Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ: લાલ કિલ્લા પાસેથી વહી ‘નદી’, સીએમ અરવિંદ...

    દિલ્હીના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ: લાલ કિલ્લા પાસેથી વહી ‘નદી’, સીએમ અરવિંદ કેજરીવાલના ઘર સુધી પાણી પહોંચશે?

    દિલ્હીમાં પૂરની સ્થિતિ વચ્ચે શહેરને વિદેશનાં શહેરો જેવું બનાવી દેવાના વાયદા કરનારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની સરકાર પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

    - Advertisement -

    રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ અને યમુના નદીના વધતા જળસ્તરના કારણે પૂરની સ્થિતિ ઉત્પન્ન થતી જાય છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે તો હવે VIP ગણાતા વિસ્તારો સુધી પણ પાણી આવવા માંડ્યાં છે. આજે પાણી પ્રખ્યાત લાલ કિલ્લા સુધી પહોંચી ગયું હતું. 

    ન્યૂઝ એજન્સી ANIએ લાલ કિલ્લાની તસ્વીરો અને વિડીયો શૅર કર્યાં હતાં, જેમાં સમગ્ર પરિસરમાં પાણી ભરાયેલું જોઈ શકાય છે તેમજ ઘૂંટણ સુધીનાં પાણીમાં ફરતા લોકો પણ જોવા મળે છે. પાણી ભરાઈ જવાના કારણે સરકારે 13 અને 14 જુલાઈ એમ બે દિવસ માટે લાલ કિલ્લામાં સામાન્ય લોકોના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. 

    બીજી તરફ, પાણી સિવિલ લાઇન્સ વિસ્તારમાં પહોંચી ગયાં હોવાનું જાણવા મળ્યું છે, આ એ જ વિસ્તાર છે જ્યાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવાસસ્થાન સ્થિત છે. આજતકના રિપોર્ટ અનુસાર, જો આગલા અમુક કલાકમાં યમુનાના જળસ્તરમાં ઘટાડો ન થયો તો અમુક કલાકોમાં જ પૂરનાં પાણી સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલ સીએમ નિવાસસ્થાન સુધી પહોંચી જશે. 13 જુલાઈએ 6 વાગ્યાની સ્થિતિએ યમુના નદીનું જળસ્તર 208.66 મીટર હોવાનું રિપોર્ટ્સ જણાવે છે. 

    - Advertisement -

    દિલ્હીમાં પૂરનાં પાણી સરકાર સંચાલિત સુશ્રુત ટ્રોમા સેન્ટરના પરિસરમાં પણ ઘૂસી ગયાં હતાં, જેના કારણે પ્રશાસને અહીં દાખલ લગભગ 40 દર્દીઓને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં ત્રણ ICU દર્દીઓ પણ સામેલ છે. લોકનાયક હોસ્પિટલના MD ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે, ટ્રોમા સેન્ટર નદીની એકદમ નજીક છે અને જેથી ચારેતરફ પાણી ભરાઈ ગયું હતું અને ત્યાં વીજળીની સમસ્યા આવી શકે તેમ હતી જેથી સાવચેતીના ભાગરૂપે દર્દીઓને ખસેડી લીધા હતા. 

    દિલ્હીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે અનેક ઠેકાણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી તો ક્યાંક વાહનો ડૂબી પણ ગયાં હતાં. યમુનાબજાર વિસ્તારમાં નદીના પાણી ફરી વળતાં બસ, ટ્રક જેવાં ભારે વાહનો પણ ડૂબી ગયાં હતાં. દિલ્હીમાં 45 વર્ષ બાદ યમુના નદીનું જળસ્તર આટલું વધ્યું છે, આ પહેલાં 1978માં નદી 207.49 મીટરની સપાટીએ પહોંચી હતી, જે રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે. 

    દિલ્હીમાં પૂરની સ્થિતિ વચ્ચે શહેરને વિદેશનાં શહેરો જેવું બનાવી દેવાના વાયદા કરનારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની સરકાર પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં