રંગીલા રસૂલ- આ બે શબ્દો આજની પેઢીના સાંભળવામાં આવ્યા હશે, પણ વધુ જાણકારી નહીં હોય. કારણ કે સામાન્યતઃ આવા વિષયો પર ચર્ચા થતી નથી. એક વર્ગ હંમેશા આવાં વિષયો અને ઘટનાઓ પર ઢાંકપિછોડો કરતો આવ્યો છે. ‘સ્યુડો સેક્યુલરિઝમ’ અને ‘સદભાવના’ની અવારનવાર થતી વાતો વચ્ચે આજથી 100 વર્ષ પહેલાં ઘટેલી ઘટનાની જાણકારી તમામ ભારતીયોને હોવી જરૂરી છે.
વાત વર્ષ 1923ની, ભારતની સ્વતંત્રતા અને ભાગલા પહેલાંની છે. 1923માં અચાનક ભારતની અમુક મસ્જિદોમાંથી 2 પુસ્તકોનું વિતરણ શરૂ કરાયું. ભલે આ પુસ્તકોનું મસ્જિદમાંથી વિતરણ કરવામાં આવ્યું હોય પણ બંનેને ઇસ્લામ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ ન હતો. આ પુસ્તકો હતાં- ‘કૃષ્ણ તેરી ગીતા જલાની પડેગી’ અને ‘ઉન્નીસવીં સદી કા મહર્ષિ.’
શું હતું આ પુસ્તકોમાં?
‘કૃષ્ણ તેરી ગીતા જલાની પડેગી’માં ભગવાન શ્રીકૃષ્ણ તથા અન્ય હિંદુ દેવી-દેવતાઓ માટે અત્યંત અભદ્ર અને આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો. ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણ માટે અશ્લીલ વાતો અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. બીજા પુસ્તક ‘ઉન્નીસવીં સદી કા મહર્ષિ’માં આર્યસમાજના સંસ્થાપક શ્રી દયાનંદ સરસ્વતી માટે આપત્તિજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
નામ પરથી જ ખ્યાલ આવે કે બંને પુસ્તકો છાપવા અને વિતરણ કરવા પાછળ એક જ લક્ષ્ય હતું- હિંદુઓની લાગણી દુભાવવી. કારણ? કશું જ નહીં. છતાં ઉપરનાં બંને પુસ્તકોનું મસ્જિદોમાંથી ખુલ્લેઆમ વિતરણ કરીને હિંદુ ધર્મ પર કાદવ ઉછાળવામાં આવ્યો.
કોમી ભાઈચારા માટે ગાંધીજીએ મૌન સેવ્યું હતું
‘વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે’- મૂળ નરસિંહ મહેતા રચિત આ પંક્તિઓ ગાંધીજીને પ્રિય હતી અને તેમણે તેનો પ્રસાર પણ ખૂબ કર્યો. અહીં જે ‘વૈષ્ણવજન’ની વાત કરવામાં આવી છે તેનો સીધો અર્થ થાય- ભગવાન વિષ્ણુનો ભક્ત, અને વિષ્ણુ ભગવાનના માનવ અવતારો પૈકીનો એક અવતાર ભગવાન શ્રીકૃષ્ણ છે. એ જ ભગવાન પર અભદ્ર વાતો પુસ્તક ‘કૃષ્ણ તેરી ગીતા જલાની પડેગી’માં લખાઈ. અત્યંત નીચ કક્ષાના શબ્દો પ્રયોજવામાં આવ્યા. પણ ગાંધીજીનું રૂંવાડું ન ફરક્યું, કારણ કે ઉપહાસ કરવામાં આવ્યો હતો લઘુમતી મુસ્લિમ સમુદાય દ્વારા. કોમી ભાઈચારા માટે ગાંધીજીએ મૌન સેવી લીધું.
