ઝારખંડમાં શનિવારે (29 જુલાઈ, 2023) મોહર્રમનું જુલુસ કાઢવા દરમિયાન મોટો અકસ્માત બન્યો હતો. અહીં હાઇટેન્શન લાઈનની ઝપટે ચડી જતાં બ્લાસ્ટ થયો હતો, જેમાં કુલ 14 લોકોને કરન્ટ લાગ્યો હતો, જેમાંથી ચારનાં મોત થઇ ગયાં હતાં, જ્યારે બાકીના 10ને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના રાજ્યના બોકારોના ખેતકો ગામમાં બની. અહીં સવારે 6 વાગ્યાના અરસામાં મુહર્રમના તાજિયા લઇ જવાની તૈયારી કરવામાં આવી રહી હતી ત્યારે તે 11 હજાર વૉલ્ટના તારની ચપેટમાં આવી ગયા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેમ છતાં 4 લોકોને બચાવી ન શકાયા. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
Jharkhand | Four people were killed and 10 suffered burn injuries when the Tazia they were carrying during the Moharram procession came in contact with a high-tension electric wire in Khetko village of Peterwar Block in Bokaro District today pic.twitter.com/6jFQsDighz
— ANI (@ANI) July 29, 2023
રિપોર્ટ અનુસાર, ઘટના સમયે હાજર લોકોએ જણાવ્યું કે, તાજિયા ઉઠાવવા દરમિયાન ઉપરથી પસાર થતી 11 હજારની હાઈટેન્શન લાઈનને અડી ગયા, જેથી તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરીમાં બ્લાસ્ટ થઇ ગયો અને આસપાસ ઉભેલા લોકોને કરન્ટ લાગ્યો હતો. હાલ આ બ્લાસ્ટ કયા કારણોસર થયો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝારખંડમાં મોહર્રમના જુલુસમાં બ્લાસ્ટ થવાની ઘટનાને લઈને બોકારોના પોલીસ અધિક્ષક પ્રિયદર્શી આલોકે જણાવ્યું હતું કે, રાજ્યની રાજધાની રાંચીથી લગભગ 80 કિલોમીટર દૂર પેટરવાર પોલીસ મથક ક્ષેત્રના ખેતકો ગામમાં એક મઝહબી ઝંડો વીજળીના તારના સંપર્કમાં આવવાથી આ અકસ્માત બન્યો હતો. તેમના અનુસાર, સવારે 6 વાગ્યે લોકો મોહર્રમના જુલુસ માટેની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની, તેમના હાથમાં એક મઝહબી ઝંડો હતો. જેનો દંડો લોખંડનો હતો. આ ઝંડો 11 હજાર વૉલ્ટના હાઈ-ટેન્શન વીજળીના તારના સંપર્કમાં આવી ગયો હતો.
તેમણે જણાવ્યું કે, તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આઠ લોકોને બોકારો જનરલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. ત્રણની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મૃતકોની ઓળખ આસિફ રજા (21), એનામૂલ રબ (35), ગુલામ હુસૈન (18) અને સાજિદ અન્સારી (18) તરીકે થઇ છે.