વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ફ્રાન્સની મુલાકાતે જવાના છે. આ દરમિયાન તેઓ પેરિસમાં બૈસ્ટિલ ડે પ્રેસમાં સામેલ થશે તો રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત પણ કરશે. વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન જ બંને દેશો વચ્ચે મહત્વના કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવશે. ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઈટર જેટ અને 3 સ્કોર્પિન શ્રેણીની સબમરિન ખરીદશે, જે માટેની ડીલને રક્ષા મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.
આ માટેના પ્રસ્તાવને રક્ષા મંત્રાલયના ડિફેન્સ પ્રોક્યુરમેન્ટ બોર્ડ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. હવે તે ડિફેન્સ ઍક્વિઝિશન કાઉન્સિલ પાસે વિચાર માટે જશે. ત્યાંથી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાનની ફ્રાન્સ મુલાકાત દરમિયાન આ ડીલની જાહેરાત કરવામાં આવશે તેમ ન્યૂઝ એજન્સી ANIનો રિપોર્ટ જણાવે છે.
આ ડીલ લગભગ 90 હજાર કરોડની હોવાનું પ્રાથમિક અનુમાન છે પરંતુ બંને પક્ષેથી વાટાઘાટો થઈને ડીલ જાહેર થાય પછી જ ચોક્કસ કિંમત જાણી શકાશે. ડીલ અનુસાર, ભારતીય નેવીને 22 સિંગલ સીટ રાફેલ ફાઈટર જેટ મળશે અને બાકીનાં ચાર ટ્રેનર એરક્રાફ્ટ હશે. જ્યારે અન્ય ત્રણ સ્કોર્પિન સિરીઝની સબમરીન પણ હશે. ડીલના કારણે ભારતીય સેનાની ફાઈટર જેટ્સ અને સબમરિનની અછત પૂર્ણ થશે. રાફેલ જેટ્સને સેનાના INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય પર તહેનાત કરવામાં આવશે, જ્યાં Mig-29 ફાઈટર જેટ્સ પહેલેથી જ તહેનાત છે.
રાફેલ મરીન એરક્રાફ્ટની મહત્તમ ઝડપ 2400 કિલોમીટર/કલાકની છે, જ્યારે રેન્જ 3700 કિમીની છે. તે આકાશમાં 55 હજાર ફિટની ઊંચાઈએ ઉડી શકે છે. તેની લંબાઈ 50.1 ફિટ અને બે પાંખ વચ્ચેનું અંતર 35.4 ફિટ જેટલું છે. વજન 10,300 કિલો જેટલું હોય છે. તેની ઉપર મેટિયોર બેયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટૂ એર મિસાઈલ લાગી શકે છે તેમજ 30 મિમિ કેલિબરની GIAR 30M/719B તોપ લાગે છે.
ભારત સરકારે અગાઉ ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઈટર જેટ ખરીદવા માટે ઐતિહાસિક ડીલ કરી હતી. જે તમામ ભારતને પહોંચાડી દેવામાં આવ્યાં છે. હવે પીએમ મોદીની યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે વધુ એક ડિફેન્સ ડીલ થશે. વડાપ્રધાન મોદી 13 અને 14 જુલાઈના રોજ ફ્રાન્સની મુલાકાતે જશે. તેમને પ્રખ્યાત બૈસ્ટિલ ડે પરેડમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.