અહીં એ પણ નોંધવું ખાસ જરૂરી છે કે હિંદુ ધર્મ અને દેવી-દેવતાઓનું હળાહળ અપમાન થયું હોવા છતાં હિંદુઓએ કોઈ પણ પ્રકારનો હોબાળો મચાવ્યો ન હતો. ન કોઈ રમખાણો થયાં કે ન હિંસક દેખાવો. તેમણે મૂંગે મોઢે શાંતિથી સહન કર્યું. પરંતુ એકાદ વર્ષ પછી આ 2 પુસ્તકોના વળતા જવાબરૂપે 1924માં મહાશય રાજપાલના નિકટના મિત્ર પંડિત ચામૂપતિએ ઇસ્લામિક પયગમ્બર મોહમ્મદના જીવન પર કટાક્ષ કરતું એક નાનકડું પુસ્તક લખ્યું, નામ હતું- રંગીલા રસૂલ (ઓરિજીનલ- દૂધ કા દૂધ પાની કા પાની).
મહાશય રાજપાલ મૂળ અમૃતસરના. બાળપણથી જ બુદ્ધિશાળી અને મહેનતુ વિદ્યાર્થી હતા. બહુ નાના હતા ત્યારે પિતા સ્વર્ગીય લાલ રામદાસ ખત્રીનું અવસાન થઇ ગયું હતું. અભ્યાસ કરી રહ્યા બાદ તેમની મુલાકાત અમૃતસરના આર્યસમાજી ફતેહચંદ સાથે થઇ, જેમને એક કર્મચારીની જરૂર હતી. તેમણે હકીમજીને ત્યાં માસિક 12 રૂપિયાના પગારે નોકરી શરૂ કરી અને પછીથી કર્તવ્યનિષ્ઠા, મહેનત અને લગનના જોરે એક અલગ સ્થાન બનાવી લીધું હતું. તે સમયે પંજાબમાં હિન્દીનું ચલણ ઘણું ઓછું અને પ્રકાશક પણ મળવા મુશ્કેલ હતા. મહાશય રાજપાલજીએ 1912માં લાહોરથી ‘રાજપાલ એન્ડ સન્સ’ની શરૂઆત કરી. જ્યાં તેઓ સામાજિક, રાજકીય અને ધાર્મિક વિષયો પર હિન્દી, અંગ્રેજી અને પંજાબી પુસ્તકો પ્રકાશિત કરતા. પ્રકાશક તરીકે ક્યારેય તેમણે વિવાદાસ્પદ વિષયોને દૂર રાખ્યા ન હતા અને લગભગ તમામ વિષયોને આવરી લેવામાં આવતા.
મહાશયની પ્રેસમાંથી મોહમ્મદ પયગમ્બર પર એક પુસ્તક મે, 1924માં પ્રકાશિત થયું અને એક જ મહિનામાં આ પુસ્તકની તમામ નકલો વેચાઈ ગઈ.
ગાંધીજીએ યંગ ઇન્ડિયામાં ‘રંગીલા રસૂલ’ પુસ્તકની ટીકા કરી
‘ધર્મનિરપેક્ષ’ ગાંધીજીથી આ જરા પણ ન જોવાયું. તેમને હંમેશા લઘુમતીઓની લાગણીની ચિંતા રહેતી. આ વખતે પણ ગાંધીજીએ સમયની નાજુકતા પારખીને પુસ્તક પ્રકાશિત થયાના ફક્ત એક જ મહિનામાં એટલે કે જૂન, 1924માં ‘યંગ ઇન્ડિયા’માં ‘રંગીલા રસૂલ’ની ટીકા કરતો એક લેખ લખ્યો. આ લેખે મુસ્લિમોમાં જે આગ હતી તેમાં ઘી રેડવાનું કામ કર્યું.
