ઉત્તર પ્રદેશના વારાણસીની કોર્ટે શુક્રવારે (21 જુલાઈ, 2023) એક આદેશ પસાર કરીને વિવાદિત માળખા જ્ઞાનવાપી પરિસરમાં ASI સરવે હાથ ધરવા માટેની પરવાનગી આપી દીધી હતી.
હિંદુ પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરીને સમગ્ર જ્ઞાનવાપી પરિસરનો વૈજ્ઞાનિક સરવે હાથ ધરવા માટેની માંગ કરી હતી, જેની ઉપર સુનાવણી ચાલી રહી હતી. વારાણસીની કોર્ટે આજે સરવેની પરવાનગી આપી દીધી હતી. જોકે, સરવેમાંથી વઝૂખાનાનો હિસ્સો જ્યાંથી શિવલિંગ મળી આવ્યું હતું તે બાકાત રહેશે. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ પક્ષે સરવેનો વિરોધ કર્યો હતો.
#WATCH | Gyanvapi case: Vishnu Shankar Jain, representing the Hindu side in the Gyanvapi mosque case, says, "I have been informed that my application has been approved and the court has directed to conduct an ASI survey of the Gyanvapi mosque complex, excluding the Wazu tank… pic.twitter.com/TX4hXzyZ5j
— ANI (@ANI) July 21, 2023
હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને મીડિયાને જણાવ્યું હતું કે, “મારી અરજી સ્વીકારવામાં આવી છે અને કોર્ટે પરિસરમાં ASI સરવે માટેની પરવાનગી આપી દીધી છે.” સરવેમાં કેટલો સમય લાગશે તેમ પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, “હું ચોક્કસપણે કહી ન શકું પરંતુ અનુમાન છે કે આ પ્રક્રિયામાં 3થી 6 મહિનાનો સમય લાગશે. રામમંદિરના ASI સરવેનો રિપોર્ટ આવવામાં 3 વર્ષનો સમય લાગી ગયો હતો પરંતુ તે વિસ્તાર પણ મોટો હતો.” તેમણે ઉમેર્યું કે, “અમારી દલીલ એવી છે કે આ પરિસર ઔરંગઝેબે નહતું બનાવ્યું અને તે પહેલેથી જ એક હિંદુ મંદિર હતું. એ જ કારણ છે કે સમગ્ર પરિસરનો સરવે હાથ ધરવાની માંગ કરવામાં આવી હતી.”
જાણવા મળ્યા અનુસાર, આ સરવે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવશે. હિંદુ પક્ષે કહ્યું છે કે તેઓ આ માટે તમામ પ્રકારનો સહયોગ આપશે અને પ્રક્રિયામાં સામેલ થશે. આ ઉપરાંત એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો મુસ્લિમ પક્ષ નીચલી કોર્ટના ચુકાદા વિરુદ્ધ ઉપરની અદાલતમાં જશે તો હિંદુ પક્ષ પણ કેવિએટ ફાઈલ કરશે.
ઉલ્લેખનીય છે કે ગત મે મહિનામાં પાંચ હિંદુ મહિલાઓએ વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરીને પરિસરનો સરવે કરવાની માંગ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જ્ઞાનવાપીમાં સીલ કરવામાં આવેલા વજૂખાનાને છોડીને બાકીના તમામ વિસ્તારનો ASI સરવે કરાવવામાં આવે. જે મામલે 19 મેના રોજ મુસ્લિમ પક્ષે જવાબ દાખલ કરીને વાંધો ઉઠાવ્યો હતો. જેની ઉપર સુનાવણી ચાલી અને આખરે 14 જુલાઈના રોજ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટે પરવાનગી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મે મહિનામાં વિવાદિત માળખા જ્ઞાનવાપીમાં એક સરવે દરમિયાન તેના વજૂખાનામાંથી શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારબાદ આ જગ્યા સીલ કરી દેવામાં આવી હતી. આ શિવલિંગના સરવે માટે પણ એક અલગ અરજી દાખલ કરવામાં આવી હતી, જે મામલે અલાહાબાદ હાઇકોર્ટે ચુકાદો આપીને પરવાનગી આપી દીધી હતી પરંતુ કેસ સુપ્રીમ કોર્ટમાં જતાં કોર્ટે તેની ઉપર સ્ટે મૂકી દીધો હતો.