ચંદ્રયાન-3ના સફળ લૉન્ચિંગ બાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરો દ્વારા આજે ફરી એકવાર સફળતાની ઊંચી ઉડાન ભરવામાં આવી. ઇસરોએ આજે PSLV-C56 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી સવારે 6.30ના અરસામાં 7 સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યા હતા. આ તમામ સિંગાપોરના છે, જેમણે લૉન્ચિંગ માટે ભારતની મદદ લીધી હતી.
આ 7 સેટેલાઈટને પીએસેલવી-સી56 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવ્યા. પીએસેલવી-સી56 ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડનું મિશન છે, જે ઈસરોની કોમર્શિયલ બ્રાન્ચ છે. સિંગાપોરના DS-SAR અને 6 અન્ય સેટેલાઈટને લઈને PSLV-C56 રોકેટે રવિવારની સવારે 6.30ના અરસામાં ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે આ જ મહિને ચંદ્રયાન-3 ને લૉન્ચ કર્યા બાદ ઈસરોની આ મહિનાની બીજી મોટી ઉપલબ્ધિ છે. આ પહેલાં 14 જુલાઈના રોજ ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી ચંદ્રયાન-3ને LVM-3 લૉન્ચ વ્હીકલની મદદથી કક્ષામાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યું હતું.
🇮🇳PSLV-C56/🇸🇬DS-SAR Mission:
— ISRO (@isro) July 30, 2023
The mission is successfully accomplished.
PSLV-C56 vehicle launched all seven satellites precisely into their intended orbits. 🎯
Thanks to @NSIL_India and Singapore, for the contract.
આ લૉન્ચિંગમાં તરતા મૂકવામાં આવેલા સાત સેટેલાઇટમાંથી DS-SAR મુખ્ય છે, જે સિંગાપોરની ડિફેન્સ એન્ડ સાયન્સ ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યો છે. તે પ્રક્ષેપિત થઇ ગયા બાદ સિંગાપોર સરકારને નકશો બનાવવામાં મદદ કરશે અને સેટેલાઇટ તસ્વીરો લઈને મોકલશે. સેટેલાઇટમાં એક સિન્થેટિક અપર્ચર રડાર પેલોડ છે. જેને ઇઝરાયેલની એક એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીએ બનાવ્યું છે. આ સેટેલાઇટ દિવસ-રાત કોઈ પણ હવામાનમાં તસ્વીરો લેતો રહેશે. તેનું વજન 360 કિલોગ્રામ જેટલું છે. તેની સાથે નાના છ સેટેલાઇટ્સ પણ છે, જે માઈક્રો કે નેનોસેટેલાઈટ્સ છે.
ઈસરો સંસ્થા પોતાની કોમર્સિયલ સર્વિસને લીધે આર્થિક રીતે સધ્ધર થઈ રહી છે. ભારત સમયે-સમયે બીજા દેશો અને વિવિધ કંપનીઓના સેટેલાઈટ લૉન્ચ કરતું રહ્યું છે. અહેવાલોના જણાવ્યા અનુસાર, ઈસરો દ્વારા અત્યાર સુધીમાં આવાં 12 જેટલાં કોમર્સિયલ મિશન થઈ ચૂક્યાં છે. વર્ષ 2020માં ભારતે સ્પેસ સેક્ટરમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ માટે રસ્તો ખોલ્યો હતો. આ સાથે જ હાલમાં ગ્લોબલ માર્કેટમાં ભારતની સેટેલાઈટ લૉન્ચિંગની 2% ભાગીદારી છે. વર્ષ 2030 સુધીમાં ભારતની ભાગીદારી 10% થઈ શકે છે.