મોદી સમાજ વિશે કરેલી ટિપ્પણી મામલેના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ કરેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટ આવતીકાલે (7 જુલાઈ, 2023) ચુકાદો સંભળાવવા જઈ રહી છે. આ પહેલાં 2 મે, 2023ના રોજ સુનાવણી હાથ ધરતાં કોર્ટે બંને પક્ષોની દલીલ પૂર્ણ કરીને ચુકાદો અનામત રાખ્યો હતો.
Gujarat High Court will pronounce the judgement on Rahul Gandhi's plea seeking stay on his conviction in the defamation case over Modi surname remark on July 7.
— ANI (@ANI) July 6, 2023
વર્ષ 2019માં લોકસભા ચૂંટણી માટેના પ્રચાર દરમિયાન એક સભામાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરવા જતાં એક ટિપ્પણી કરીને કહ્યું હતું કે, બધા મોદી ચોર કેમ હોય છે. જે મામલે ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટ સમક્ષ માનહાનિનો કેસ કર્યો હતો. ચાર વર્ષ સુનાવણી ચાલ્યા બાદ 23 માર્ચ, 2023ના રોજ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી.
સુરતની કોર્ટમાંથી 2 વર્ષની સજા મળવાના કારણે રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદબાતલ ઠેરવવામાં આવ્યું હતું અને પછીથી તેમણે અધિકારીક નિવાસસ્થાન પણ ખાલી કરી દેવું પડ્યું હતું. બીજી તરફ, રાહુલ ગાંધીએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાંથી પણ તેમને રાહત મળી ન હતી અને કોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો યોગ્ય ઠેરવ્યો હતો. સેશન્સ કોર્ટમાંથી પણ રાહત ન મળતાં આખરે રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી.
ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો
ગુજરાત હાઇકોર્ટે પહેલાં 29 એપ્રિલ અને ત્યારબાદ 2 મે, 2023ના રોજ રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષોએ કલાકો સુધી દલીલો ચાલી હતી. રાહુલ ગાંધી તરફથી અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરતાં કહ્યું હતું કે, જો રાહુલ ગાંધીના દોષ પર સ્ટે મૂકવામાં નહીં આવે તો તેમની રાજકીય કારકિર્દીને અસર પહોંચશે. બીજી તરફ, પૂર્ણેશ મોદીના વકીલે રાહુલ ગાંધી વિરુદ્ધ દલીલ મૂકીને તેમનાં બેવડાં ધોરણો ખુલ્લાં પાડ્યાં હતાં.
અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધી પક્ષે દલીલ કરતાં દોષ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી તો ફરિયાદની મેન્ટેનેબિલિટી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, સંસદમાં પોતાનો અવાજ ઉઠાવી શકતા નથી અને વર્ષ પછી કદાચ દોષ પર સ્ટે પણ મૂકાય તોપણ જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવી અશક્ય હશે. તેમજ જો માનહાનિ કેસ મામલેના આ દોષ પર સ્ટે નહીં મૂકાય તો ચૂંટણી થાય તોપણ તેઓ લડી શકશે નહીં અને તેનાં પરિણામો કઠોર અને અપરિવર્તનીય હશે.
રાહુલ ગાંધી બહાર અને કોર્ટમાં જુદું વલણ દાખવે છે: પૂર્ણેશ મોદીના વકીલ
અંતિમ સુનાવણીમાં પૂર્ણેશ મોદી તરફથી દલીલ કરતાં વકીલ નિરૂપમ નાણાવટીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી જાહેરમાં જુદું વલણ દાખવી રહ્યા છે અને કોર્ટરૂમમાં આવીને તેમનું સ્ટેન્ડ સાવ બદલાય જાય છે. રાહુલ ગાંધીએ જાહેરમાં કહ્યું હતું કે, તેઓ આ મુદ્દે પાછળ નહીં હટે કે તેમને લોકસભામાંથી બરતરફ થવાનો કે જેલમાં જવાનો પણ ડર લાગતો નથી. જો કાયમ માટે તેઓ બરતરફ થઇ જાય તોપણ કોઈ ફેર પડતો નથી. પરંતુ બીજી તરફ, તેમના વકીલ કોર્ટમાં આવીને સજા પર સ્ટે મૂકવાની માંગ કરી રહ્યા છે અને કહે છે કે જો સ્ટે મૂકવામાં નહીં આવે તો રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દીને અસર પહોંચશે. જે બાબતો તેમણે દલીલમાં ટાંકી હતી.
ગુજરાત હાઇકોર્ટે આ તમામ દલીલો સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો. સાથે રાહુલ ગાંધીને કોઈ પણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટમાં વેકેશન શરૂ થયું હતું જેના કારણે સુનાવણી થઇ શકી ન હતી. હવે શુક્રવારે (7 જુલાઈ, 2023) મામલાની સુનાવણી હાથ ધરવામાં આવશે અને ચુકાદો સંભળાવવામાં આવશે.