કર્ણાટકથી એક હત્યાની ઘટના સામે આવી છે. મેંગલોરના એક તૌસીફ હુસૈન નામના દુકાનદારે નજીવી તકરારમાં પોતાના કર્મચારી પર પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દીધો હતો. મૃતક કર્મચારીનું નામ ગજયાન ઉર્ફે જગ્ગુ હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં તૌફીકે કરંટ લાગવાથી જગ્ગુનું મોત નીપજ્યું હોવાનું રટણ કર્યે રાખ્યું હતું, પરંતુ પોલીસે આસપાસમાં તપાસ કરતાં આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો.
મળતી માહિતી અનુસાર આ ઘટના મેંગલોરના મૂલીહિતલુ વિસ્તારની છે. શનિવારે (8 જુલાઈ 2023) કરીયાણાની દુકાન ચલાવતા તૌસીફે તેના કર્મચારી જગ્ગુને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. પોતે આચરેલા નિર્મમ હત્યાકાંડને છુપાવવા તેણે ઘટનાને અકસ્માતમાં ખપાવી દીધી હતી. અહેવાલોમાં જણાવ્યા અનુસાર વહેલી સવારે લગભગ 7:30 વાગ્યે નાની એવી વાતમાં તૌસીફે જગ્ગુ પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દેતા ગંભીર રીતે દાજી ગયેલા યુવકને દવાખાને લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. નોંધનીય છે કે મૃતક જગ્ગુ છેલ્લા 4 વર્ષથી આરોપી તૌસીફની કરિયાણાની દુકાનમાં નોકરી કરતો હતો.
પોતે આચરેલા ગુનાને છુપાવવા હુસૈન સતત જૂઠ્ઠુ બોલી રહ્યો હતો. પરંતુ આસપાસ પૂછપરછ કરતા પોલીસને કશું અજુગતું બન્યું હોવાની આશંકા ગઈઅને તેમણે તૌસીફની અટકાયત કરી કડકાઈથી પૂછપરછ કરતાં અંતે તેના રાક્ષસી કૃત્યનો ભાંડો ફૂટી ગયો હતો. આ ઘટનામાં પોલીસે જણાવ્યું હતું કે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શરૂઆતમાં આરોપી પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હતો, પરંતુ કડકાઈથી પૂછપરછ કરતા અંતે તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. આ હિચકારા હત્યાકાંડમાં શહેરના પોલીસ કમિશનર કુલદીપ કુમાર જૈને પણ જણાવ્યું હતું કે ઘટના બાદ તૌસીફનું નિવેદન શંકાસ્પદ લાગી રહ્યું હતું. જેના આધારે અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી અને વાસ્તવિકતા છતી થઈ અને આરોપીને દબોચી લેવામાં આવ્યો.
પોલીસે આ મામલે 32 વર્ષીય તૌસીફ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. કર્ણાટકના મેંગલોરના તૌસીફ હુસૈન નામના દુકાનદારે નજીવી તકરારમાં કર્મચારી પર પેટ્રોલ છાંટીને જીવતો સળગાવ્યો હોવાની ઘટનાએ સ્થાનિક લોકોને હચમચાવી મૂક્યા છે અને હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.