રાજકોટથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના ગોંડલમાં બૌદ્ધ શિક્ષકે મારી નાંખવાની ધમકી આપી સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આરોપી વિક્રમ બૌદ્ધ માંગરોળ તાલુકા શાળામાં શિક્ષક તરીકે છેલ્લાં નવ વર્ષથી નોકરી કરે છે. ગત 3જી જુલાઈના રોજ રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં ગોંડલ બસ સ્ટેન્ડ સામે આવેલા અમૃત ગેસ્ટ હાઉસમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની પોલીસ ફરીયાદ નોંધાતા ગોંડલ સીટી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર પીડિત સગીર વિદ્યાર્થી ગત તારીખ 2 જુલાઈના રોજ તેના ગામથી જુનાગઢ આવ્યો હતો. ત્યાંથી પોતાના પરિચિત શિક્ષક વિક્રમ બૌદ્ધ સાથે અષાઢી મહાપૂર્ણિમાના ઉત્સવમાં રાજકોટ ગયો હતો. રાત્રે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી આરોપી શિક્ષક સાથે પરત પોતાના ગામ જઈ હતો તે સમયે 17 વર્ષના વિદ્યાર્થીની એકલતાનો લાભ લઇ વિક્રમ બૌદ્ધ તેને ગોંડલના બસ સ્ટેન્ડ સામે આવેલ અમૃત ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. શિક્ષકે ગેસ્ટ હાઉસના રૂમમાં લઇ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપીને 17 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું.
ઘટના બાદ ડઘાઈ ગયેલો વિદ્યાર્થીએ થોડા દિવસો બાદ ઘટનાની જાણ પોતાના પિતાને કરી હતી. પોતાના વ્હાલસોયા પર થયેલી બર્બરતા વિશે જાણીને પરિવાર પર પણ આભ ફાટી પડ્યું હતું. જે બાદ પરિવારે આરોપી બૌદ્ધ શિક્ષક વિક્રમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ગોંડલ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો કલમ 377, 506 (2) તથા પોક્સોની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેની પૂછપરછ બાદ પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આરોપી સામાજિક ગ્રુપ ચલાવતો હતો
નોંધનીય છે કે ભોગ બનનારના પિતા હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ આરોપી સાથે તેઓ ઘણાં વર્ષોથી સંપર્કમાં છે. શિક્ષક વોટ્સએપમાં પોતાના સમાજના લોકોનું ગ્રુપ ચલાવતો હતો. આ દરમિયાન પીડિત વિદ્યાર્થી તેના સંપર્કમાં આવ્યો હતો. વિદ્યાર્થીએ વિક્રમ બૌદ્ધને કહ્યું હતું કે, “આપણા સમાજને લગતા કાર્યક્રમ હોય તો મને જણાવજો, હું એ કાર્યક્રમમાં આવીશ.” જે બાદ વિક્રમ બૌદ્ધ પીડિત સગીરને રાજકોટ ખાતે અષાઢી મહાપૂર્ણિમાના ઉત્સવમાં લઈ ગયો હતો. જે બાદ પરત આવતી વખતે ગોંડલમાં આ બૌદ્ધ શિક્ષકે મારી નાંખવાની ધમકી આપી સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.