દિલ્હીમાં ભારે વરસાદ અને યમુના નદીનું જળસ્તર વધવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. જોકે, હવે ધીમેધીમે પાણી ઓસરી રહ્યું છે. પરંતુ આ પૂર જેવી સ્થિતિના કારણે કેજરીવાલ સરકાર પર બહુ સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ તેમની પાર્ટી ભાજપ, કેન્દ્ર અને હરિયાણા સરકાર પર આરોપો લગાવીને દિવસો કાઢી રહી છે. આ બધાની વચ્ચે દિલ્હીના ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે કેજરીવાલ અને તેમની સરકાર પર નિશાન સાધ્યું છે.
ગૌતમ ગંભીરે કહ્યું, “કમનસીબી છે કે તેઓ આટલાં વર્ષો સરકારમાં રહેવા છતાં આજે દિલ્હીની એ હાલત છે કે દરેક જગ્યાએ પાણી જ પાણી છે. આ થવાનું જ હતું અને તેમાં કશું આશ્ચર્યજનક નથી. તમે 9 વર્ષથી સરકારમાં રહો અને એક રૂપિયો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નહીં ખર્ચો અને મફતનું અને વોટબેન્કનું જ રાજકારણ કરો તો એક સમયે તો વ્યવસ્થા ભાંગી જ પડશે.”
તેમણે ઉમેર્યું, “પ્રદુષણ થાય ત્યારે તમે કહો કે તમારી પાસે કોઈ ઉપાય નથી. ચોમાસામાં પાણી ભરાય ત્યારે પણ કોઈ ઉપાય હોતો નથી. કોરોનાના સમયે પણ ન હતો. તમારા નેતા એવું બોલવાનું શરૂ કરી દે કે અમે 100 મિમિ વરસાદ માટે જ તૈયાર હતા અને 150 મિમિ વરસાદ પડી ગયો, તો આ કોઈ બહાનું નથી. તમે બહાર આવીને એ જણાવો કે 9 વર્ષમાં તમે દિલ્હીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કેટલો ખર્ચ કર્યો. દૂધનું દૂધ પાણીનું પાણી થઇ જશે.” કેજરીવાલને લઈને તેમણે કહ્યું કે, તેમણે દિલ્હીને વિદેશનાં શહેરો જેવું બનાવવાના વાયદા કર્યા હતા પણ આજે હકીકત આપણી સામે છે.
#WATCH | It's unfortunate that Delhi is flooded today. This situation doesn't come as a surprise to me as the present government has not spent any money on building infrastructure in the city. CM had promised to make Delhi a world-class city: Gautam Gambhir, BJP MP from East… pic.twitter.com/qamzMC0FzI
— ANI (@ANI) July 15, 2023
તેમણે કહ્યું કે, તમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પૈસા જ ન ખર્ચો અને મફતનું રાજકારણ કર્યા કરો અને જાહેરાતો માટે જ પૈસા ખર્ચો તો વ્યવસ્થા ભાંગી જ પડશે. આવતાં પાંચ વર્ષમાં દિલ્હી રહેવા જેવી જગ્યા પણ નહીં રહે. આવતાં ચાર વર્ષમાં ટ્રાફિક વધી જશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન નહીં આપવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, પણ કમનસીબે દિલ્હીના સીએમ એ વાત સમજતા નથી.
એલજીને લઈને ગૌતમ ગંભીરે કહ્યું કે, તેઓ એક બહુ સારા વ્યક્તિ છે અને તેમનું એક વિઝન છે દિલ્હીનો વિકાસ કરવાનું. તેમણે આજે પણ કહ્યું કે, આ સમય એકજૂટ થઈને કામ કરવાનો છે, આરોપ-પ્રત્યારોપનો નહીં. પરંતુ એકજૂટ કોની સાથે? જે ઈમાનદાર હોય અને દિલ્હીની જનતા પ્રત્યે જેને સંવેદના હોય. જો તમે ખરેખર દિલ્હીનો વિકાસ કરવા માંગતા હોય તો માત્ર સાંસદો કે ભાજપ જ નહીં આખું દિલ્હી તમારી સાથે કામ કરવા તૈયાર છે. પણ જ્યાં સુધી તમે જુઠ્ઠાણાંનું રાજકારણ કરો, ટેક્સપેયરનો પૈસો જાહેરાતો માટે ખર્ચ કરશો તો એ શક્ય નથી. તેમણે ઉમેર્યું કે, પહેલાંની કોંગ્રેસ અને ભાજપની સરકારોમાં પણ કામ થયાં હતાં પરંતુ છેલ્લાં 9 વર્ષમાં દિલ્હીમાં કંઈ જ કામો થયાં નથી. પરંતુ દિલ્હીની જનતા જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી સીએમ તેમને મૂરખ બનાવતા રહેશે.
દિલ્હીમાં યમુના નદી જોખમી સપાટીએથી વહ્યા બાદ હવે ધીમેધીમે જળસ્તર ઘટી રહ્યું છે. શુક્રવારે સાંજે 207.98 મીટર નોંધવામાં આવ્યું હતું, જે છેલ્લા 48 કલાકમાં સૌથી ઓછું છે. બીજી તરફ, ભારતીય સેના અને NDRFની ટીમો સતત કામ કરી રહી છે અને પરિસ્થિતિ પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે.