ચંદ્રયાન-3 મિશન માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શુક્રવારે બપોરે યાનને રોકેટ મારફતે પ્રક્ષેપિત કરવામાં આવશે. ત્યારે લૉન્ચિંગ પહેલાં ઈસરો(ISRO)ના વૈજ્ઞાનિકોએ આજે (13 જુલાઈ, 2023) તિરૂપતિ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વૈજ્ઞાનિકોની એક ટીમ અહીં ચંદ્રયાન-3નું એક નાનકડું મોડેલ પણ સાથે લઇ ગઈ હતી.
#WATCH | Andhra Pradesh | A team of ISRO scientists team arrive at Tirupati Venkatachalapathy Temple, with a miniature model of Chandrayaan-3 to offer prayers.
— ANI (@ANI) July 13, 2023
Chandrayaan-3 will be launched on July 14, at 2:35 pm IST from Satish Dhawan Space Centre, Sriharikota, ISRO had… pic.twitter.com/2ZRefjrzA5
ઉલ્લેખનીય છે કે 14 જુલાઈએ ઓડિશાના શ્રીહરિકોટાથી ચંદ્રયાનનું પ્રક્ષેપણ કરવામાં આવશે. આ માટે LVM-M3 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રક્ષેપણ બપોરે 2:35 કલાકે હાથ ધરવામાં આવનાર છે. ચંદ્ર પર સુરક્ષિત યાન ઉતારવામાં સફળ રહ્યા તો ભારત એક નવો ઇતિહાસ રચશે અને આમ કરનારા જૂજ દેશોની સૂચિમાં પોતાનું નામ સામેલ કરશે. આ પ્રક્ષેપણ માટે ઈસરોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને અંતે મિશનની શરૂઆત પહેલાં ભગવાનના આશીર્વાદ પણ મેળવી લીધા છે.
આ પહેલાં ભારતે ચંદ્રયાન 1 અને 2 લૉન્ચ કર્યાં હતાં, જેમાં સંપૂર્ણ નિષ્ફ્ળતા મળી ન હતી પરંતુ હજુ સુધી કોઈ યાન ચંદ્ર પર લેન્ડ થઇ શક્યું નથી. ચંદ્રયાન-2 જુલાઈ, 2019માં લૉન્ચ કરવામાં આવ્યું હતું, જે સપ્ટેમ્બરમાં ચંદ્ર પર પહોંચ્યું હતું પરંતુ લેન્ડિંગની થોડી જ ક્ષણો પહેલાં તેણે સંપર્ક ગુમાવી દીધો હતો અને ક્રેશ થઇ ગયું હતું. હવે ચંદ્રયાન-3 તેનો આગલો તબક્કો છે, જે ચંદ્રની સપાટી પર ઉતરીને પરીક્ષણ કરશે. જેમાં એક પ્રોપલ્શન મોડેલ, લેન્ડર અને રોવર હશે. આ વખતે ઓર્બિટર મોકલવામાં નહીં આવે. ઉપરાંત, મિશનની સફળતા માટે એલ્ગોરિધમ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે તો ઉપકરણ પણ નવાં બનાવવામાં આવ્યાં છે.
બધું યોજના અનુસાર ચાલ્યું તો 14 જુલાઈએ પ્રક્ષેપિત થયા બાદ 23 કે 24 ઓગસ્ટના રોજ આ યાન ચંદ્ર પર ઉતરશે. લેન્ડ કરતાંની સાથે જ આમ કરનારો ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો દેશ બનશે.