સુપ્રીમ કોર્ટે દિલ્હીની કેજરીવાલ સરકારને RRTS પ્રોજેક્ટમાં 415 કરોડ જમા કરવાનો આદેશ આપ્યો છે. નિર્માણધીન RRTS એટલે કે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (રેપિડ રેલ) માટે ખર્ચ કરવામાં આવનાર આ રકમ જમા કરાવવા આમ આદમી પાર્ટીની સરકારને કોર્ટે 2 મહિનાનો સમય પણ આપ્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને જાહેરાતો પર 1100 કરોડ ખર્ચ કર્યા મામલે ફટકાર પણ લગાવી હતી. નોંધનીય છે કે આ પહેલાં કેજરીવાલ સરકારે ભંડોળ ન હોવાનું કહીને ખર્ચ ઉઠાવવા સક્ષમ ન હોવાનું જણાવ્યું હતું.
મીડિયા અહેવાલો મુજબ સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને RRTS પ્રોજેક્ટમાં 415 કરોડ જમા કરવાનો આદેશ આપવા સાથે જ જાહેરાતો પર કરોડો રૂપિયાનો ધુમાડો કરવા બદલ પણ સવાલો કર્યા હતા. જસ્ટિસ એસ.કે કૌલ અને ન્યાયાધીશ સુધાંશુ ધૂલિયાની પીઠે આજે (સોમવાર 24 જુલાઈ 2023) કેજરીવાલ સરકારને કહ્યું હતું કે, “જો તમે છેલ્લા 3 વર્ષોમાં માત્ર જાહેરાતો પર 1100 કરોડ રૂપિયા ખર્ચ કરી શકતા હોવ તો તમારે RRTS પ્રોજેક્ટ માટે પણ પૈસા આપવા જ પડશે, અન્યથા તમારા જાહેરાતના બજેટના પૈસા ફ્રીઝ કરી દઈશું. તમે (કેજરીવાલ સરકાર) RRST પ્રોજેક્ટ માટે પૈસા ન હોવાનું કહેતા ન્યાયાલયે આ આદેશ આપવો પડ્યો છે.”
વાસ્તવમાં દિલ્હીના આસપાસના શહેરો સાથે કનેક્ટિવિટી વધારવા માટે રેપીડ રેલ પરિયોજના શરૂ કરવામાં આવી હતી. આ પરિયોજના અંતર્ગત જે રાજ્યોને તેનો લાભ મળવાનો છે તે રાજ્યની સરકારે પણ આના ફંડ માટે કેન્દ્ર સરકારને સહકાર આપવાનો રહે છે. જોકે દિલ્હીની કેજરીવાલ સરકારે ભંડોળ ન હોવાનું કહીને ફંડ ન આપી હાથ અધ્ધર કરી લીધા હતા. જેના કારણે સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી, સાથે જ આમ આદમી પાર્ટીએ છેલ્લા ત્રણ વર્ષમાં જાહેરાતો પર ખર્ચેલા રૂપિયાનો હિસાબ પણ કોર્ટ દ્વારા માંગવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીને આસપાસનાં શહેરો સાથે જોડવામાં આવશે, જેમાં ગુરુગ્રામ, અલવર, ગાઝિયાબાદ અને મેરઠનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જાહેરાત મામલે ફટકાર લગાવતાની સાથે જ દિલ્હી સરકાર તરફથી દલીલ કરવા આવેલા વકીલ મનુ સંઘવીએ કેજરીવાલ સરકાર તરફે જણાવ્યું હતું કે RRTS માટે ફંડ આપવા સરકાર તૈયાર છે. પણ બીજી જ તરફ સંઘવીએ આ પૈસા જમા કરાવવા માટે ન્યાયાલય પાસેથી સમયની માંગણી કરી હતી. સંઘવીએ સુપ્રીમ કોર્ટ પાસે હપ્તે-હપ્તે પૈસા જમા કરાવવા માટે પણ પરવાનગી માંગી હતી. જે બાદ કોર્ટે કેજરીવાલ સરકારને ભંડોળ જમા કરાવવા 2 મહિનાની મુદત આપી હતી.
નોંધનીય છે કે રિજનલ રેપિડ ટ્રાંસિટ સિસ્ટમ એ એક સેમી-હાઈસ્પીડ રેલ કોરિડોર છે જે હાલ નિર્માણાધીન છે. આ કોરિડોર દિલ્હી, અલવર, ગાઝિયાબાદ અને મેરઠને એકબીજા સાથે જોડશે. આ 82.15 કિલોમીટરના કોરિડોરના નિર્માણમાં કુલ 31 હજાર કરોડનો ખર્ચ થનાર છે. આ માટે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારે તેમના હિસ્સાનું ભંડોળ આપી દીધું છે પરંતુ દિલ્હી સરકારના ભંડોળ આપવાનો મુદ્દો કોર્ટ સુધી પહોંચી ગયો હતો.