દ્વારકાના ઓખાની હિંદુ પરિણીતા ઘરેથી કૉલેજનું એલ.સી લેવાનું કહી નીકળ્યા બાદ નદીમ શેખ નામના મુસ્લિમ વ્યક્તિ દ્વારા તેને ઉપાડી જવાની ઘટનાએ આખા પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી કરી છે. આ મામલે પરિણીતાના પરિવાર અને હિંદુ સંગઠનો દ્વારા યુવતીને પરત લાવવાની અને નદીમ શેખ વિરુદ્ધ સજાની માંગ કરી વિશાળ રેલી યોજી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઓખાના નવાગામ ખારવા સમાજે મરીન પોલીસ સ્ટેશને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. દ્વારકાના ઓખામાં હિંદુ પરિણીતા લવ જેહાદનો શિકાર બનતા સ્થાનિક હિંદુ સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર દ્વારકાના ઓખાની હિંદુ યુવતીનાં લગ્ન તાલુકાના સિક્કા ગામે થયાં હતાં. થોડા દિવસો અગાઉ તે પોતાના પિયર ખાતે આવી હતી. આ દરમિયાન ગત 5 જુલાઈ 2023ના રોજ યુવતી ઓખાથી દ્વારકા કોલેજમાં લિવિંગ સર્ટિફિકેટ લેવા જવાનું કહી ઘરેથી નીકળી હતી. ઘણો લાંબો સમય વીતવા છતાં તે પરત ન આવતાં પરિવારે તેને ફોન કર્યા હતા પરંતુ યુવતીનો ફોન બંધ આવતા યુવતીનો પરિવાર ચિંતામાં મુકાયો અને સગાસબંધીઓના ત્યાં તપાસ આદરી હતી. તેમ છતાં દીકરીની કોઈ ભાળ ન મળતા પરિવારે પોલીસની મદદ માંગી હતી.
આ દરમિયાન પીડિત પરિવારને માહિતી મળી હતી કે તેમની દીકરીને દ્વારકા ખાતે રહેતો નદીમ શેખ નામનો યુવક ઉપાડી ગયો છે. તેવામાં સ્થાનિક હિંદુ સંગઠનોને ઘટનાની જાણ થતાં તેઓ પણ પરિવારની મદદે આવ્યા હતા અને ઘટનાનો તાગ મેળવ્યો હતો. પરિવારે કરેલા આક્ષેપ મુજબ નદીમ દેઅરા તેમની દીકરીનું ફોસલાવીને અપહરણ કરી લેવામાં આવ્યું છે. જે બાદ યુવતીને પરત લાવવાની માંગ સાથે ઓખાના ખારવા સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ રેલી યોજીને દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ યુવતી લવ જેહાદનો શિકાર બની હોવાનો આરોપ હિંદુ સંગઠનો દ્વારા લગાવવામાં આવ્યો હતો.
ઓખાના ખારવા સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલા આવેદન પત્ર અનુસાર નદીમ શેખનો પરિવાર પણ યુવતીને ઉપાડી જવામાં મદદગાર રહ્યો હતો. દ્વારકાના ઓખાની હિંદુ પરિણીતા નદીમ શેખ દ્વારા લવ જેહાદનો શિકાર બની હોવાના આરોપો સાથે પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે સંગઠનોએ જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા સાથે વહેલી તકે પરિણીતા તેના પરિવારને પરત કરવામાં આવે તેવી માંગ મૂકવામાં આવી છે. હાલ ઓખા મરીન પોલીસ દ્વારા નદીમ શેખના મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી છે.