વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય ઐતિહાસિક ફ્રાન્સ યાત્રા પૂર્ણ કરીને હવે UAE જવા માટે રવાના થયા છે. આજે UAEમાં એક દિવસીય મુલાકાત પતાવીને તેઓ ભારત આવવા માટે રવાના થશે.
UAEમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ દિવસ રોકાશે. અહીં તેઓ રાષ્ટ્રપતિ અને શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. આ દરમિયાન ઉર્જા, ખાદ્ય સુરક્ષા, ડિફેન્સ વગેરે જેવા મુદ્દાઓને લઈને અગત્યની ચર્ચા થશે. UAEથી વડાપ્રધાન ભારત આવવા માટે રવાના થશે.
ફ્રાન્સ યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, આ યાત્રા યાદગાર બની રહી. આ યાત્રા વિશેષ બની રહેવાનું કારણ એ પણ છે કે મને બૈસ્ટિલ ડે પરેડમાં ભાગ લેવાનો અવસર મળ્યો. પરેડમાં ભારતીય સૈન્યદળને ગૌરવપૂર્ણ સ્થાન મળતું જોઈને ઘણો આનંદ થયો. આ મહેમાનગતિ બદલ હું રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં અને ફ્રાન્સના નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું. ફ્રાન્સ અને ભારતની મિત્રતા આમ જ ટકેલી રહે.
This France visit was a memorable one. It was made even more special because I got the opportunity to take part in the Bastille Day celebrations. Seeing the Indian contingent get a pride of place in the parade was wonderful. I am grateful to President @EmmanuelMacron and the… pic.twitter.com/BllJ8gVj8e
— Narendra Modi (@narendramodi) July 14, 2023
શુક્રવારે (14 જુલાઈ, 2023) પરેડમાં ભાગ લીધા બાદ પીએમ મોદી અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોં વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઇ હતી, જેમાં બંને દેશો વચ્ચે અનેક કરાર પર હસ્તાક્ષરો કરવામાં આવ્યા હતા અને અનેક મુદ્દાઓને લઈને વાતચીત થઇ હતી. દ્વિપક્ષીય વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું કે, રક્ષા ક્ષેત્રે થતા કરાર ભારત અને ફ્રાન્સ વચ્ચેના સબંધોનો મજબૂત પાયો રહ્યો છે. આ બંને દેશો વચ્ચેના પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું હતું કે, ફ્રાન્સ ભારતના ‘મેક ઈન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનમાં મહત્વનું ભાગીદાર રહ્યું છે. એ સબમરિન હોય કે જહાજ, આપણે સાથે મળીને આપણી જ નહીં પરંતુ આપણા મિત્ર દેશોની પણ જરૂરિયાતો પૂર્ણ કરી રહ્યા છીએ.
પીએમ મોદીએ ફ્રાન્સની વિવિધ કંપનીઓના CEO સાથે પણ મુલાકાત કરી હતી અને ભારતમાં રોકાણ અને અન્ય બાબતોને લઈને તેમની સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ વડાપ્રધાન માટે વિશેષ ડિનરનું પણ આયોજન કર્યું હતું. જ્યાં વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું કે, છેલ્લાં 25 વર્ષમાં દુનિયાએ અનેક ઉતાર-ચડાવ જોયા પણ ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા હંમેશા વધુને વધુ મજબૂત બનતી ગઈ છે. તેમણે ઉમેર્યું કે બંને દેશોએ આવતાં 25 વર્ષ માટેનો રોડમેપ તૈયાર કર્યો છે અને આ ભાગીદારી આખા વિશ્વના કલ્યાણ માટે મહત્વની સાબિત થશે.