કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પોતાના મુખ્ય ચૂંટણી વાયદાઓ પૈકીનો વધુ એક વાયદો પૂરો કરવાની તૈયારી કરી રહી છે- યુનિફોર્મ સિવિલ કોડ (UCC). એકાદ મહિનાથી યુસીસી ચર્ચામાં છે તો પીએમ મોદીએ જાહેરમંચ પરથી તેનો ઉલ્લેખ કરીને તેને વેગ આપ્યો હતો. ત્યારબાદ લૉ કમિશને એક નોટિફિકેશન બહાર પાડીને યુસીસીને લઈને દેશવાસીઓનાં સૂચનો માંગ્યાં હતાં. જેની ડેડલાઈન આમ તો આજે પૂર્ણ થઇ રહી હતી પરંતુ તેને લંબાવી દેવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી ANIએ લૉ કમિશનને ટાંકીને જણાવ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડને મળેલા જનતાના અભૂતપૂર્વ પ્રતિસાદ અને તેને સૂચનો મોકલવા માટેના સમયગાળામાં વધારો કરવા માટે સતત મળતી રજૂઆતોને ધ્યાનમાં લઈને લૉ કમિશને આ સૂચનો મોકલવા માટેની ડેડલાઈન બે અઠવાડિયાં લંબાવી દીધો છે. જેથી હજુ 15 દિવસ માટે કમિશનને UCC અંગે સૂચનો મોકલી શકાશે.
In view of the overwhelming response from the public on the subject of Uniform Civil Code (UCC) and numerous requests received from various quarters regarding the extension of time for submitting their comments, the Law Commission has decided to grant an extension of two weeks… pic.twitter.com/03gZxoAUAX
— ANI (@ANI) July 14, 2023
ગત 14 જૂન, 2023ના રોજ લૉ કમિશને દેશની સામાન્ય જનતા, હિતધારકો અને ચિહ્નિત ધાર્મિક-મઝહબી સંગઠનો પાસેથી યુનિફોર્મ સિવિલ કોડને લઈને સલાહ-સૂચનો માંગ્યાં હતાં. આ માટે અંતિમ તારીખ 14 જુલાઈ, 2023 (શુક્રવાર) નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે આ સમયગાળો વધુ 14 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં લૉ કમિશનને UCC સંદર્ભે 50 લાખ સૂચનો મળી ચૂક્યાં છે. દેશભરમાંથી લોકોએ આ વિશે પોતાનો મત રજૂ કર્યો હતો અને કાયદામાં શું સમાવેશિત હોવું જોઈએ તેને લઈને સૂચનો કર્યાં હતાં. જ્યારે અમુક સંગઠનોએ આ મુદ્દાને લઈને વ્યક્તિગત રીતે તેમને સાંભળવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી. જેને લઈને કમિશને કહ્યું હતું કે, કમિશન સૂચનોની યોગ્ય ચકાસણી કર્યા બાદ વ્યક્તિગત રીતે પણ ચર્ચા કરવા માટે તેમને આમંત્રણ આપશે.
શું છે UCC? કાયદાઓમાં શું ફેરફાર આવશે?
UCC- યુનિફોર્મ સિવિલ કોડનો ગુજરાતી કે હિન્દીમાં અર્થ થાય- સમાન નાગરિક સંહિતા. એટલે કે આખા દેશમાં તમામ નાગરિકો માટે કાયદાઓ એક સમાન હોય તેવો નિયમ. અત્યારે ગુનાહિત બાબતો અને અન્ય કેટલીક બાબતોમાં દેશમાં એક જ કાયદો છે પરંતુ લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, સંપત્તિના મામલા વગેરે બાબતોમાં વિવિધ ધર્મ-મઝહબો-પંથોના કાયદા અલગ-અલગ છે. હિંદુઓ માટે હિંદુ મેરેજ એક્ટ, 1956 લાગુ પડે છે, જે શીખ, જૈન અને અન્ય સંપ્રદાયો માટે પણ અમલમાં છે, જ્યારે મુસ્લિમો માટે મુસ્લિમ પર્સનલ લૉ લાગુ પડે છે, જે શરિયત આધારિત છે. જો UCC લાગુ કરવામાં આવે તો આ બધું દૂર કરીને તમામ નાગરિકો માટે એક જ કાયદો લાગુ કરી શકાશે.
મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે સંસદના આગામી સત્રમાં મોદી સરકાર UCC માટે બિલ લાવી શકે છે. જોકે, સરકારે હજુ સુધી આ અંગે કોઈ ફોડ પાડ્યો નથી. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે.