આ મહિને ગુજરાતની ત્રણ બેઠકો માટે રાજ્યસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તે પહેલાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે હાથ ઊંચા કરી દીધા છે. કોંગ્રેસ તરફથી આજે જાહેર કરવામાં આવ્યું કે તેઓ આ ચૂંટણીમાં એક પણ ઉમેદવાર ઉતારશે નહીં.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ આ બાબતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસ ત્રણમાંથી એક પણ બેઠક જીતી શકે તેમ નથી અને પાર્ટી જોડતોડના રાજકારણમાં માનતી નથી, જેથી તેઓ ઉમેદવાર ઉતારશે નહીં. ગુજરાતમાં એક રાજ્યસભા સીટ જીતવા માટે ઓછામાં ઓછા 46 ધારાસભ્યોના મત મળવા જરૂરી છે અને કોંગ્રેસ પાસે માત્ર 17 જ ધારાસભ્યો છે. જેથી તેઓ ઉમેદવાર ઉતારે તોપણ હાર નિશ્ચિત છે.
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. હાલ આઠ ભાજપ પાસે અને 3 કોંગ્રેસ પાસે છે. જેમાંથી ઓગસ્ટમાં ત્રણ ભાજપ સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. જેમાં એસ જયશંકર, દિનેશ અનાવડિયા અને જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે આ ત્રણ બેઠકો માટે ચૂંટણી જાહેર કરી છે. જે માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 જુલાઈ છે. ત્યાં સુધીમાં ભાજપ ઉમેદવારોનાં નામ નક્કી થઇ જશે. 17 જુલાઈ સુધીમાં ફોર્મ ખેંચી શકાશે અને મતદાનની તારીખ 24 જુલાઈ નક્કી કરવામાં આવી છે. પરંતુ કોંગ્રેસે ઉમેદવાર ન ઉતારવાની ઘોષણા કરતાં હવે 17 જુલાઈએ જ ત્રણ ભાજપ ઉમેદવારોને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવશે.
વિદેશ મંત્રી એસ જયશંકરને ભારતીય જનતા પાર્ટી રિપીટ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, જ્યારે બાકીની બે બેઠકો પર નવા ચહેરાઓને તક અપાશે તેમ માનવામાં આવી રહ્યું છે. તેમની પણ જીત નિશ્ચિત જ છે, જેથી જે નામ જાહેર કરવામાં આવશે તે ઔપચારિકતાઓ પૂર્ણ કરીને સીધા બિનહરીફ વિજેતા બનશે.
રાજ્યસભા ચૂંટણીમાં રાજ્યના ધારાસભ્યો મતદાન કરે છે. જેની ગણતરી પણ જુદી હોય છે. આ ગણતરી પ્રમાણે ગુજરાતમાં 1 રાજ્યસભા બેઠક જીતવા માટે 46 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે છે. કોંગ્રેસ પાસે તેના અડધા પણ નથી. બીજા નંબરે આમ આદમી પાર્ટી છે, જેની વિધાનસભામાં હાલત કોંગ્રેસ કરતાં ખરાબ છે. જેથી ભાજપના ત્રણ સાંસદોની જીત નિશ્ચિત છે.