શનિવારે (8 જુલાઈ, 2023) ખાલિસ્તાન સમર્થક જૂથોએ વિદેશોમાં રેલીઓ કાઢીને ભારતવિરોધી પ્રદર્શનો કર્યાં હતાં. ખાલિસ્તાનીઓ યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા પરંતુ ખાસ સફળતા મળી ન હતી.
લંડનમાં સ્થાનિક સમય અનુસાર બપોરે સાડા બારથી અઢી વાગ્યાના અરસામાં ભારતીય હાઈકમિશનની બહાર ખાલિસ્તાનીઓ એકઠા થયા હતા અને પ્રદર્શન કર્યાં હતાં. જોકે તેમની સંખ્યા માંડ 30-40 જેટલી હતી. તેમણે ખાલિસ્તાનના સમર્થનમાં નારાબાજી કરી હતી ઉપરાંત ભારતીય હાઈકમિશનર અને કોન્સુલેટ જનરલ વિરુદ્ધ પોસ્ટરો દેખાડ્યાં હતાં. ખાલિસ્તાનીઓ માર્યા ગયેલા આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા માટે ભારતીય અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. જોકે, થોડો સમય નાટકો કર્યા બાદ પ્રદર્શનકારીઓ રવાના થયા હતા.
#WATCH | 30-40 Khalistanis gathered outside Indian High Commission in London around 12:30 pm to 2:30 pm GMT today. UK Police were present at the spot. Protesters have left the site now pic.twitter.com/HtSraIXmoe
— ANI (@ANI) July 8, 2023
આ જ પ્રકારે ઓસ્ટ્રેલિયાના મેલ્બર્નમાં પણ ખાલિસ્તાનીઓએ ભારતીય કોન્સુલેટની બહાર પ્રદર્શનો કર્યાં હતાં. તેમણે પણ ઓસ્ટ્રેલિયામાં ભારતીય હાઈકમિશનર અને કોન્સુલેટ જનરલ ઑફ ઇન્ડિયાને ધમકી આપી હતી. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ સ્થળ પર કવરેજ માટે આવેલા એક પત્રકાર સાથે ગેરવર્તણૂંક પણ કરી હતી.
કેનેડાના ટોરન્ટોમાં પણ ખાલિસ્તાન સમર્થકોએ એકઠા થઈને પ્રદર્શન કર્યાં હતાં. ભારતીય કોન્સુલેટની સામે ભેગા થઈને તેમણે ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવીને ખાલિસ્તાની ઝંડા ફરકાવ્યા હતા. તો બીજી તરફ કેનેડાનો ભારતીય સમુદાય તેમની સામે પડ્યો હતો અને સામું પ્રદર્શન કરીને તેમણે ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવીને નારાબાજી કરી હતી.
#WATCH | Pro-Khalistan supporters protested in front of the Indian consulate in Canada's Toronto on July 8
— ANI (@ANI) July 9, 2023
Members of the Indian community with national flags countered the Khalistani protesters outside the Indian consulate in Toronto pic.twitter.com/IF5LUisVME
આ બધાં પ્રદર્શનોની વચ્ચે અમેરિકામાં પણ વોશિંગટન સ્થિત ભારતીય દૂતાવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જોકે, ત્યાં આવાં કોઈ પણ પ્રકારનાં પ્રદર્શન થયાં હોવાનું જાણવા મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી વિદેશમાં બેસીને ભારત સામે કાવતરાં કરતા ખાલિસ્તાની આતંકવાદીઓનો સફાયો થઇ રહ્યો છે. તાજેતરમાં જ કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકી હરદીપસિંઘ નિજ્જરની હત્યા કરી નાંખવામાં આવી હતી. તે NIAના મોસ્ટ વૉન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. તે પહેલાં તેના એક સાથી અવતારસિંઘનું બ્રિટનમાં રહસ્યમય મોત થયું હતું. તેને ઝેર આપવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
એક પછી એક સફાયો થતાં ખાલિસ્તાન સમર્થકો ધૂઆંપૂંઆ થયા છે. જેના કારણે શીખ ફોર જસ્ટિસના પ્રમુખ આતંકી ગુરપતવંત સિંઘ પન્નુએ આ માર્ચ અને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. જોકે, પન્નુને પોતાને જીવ ખોવાનો ડર લાગી રહ્યો છે. તાજેતરમાં જ તે એક માર્ગ અકસ્માતમાં માર્યો ગયો હોવાની વાત બહાર આવી હતી પરંતુ પછીથી તે જીવતો હોવાનું સામે આવ્યું હતું.