મણિપુરમાં હિંસાની ઘટનાઓ નહિવત થઇ ગઈ છે પરંતુ હજુ પણ રાજ્યમાં તણાવ યથાવત છે. બીજી તરફ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મણિપુરમાં ગેરકાયદેસર રીતે વસતા પ્રવાસીઓના બાયોમેટ્રિક ડેટા મેળવવાનું અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ગેરકાયદેસર ઘૂસણખોરી અને તેનાથી અમુક વિસ્તારોમાં થતી હિંસાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એક પ્રેસ રિલીઝમાં મણિપુર સરકારના ગૃહ વિભાગે જણાવ્યું કે, કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની સૂચના પર મણિપુર સરકાર મ્યાનમારથી ગેરકાયદેસર રીતે આવેલા પ્રવાસીઓનો બાયોમેટ્રિક ડેટા એકઠો કરવાનું કામ સપ્ટેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ કરી દેશે. આ માટે સરકારે 29 જુલાઈ, 2023થી કામ શરૂ કરી દીધું છે. આ માટે કેન્દ્રે NCRB (નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો)ના અધિકારીઓની એક ટીમ મણિપુર મોકલી છે, જેઓ રાજ્ય સરકારના અધિકારીઓને આ કામગીરી માટે માર્ગદર્શન અને તાલીમ આપશે. તેઓ ત્રણ દિવસ માટે મણિપુરમાં રહેશે.
On instructions of the Ministry of Home Affairs, Govt of India to complete the campaign for biometric capture of illegal Myanmar immigrants in the State of Manipur by September 2023, the Govt of Manipur has resumed its campaign for biometric capture of all illegal Myanmar… pic.twitter.com/sx68ji2ZOO
— ANI (@ANI) July 29, 2023
મણિપુર સરકારે જણાવ્યું કે, જ્યાં સુધી તમામ મ્યાનમારથી આવેલા લોકોના બાયોમેટ્રિક ડેટા ન મેળવાય જાય ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે. સપ્ટેમ્બર, 2023 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની ગણતરી છે. રાજ્ય ગૃહ વિભાગના સંયુક્ત સચિવે તમામ જિલ્લા તંત્રને પત્ર લખીને તેમના વિસ્તારમાં મ્યાનમારથી ગેરકાયદેસર રીતે આવીને વસતા લોકોની ઓળખ કરવા માટે આદેશ આપ્યા છે. આ ઉપરાંત, તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકને પણ પરિપત્ર જારી કરીને સૂચના અપાઈ છે.
મણિપુર રાજ્ય સરકારે ગેરકાયદેસર વસતા લોકોની ઓળખ માટે એક કેબિનેટ સબ કમિટી પણ બનાવી છે. અત્યાર સુધીમાં આવા 2500 લોકોની ઓળખ કરવામાં આવી છે. સરકારે કહ્યું કે, એક વખત બાયોમેટ્રિકની પ્રક્રિયા પૂર્ણ થઇ જાય એટલે ડેટા ફોરેનર્સ આઇડેન્ટિફિકેશન પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે અને જેની લિંક ચૂંટણી પંચને પણ મોકલવામાં આવશે. જેથી આ તમામ લોકો ભવિષ્યમાં આધાર, વોટર આઈડી કે અન્ય ઓળખ પત્રો બનાવી શકે નહીં કે અન્ય કોઈ લાભો પણ મેળવી શકે નહીં.
ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ મણિપુર અને મિઝોરમ રાજ્ય સરકારોના અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી અને જેમાં આ બાયોમેટ્રિક ડેટા એકઠો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સપ્ટેમ્બર, 2023 સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.