ગત મહિને વિનાશક વાવાઝોડું ‘બિપરજોય’ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. સરકારની પૂરતી તૈયારીઓ અને આગોતરા આયોજનના કારણે જાનહાનિ થઇ ન હતી પરંતુ અમુક મિલ્કતો અને ખાસ કરીને ખેતીમાં નુકસાન થયું હતું. જે માટે સરકારે સર્વેક્ષણ કરવા માટેના આદેશ આપ્યા હતા. હવે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં બિપરજોય વાવાઝોડાના કારણે ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાનને જોતાં 240 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પેકેજની જાણકારી આપતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે કૃષિ અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું, જેમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓમાં વધુ અસર થઇ હતી. આ બે જિલ્લાઓમાં અંદાજે 1 લાખ 30 હજાર હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું હતું અને મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયાં હતાં. તેમણે ઉમેર્યું કે, આ અસરગ્રસ્ત વિસ્તારોમાં 311 ટીમો સરવેની કામગીરીમાં જોડાઈ હતી. જેમણે રિપોર્ટ જમા કરાવ્યા બાદ મુખ્યમંત્રીએ આ 240 કરોડનું પેકેજ જાહેર કર્યું છે.
મંત્રીએ જાહેર કર્યા અનુસાર, બાગાયતી પાકો-ફળઝાડ પડી ગયાની નુક્સાનીમાં સહાયરૂપ થવા માટે સૌપ્રથમ વખત રાજ્ય સરકારે બહુવર્ષાયુ બાગાયતી પાકોના 10% કે તેથી વધુ અને 33 ટકા સુધીના ઝાડ ઉખડી જવાના/પડી જઇ/ભાંગી જઇ નાશ પામેલ હોય તે અન્વયે ખાસ કિસ્સામાં પણ રાજય ભંડોળમાંથી રૂ.25,000/- પ્રતિ હેકટર સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેનાથી વધુ ઝાડ ઉખડી જઈ/પડી જય/ ભાંગી પડી નાશ પામ્યાં હોય તો તે કિસ્સામાં SDRFના ધોરણો અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર રકમ રૂ. 22,500/-ની સહાય અને રાજ્ય સરકારના ભંડોળમાંથી વધારાની પ્રતિ હેકટર રૂ. 1,02,500/- ગણતરીમાં લઇ કુલ 1,25,000/- પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરવામાં આવી છે. આ રકમમાં SDRF સિવાયનો અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો છે. આ સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
રાજ્ય સરકારે જણાવ્યા અનુસાર, વહીવટી તંત્રે કરેલા સરવેમાં પાક 33 ટકા કે વધારે નુકસાન હોવાનું જણાઈ આવે તેમજ બાગાયતી ફળઝાડ ઉખડી જવાના કિસ્સામાં 10 ટકા કે વધુ નુકસાન ધ્યાને આવે તેવા સરવે નંબર ખેડૂત ખાતેદારો, જેમનો ગ્રામ્ય કક્ષાએ સરવે યાદીમાં સમાવેશ થયો હોય તેમને જ આ સહાય પેકેજનો લાભ મળશે. આ ખેડૂત ખાતેદારોએ પેકેજનો લાભ લેવા માટે નિયત નમૂનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.