યંગ ઇન્ડિયાના આ લેખમાં ગાંધીજીએ ‘રંગીલા રસૂલ’ શીર્ષક અને અંદરની સામગ્રીને ‘અત્યંત આપત્તિજનક’ ગણાવ્યાં. તેઓ લખે છે, ‘મેં મારી જાતને પ્રશ્ન કર્યો કે આ પ્રકારનાં પુસ્તકો લખવા અને પ્રકાશિત કરવા પાછળ ભાવનાઓ ભડકાવવા સિવાય બીજો કયો ઉદ્દેશ્ય હોય શકે? આગળ તેઓ લખે છે કે, ‘પયગમ્બરનું અપમાન મુસ્લિમોને તેમના પ્રત્યેના ઈમાનથી અલગ કરી શકે નહીં અને કોઈ હિંદુ માટે, જેને પોતાની જ અમુક માન્યતાઓ માટે શંકાઓ હોય શકે, તેના માટે પણ તે કોઈ કામનું નથી. જેથી ધાર્મિક પ્રચારકાર્યમાં તેનું (આ પ્રકારનાં સાહિત્યનું) કોઈ યોગદાન નથી અને તેનાથી થતું નુકસાન બહુ સ્પષ્ટ છે.’ (સંદર્ભ- ગાંધીજીનો અક્ષરદેહ)
બીજી વખત પ્રકાશિત થાય તે પહેલાં જ એક જ મહિનામાં આ પુસ્તક પર ત્યારની સરકારે પ્રતિબંધ મૂકી દીધો. નોંધવા જેવી બાબત છે કે પ્રતિબંધ ફક્ત ઇસ્લામની ટીકા કરતા ‘વિવાદાસ્પદ’ પુસ્તક પર મૂકાયો, હિંદુ ધર્મને બદનામ કરતાં પેલા બે પુસ્તકો પર ક્યારેય પણ પ્રતિબંધ નહતો લગાવવામાં આવ્યો.
પરંતુ પુસ્તક પર માત્ર પ્રતિબંધથી મુસ્લિમ સમાજને સંતોષ ન હતો.
મહાશય રાજપાલ સામે અનેક કેસ થયા
ગાંધીજીએ આપેલા સમર્થન અને હિંદુ ભાવનાઓ માટે તેમણે સાધેલા મૌનના કારણે મુસ્લિમો વધુ ઉશ્કેરાયા અને બમણા આત્મવિશ્વાસ સાથે કલમ 153A (ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા વગેરેના આધારે વિવિધ સમૂહો વચ્ચે શત્રુતામાં વધારો કરવા અને સદ્ભાવ બગાડવાના પ્રયાસ કરવા મામલે લગાવાય છે) હેઠળ અનેક કેસ દાખલ કર્યા. મહાશય રાજપાલ પર લગભગ 3 વર્ષ સુધી કેસ ચાલ્યા પણ અંતે કોર્ટે 1927માં બધા જ આરોપોમાંથી તેઓને સંપૂર્ણપણે મુક્ત કરી દીધા.
કોર્ટે ચુકાદામાં સ્પષ્ટીકરણ આપતાં કહ્યું કે, “કલમ 153A કોઈ પણ પંથ-મઝહબના પયગમ્બરનું ઐતિહાસિક વિશ્લેષણ કરતાં રોકતી નથી. જેથી મહાશય રાજપાલ પર લાગેલા દરેક આરોપમાંથી તેમને મુક્ત કરવામાં આવે છે.”
આ ચુકાદો આવતાં જ મુસ્લિમ ભીડ ઉગ્ર થઇ ગઈ અને મહાશય રાજપાલનું માથું કાપવાની માંગણી સાથે રમખાણો શરૂ કર્યાં. તેમણે શરિયતને ભારતીય ન્યાયતંત્રથી પણ ઉપર માની પુસ્તકના પ્રકાશક મહાશય રાજપાલનું સર કલમ કરવા માંગ ઉઠાવી. દલીલો એવી હતી કે શરિયામાં ઇશનિંદા (Blasphemy) માટે મૃત્યુદંડથી નીચે કોઈ સજાની જોગવાઈ નથી. આ વખતે પણ પોતાની આગવી ધર્મનિરપેક્ષતાની મશાલ પ્રજ્વલિત કરી ગાંધીજીએ કોમી ભાઈચારા માટે મુસ્લિમ વર્ગને કોઈ પણ અપીલ ન કરી, કારણ કે કદાચ મુસ્લિમો કરતાં ગાંધીજી હિંદુઓથી વધુ આહત હતા. ફરી એકવાર હિંદુઓએ તેમનું મસ્તક શરમથી ઝુકાવી દીધું હતું.
વર્ષ 1927માં જ મહાશય રાજપાલની હત્યાના 2 વખત પ્રયાસો થયા, પણ બંને વખત તેઓ બચી ગયા. પરંતુ બે વર્ષ પછી 1929માં ઈલ્મ-ઉદ-દિન નામના 19 વર્ષના એક મુસ્લિમ મિસ્ત્રી યુવકે રાજપાલજી પર જીવલેણ હુમલો કરી દીધો. તેઓ તેમની દુકાનની લૉબીમાં બેઠા હતા ત્યારે આ હત્યારાએ તેમની છાતી પર છરી વડે 8 વખત આકરા પ્રહારો કર્યા અને તેઓ ઢળી પડ્યા. આખરે તેઓ જીવન સામેનો જંગ હાર્યા અને તેમનું દેહાવસાન થયું.
ઉલ્લેખનીય છે કે જ્યારે રાજપાલજી પર કેસ ચાલી રહ્યો હતો ત્યારે કોર્ટ દ્વારા તેમને ‘રંગીલા રસૂલ’ પુસ્તકના લેખકનું નામ આપવા માટેનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જો તેમણે પુસ્તકના લેખક પંડિત ચામૂપતિનું નામ આપી દીધું હોત તો કદાચ પોતાના માથે તોળાઈ રહેલી મુસીબતમાંથી તે છૂટી ગયા હોત અને જીવ પણ ગુમાવવો પડ્યો ન હોત. પરંતુ તેમણે પંડિત ચામૂપતિને વચન આપ્યું હતું કે તેઓ લેખકની ઓળખ ક્યારેય પણ જાહેર નહીં કરે. રાજપાલજીએ કોર્ટમાં તો શું, પોતાની ઉપર 2 વખત હુમલાઓ થયા બાદ પણ પંડિત ચામૂપતિની ઓળખ જાહેર ન કરી.
મહાશયજીના હત્યારા ઈલ્મ-ઉદ-દિનનું શું થયું? તો જણાવવું રહ્યું કે કોર્ટમાં આ હત્યારાના પક્ષેથી કેસ લડ્યા હતા પાકિસ્તાનના જનક મુહમ્મ્દ અલી ઝીણા. ‘પ્રખ્યાત’ ઉર્દૂ કવિ મુહમ્મદ ઇકબાલે પણ આ હત્યારાના બે મોઢે વખાણ કર્યાં. ઈલ્મ-ઉદ-દિનની કબર હાલ પાકિસ્તાનમાં છે, જ્યાં નિયમિત ઈબાદત થાય છે, ત્યાં તેને ‘હીરો’થી પણ ઊંચો દરજ્જો પ્રાપ્ત છે. પાકિસ્તાનમાં તેને ‘ગાઝી’ની ઉપાધિ મળી છે અને ત્યાંની શાળાઓમાં તેના પાઠ ભણાવવામાં આવે છે.
આ ઘટનાઓ અને ગાંધીજીના ‘સિલેક્ટિવ મૌન’ની ચર્ચાઓ થવી બહુ જરૂરી છે. તેઓ સમાન પ્રકારની બે ઘટનાઓમાંથી એકમાં મૌન રહ્યા અને બીજામાં ખુલીને પક્ષ લીધો. એક ભારતીયની અભિવ્યક્તિની સ્વતંત્રતાની ટીકા કરીને સમગ્ર હિંદુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી. જેનાથી રમખાણો થયાં અને મુસ્લિમોની અસહિષ્ણુતા નફરતમાં બદલાઈ જતાં વાર ન લાગી. વખત જતાં આ ઘૃણાએ વધુ ગંભીર સ્વરૂપ પકડ્યું અને તેની કિંમત એક હિંદુએ જીવ આપીને ચૂકવી. ‘મહાપુરૂષો’ની ઉપલબ્ધિઓ વિશે તો આપણે ચર્ચાઓ કરતા રહેતા હોઈએ છીએ, કરવી પણ જોઈએ પરંતુ સિક્કાની બીજી બાજુ હંમેશા હોવાની, તેની ચર્ચા અને મૂલ્યાંકન પણ એટલાં જ જરૂરી છે.