Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: વાહન પાર્કિંગની તકરારમાં ભાજપ કાર્યકર્તાની હત્યા, નિર્દયતાથી માર મારવાનો વિડીયો વાયરલ;...

    વડોદરા: વાહન પાર્કિંગની તકરારમાં ભાજપ કાર્યકર્તાની હત્યા, નિર્દયતાથી માર મારવાનો વિડીયો વાયરલ; 3 આરોપીઓની ધરપકડ

    આરોપીઓએ સચિન અને પ્રિતેશને માથાના ભાગમાં નિર્દયતાથી ફટકાઓ માર્યા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સચિનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

    - Advertisement -

    વડોદરા શહેરમાં વાહન પાર્કિંગ બાબતની જૂની અદાવતને લઈને ભાજપ કાર્યકર્તા સચિન ઠક્કર પર 2 દિવસ પહેલાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. હુમલા બાદ સચિનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

    વડોદરા શહેરના વાસણા રોડની સુકૃતિ સોસાયટીમાં રહેતા અને ફેબ્રિકેશનનો વેપાર કરતા ભાજપ કાર્યકર્તા સચિન ઠક્કર ગત તા. 25મીએ રાત્રે તેમના પિતરાઈ ભાઈ પ્રિતેશ સાથે રેસક્રોસ વિસ્તારની એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. જ્યાં 15 દિવસ પહેલાં થયેલ પાર્કિંગ બાબતની તકરારની અદાવત રાખી બે-ત્રણ શખ્સો દ્વારા તેમના પર લાકડીઓ વરસાવવામાં આવી હતી. સારવાર દરમ્યાન ભાજપ કાર્યકર્તા સચિન ઠક્કરનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. એમાં બે શખ્સ આરોપી વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી અને વિકાસ લોહાણા લાકડીઓથી બેરહમીપૂર્વક બંનેને માર મારતા દેખાય છે. ગોત્રી પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી, વિડીયોની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.

    શું હતી સમગ્ર ઘટના ?

    ગત તારીખ 9 મીએ સચિન ઠક્કર પોતાની માતાને લઈને રેસક્રોસ નજીકની લેબોરેટરીમાં ચેકઅપ માટે લઈ ગયા હતા ત્યારે ત્યાં પાર્થ પરીખ નામના શખ્સ સાથે પાર્કિંગ બાબતે તકરાર થઈ હતી. તેણે પાર્કિંગ બાબતે ઝઘડો કરી અને ગાળાગાળી કરી હતી અને ધમકી આપી પ્રિતેશનો મોબાઈલ પણ ફેંકી દીધો હતો.

    - Advertisement -

    આ ઘટના બાદ પ્રિતેશે ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેની ઉપર તપાસ કરતાં કોઈ ગુનો નોંધવામાં આવ્યો ન હતો કે તપાસ પણ કરવામાં આવી ન હતી, જે મામલે પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

    સચિન અને પ્રિતેશ પર હુમલાની ફરિયાદ નોંધાઈ

    મૃતક સચિન ઠક્કરના પત્ની રિમાબેન સચિનભાઈ ઠક્કરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદમાં જણાવ્યું કે ગત તારીખ 25 જુલાઈના રોજ રાત્રે 11.45 થયા હોવા છતાં તેમના પતિ ઘરે આવ્યા નહતા, જેથી તેમને કોલ કરતાં એક પોલીસકર્મીએ ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે, તેઓ હોસ્પિટલ પહોંચે અને સચિન અને પ્રિતેશને માર મારવામાં આવ્યો છે. ત્યારબાદ તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. 

    તેમણે આગળ જણાવ્યું કે, સચિનને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને લોહી નીકળતું હતું, જ્યારે પ્રિતેશને પણ ઇજા થઇ હતી. પ્રિતેશે અર્ધબેભાન અવસ્થામાં તેમને જણાવ્યું હતું કે, તેઓ સચિન સાથે રાત્રે 10:30ના અરસામાં મિર્ચ મસાલા રેસ્ટોરાંની ગલીમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં હાજર હતા ત્યારે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ પૈકીનો એક પાર્થ બાબુલ પરીખ હોવાનું મૃતકના પત્નીને વાતચીતમાં જાણવા મળ્યું હતું. આરોપીઓએ સચિન અને પ્રિતેશને માથાના ભાગમાં નિર્દયતાથી ફટકાઓ માર્યા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સચિનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

    આરોપીઓની ધરપકડ

    ભાજપના કાર્યકર્તા સચિન ઠક્કર પર હુમલો થતાં ગોત્રી પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ત્રણ આરોપીઓ પાર્થ બાબુલ પરીખ (ઉ.40), વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી (ઉ.33) અને વિકાસ લોહાણા (ઉ.30) સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. મીડિયા અહેવાલો મુજબ આરોપી પાર્થ નામચીન બાબુલ પરીખનો પુત્ર છે, બાબુલ પરીખ પર 1990ના દાયકામાં ગુનાઓ નોંધાયેલા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં