેઓ હિંસામાં પણ સામેલ હોવાના અહેવાલો છે.
આ ગેરકાયદેસર વસવાટ કરતા લોક્કો બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અગાઉ આસામમાં રહેતા હતા. થોડાં વર્ષોથી તેમણે હરિયાણા અર્બન ઓથોરિટીની જમીન પર વોર્ડ નંબર 1માં મોહમ્મદપુર રોડ પર કબ્જો જમાવી લીધો હતો અને ઘરો-ઝૂંપડાં તાણી બાંધ્યાં હતાં. કુલ 1 એકર જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી લેવામાં આવ્યો હતો, જે હટાવી દેવામાં આવ્યો છે.
નૂંહ હિંસાને લઈને 4 જિલ્લાઓ- નૂંહ, પલવલ, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં સ્થિતિ તણાવપૂર્ણ હોવાથી પેરામિલિટ્રી ફોર્સની 20 કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. નૂંહ, પલવલ અને ફરીદાબાદ જિલ્લામાં અને ગુરુગ્રામના માનેસર, પટૌડી અને સોહનામાં ઈન્ટરનેટ સેવા 5 ઓગસ્ટ એટલે આજે રાત્રે 12 વાગ્યા સુધી બંધ રહેશે. આ મામલે પોલીસે કુલ 102 કેસ દાખલ કરીને 202 લોકોની ધરપકડ કરી છે. નૂંહ હિંસાની તપાસ માટે 8 સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ અને 3 SIT રચવામાં આવી છે.