દિલ્હીમાં મુસ્લિમ મહિલા સાથે રીલ બનાવવા બદલ રાજકુમાર નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. મૃતકની ઓળખ 20 વર્ષીય રાજકુમાર તરીકે થઈ છે. તે મૂળ બિહારના અરરિયા જિલ્લાનો રહેવાસી હતો. રાજકુમારની હત્યાના આરોપમાં અશફાક અને મેરાજ નામના યુવકોની ધરપકડ કરવામાં આવી છે. રાજકુમારની હત્યા 2 જુલાઈ 2023ના રોજ કરવામાં આવી હતી. બીજા દિવસે તેનો મૃતદેહ એક પાર્ક નજીકથી મળી આવ્યો હતો. 27 જૂને જે મહિલા સાથે તેણે રીલ બનાવી હતી તે અશફાકની ભાભી છે. અશફાકને તેની ભાભી અને રાજકુમાર વચ્ચે આડા સંબંધ હોવાની શંકા હતી.
મીડિયા અહેવાલો અનુસાર મુસ્લિમ મહિલા સાથે રીલ બનાવવા બદલ હત્યા કરવાનો આ મામલો ઉત્તર દિલ્હીના ઝખીરા વિસ્તારનો છે. 3 જુલાઇના રોજ પોલીસને ઇન્દ્રલોક વિસ્તારમાંથી એક યુવકની લાશ મળી આવી હતી. લાશને એક બગીચાની નજીક ઝાડીઓમાં સંતાડી દેવામાં આવી હતી. મૃતક પાસેથી કોઈ ઓળખપત્ર નહોતું મળ્યું. પોલીસે લાશને કબજામાં લઈને તપાસ શરૂ કરી હતી. અનેક સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ મૃતકની ઓળખ બિહારના અરરિયા જિલ્લાના રહેવાસી રાજકુમાર તરીકે થઈ હતી.
આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બાતમીદારે અશફાક અને મેરાજનાં જ નામો શંકાસ્પદ તરીકે આપ્યાં હતાં. પોલીસને મળેલી અન્ય કડીઓ પણ આ બંને તરફ જ ઇશારો કરી રહી હતી. પોલીસે અશફાક અને મેરાજને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરતાં બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. અશફાકે જણાવ્યું હતું કે તેને રાજકુમાર પર શંકા હતી કે તેના તેની ભાભી સાથે આડા સંબંધ હતા.
30 જૂને હતો હત્યાનો પ્લાન, બીજા કેસમાં ધરપકડ થતા ત્યારે નિષ્ફ્ળ ગયો
27 જૂને રાજકુમાર અને અશફાકની ભાભીએ સાથે મળીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા માટે એક રીલ બનાવી હતી. અશફાકના જણાવ્યા પ્રમાણે આ રીલના કારણે તેનું ઘણું અપમાન થયું હતું. આ પછી તેણે રાજકુમારની હત્યા કરવાની યોજના બનાવી હતી. તેની યોજના 30 જૂને તેની હત્યા કરવાની હતી. પરંતુ તે દિવસે શાંતિ ભંગના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
છૂટ્યા બાદ તેણે મેરાજ સાથે રાજકુમારને 2 જુલાઈએ મળવા માટે શહજાદા બાગ ખાતે બોલાવ્યો હતો. અહીં જ બંનેએ રાજકુમારને ચાકુના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ બંને રાજકુમારનો મૃતદેહ ઝાડીઓમાં સંતાડીને ભાગી છૂટ્યા હતા. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે રાજકુમાર ક્યારેય બિહાર તેના ગામ નહોતો જતો, તેથી જ તેઓએ વિચાર્યું હતું કે કોઈ તેને શોધશે નહીં.