વર્લ્ડ બેન્કના અધ્યક્ષ અજય બંગા હાલ ગુજરાતના પ્રવાસે છે. રવિવારે (16 જુલાઈ, 2023) તેમણે પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી તેમજ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ની પણ મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતનું આ મોડેલ દેશમાં તો ખરું જ પરંતુ દુનિયાના અન્ય ભાગોમાં પણ લાગુ કરવામાં આવવું જોઈએ.
વર્લ્ડ બેન્ક અધ્યક્ષ અજય બંગા સાથે અમેરિકાના સેક્રેટરી ઑફ ધ ટ્રેઝરી જેનેટ એલન પણ હાજર રહ્યાં હતાં. બંનેએ ગાંધીનગર સ્થિત ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ની મુલાકાત લીધી હતી. આ કેન્દ્રમાં 1.15 કરોડ વિદ્યાર્થીઓ, 5 લાખ શિક્ષકો અને 50 હજાર શાળાઓનો ડેટા સંગ્રહિત કરવામાં આવ્યો છે અને સતત તેની પર નજર રાખવામાં આવે છે અને સમયે-સમયે સમીક્ષા થતી રહે છે.
વિશ્વ બેન્કના પ્રમુખ શ્રી અજય બાંગાએ #ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી અને શિક્ષણના ઉત્કૃષ્ટ મોડલની પ્રશંસા કરી.
— Gujarat Information (@InfoGujarat) July 16, 2023
શિક્ષણ ક્ષેત્રના આ મોડલનું અન્ય દેશોએ પણ અનુકરણ કરવું જોઈએ : શ્રી અજય બાંગા#EducationForAll #Gujarat pic.twitter.com/wPpohCfJBs
અજય બંગાએ કહ્યું કે, “અસરકારક રીતે કામ કરવું હોય તો એક જ રસ્તો છે કે કામ કરતા હોય તેવા સારા વિચારોને લઈને તેનો અમલ કરવો. મને આનંદ થશે જો આ પ્રકારની બાબતોનો દેશમાં પણ અમલ કરવામાં આવે અને એટલું જ નહીં પરંતુ દેશની બહાર પણ તેને લાગુ કરવામાં આવે તે માટે હું ઉત્સુક છું. તેમણે એમ પણ ઉમેર્યું કે, આટલી મોટી યુવા વસ્તી સાથે દેશનો વિકાસ કઈ રીતે કરવો તેનું આ કેન્દ્ર ઉત્તમ ઉદાહરણ છે.
અજય બંગાએ એમ પણ કહ્યું કે, તેઓ આગામી દિવસોમાં નવી દિલ્હીની પણ મુલાકાત લેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં તેમને વિનંતી કરશે કે આ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ખરેખર એક સરસ વિચાર છે અને તેને ભારત અને બહાર પણ અમલમાં મૂકવામાં આવે.
બીજી તરફ, યુએસ સેક્રેટરી ઑફ ધ ટ્રેઝરી એલેને કહ્યું કે, ગરીબી હટાવવા માટે તેમજ વિકાસ કરવા માટે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, આ સેન્ટર તેનું ઉત્તમ ઉદાહરણ છે કે ‘વર્લ્ડ બેન્ક’ અને અન્ય ભાગીદારો મળીને તેમાં શું ઉમેરો કરી શકે તેમ છે. આગળ કહ્યું કે, અસરકારક પરિણામો મેળવવાનો સૌથી સારો રસ્તો એ જ છે કે આ પ્રકારના પ્રોજેક્ટ્સનું અધ્યયન કરવામાં આવે અને જે સારું પરિણામ આપતા હોય તેમને પછીથી લાગુ કરવામાં આવે.