તાજેતરમાં મહારાષ્ટ્રના જાણીતા રાઈટ વિંગ એક્ટિવિસ્ટ સંભાજી ભીડેએ મહાત્મા ગાંધી વિશે કથિત વિવાદિત નિવેદન આપ્યું હતું, જેને લઈને ચાલતી ચર્ચામાં હવે મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઝંપલાવ્યું છે. ફડણવીસે કહ્યું કે, તેઓ આ નિવેદનને વખોડી કાઢે છે અને મહાત્મા ગાંધી સ્વતંત્રતા સંગ્રામના ‘મહાનાયક’ છે અને તેમની વિરુદ્ધ આ પ્રકારનાં નિવેદનો સાંખી લેવામાં આવશે નહીં.
ફડણવીસે કહ્યું, “હું સંભાજી ભીડેના નિવેદનને વખોડી કાઢું છું. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે. તેમને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસના એક નેતા તરીકે જોવામાં આવે છે. તેમની સામે આ પ્રકારનાં નિવેદન યોગ્ય નથી અને લોકો તેને સાંખી લેશે નહીં. રાજ્ય સરકાર આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરશે. મહાત્મા ગાંધીનું અપમાન કોઈ કાળે સહન કરવામાં આવશે નહીં.”
On Sambhaji Bhide's objectionable remarks on Mahatma Gandhi, Maharashtra Deputy CM Devendra Fadnavis says, "I condemn the statement of Sambhaji Bhide. Mahatma Gandhi is the father of the nation. He is viewed as the leader of the history of India's freedom struggle. Such a… pic.twitter.com/LkDfpolU1o
— ANI (@ANI) July 30, 2023
સંભાજી ભીડેને લઈને તેમણે કહ્યું કે, તેમનું (સંભાજીનું) ભાજપ સાથે કોઈ કનેક્શન નથી, તેમનું પોતાનું સંગઠન છે. જાણીજોઈને ઘટનાને રાજકીય રંગ આપવા જોઈએ નહીં.” આ દરમિયાન તેમણે સાવરકર મુદ્દે કોંગ્રેસને ઘેરવાના પ્રયાસ કર્યા. તેમણે કહ્યું, “કોંગ્રેસ જે રીતે આ મુદ્દાને ઉઠાવી રહી છે, રાહુલ ગાંધી સાવરકર વિરુદ્ધ બોલે ત્યારે પણ તેમણે આ પ્રકારે વિરોધ કરવો જોઈએ. પરંતુ ત્યારે તેઓ મૌન રહે છે.”
સંભાજી ભીડેએ ગુરૂવારે મહાત્મા ગાંધી વિશે કથિત વિવાદિત નિવેદન આપ્યું હતું. તેઓ વિદર્ભની મુલાકાતે હતા ત્યારે અમરાવતી જિલ્લામાં એક સભા સંબોધતી વખતે તેમણે કરેલી ટિપ્પણી પર કોંગ્રેસે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો અને કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારબાદ શુક્રવારે (28 જુલાઈ, 2023) સંભાજી ભીડે સામે IPCની કલમ 153A હેઠળ અમરાવતીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ કોંગ્રેસ નેતાએ કરી હતી.
સંભાજી ભીડેએ ટિપ્પણી કરતી વખતે મોહનદાસ ગાંધીના પરિવાર વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મહાત્મા ગાંધીનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે, પરંતુ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધીના પિતા નથી. તેમના સાચા પિતા મુસ્લિમ જમીનદાર હતા.” તેમણે આગળ એમ પણ દાવો કર્યો કે, “કરમચંદ ગાંધી જે મુસ્લિમ જમીનદાર સાથે કામ કરતા હતા તેમની પાસેથી તેમણે મોટા પ્રમાણમાં પૈસા પણ ચોરી લીધા હતા. જેના કારણે ગુસ્સે ભરાયેલા જમીનદારે કરમચંદની પત્નીનું અપહરણ કરી લીધું હતું અને પોતાના ઘરે લઇ આવ્યા હતા.” તેમણે એવો પણ દાવો કર્યો કે આ બાબતને સાબિત કરવા માટે તેમની પાસે પુરાવાઓ પણ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ચર્ચામાં આવ્યા હતા. વિધાનસભામાં બોલતી વખતે તેમણે જાણીતા ટ્વિટર હેન્ડલ ‘ટ્રૂ ઇન્ડોલોજી’ને લઈને ટિપ્પણી કરી હતી, જેની ટ્વિટર પર ખાસ્સી ચર્ચા ચાલી. ‘ટ્રૂ ઇન્ડોલોજી’એ સાવિત્રીબાઈ ફૂલેને લઈને એક થ્રેડ લખ્યો હતો, જેની પર કેસ પણ નોંધાયા હતા. જે મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. જોકે, ‘ટ્રૂ ઇન્ડોલોજી’ના સંચાલકે બિનશરતી માફી માગી લીધી છે.