Monday, May 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાનહાનિ કેસ: રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતી વખતે ગુજરાત હાઇકોર્ટે કહ્યું-...

    માનહાનિ કેસ: રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતી વખતે ગુજરાત હાઇકોર્ટે કહ્યું- તેમણે મર્યાદામાં રહીને નિવેદનો આપવાં જોઈએ, વધુ સુનાવણી મંગળવારે

    કોર્ટમાં રાહુલ ગાંધીના પક્ષેથી કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલો કરી હતી. જ્યારે પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે મિતેષ અમીન અને પૂર્ણેશ મોદી તરફથી નિરૂપમ નાણાવટીએ પક્ષ રાખ્યો હતો.

    - Advertisement -

    મોદી સમાજ વિશે કરેલી ટિપ્પણી અંગેના માનહાનિ કેસ મામલે સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપવાનો ઇનકાર કર્યા બાદ તેમણે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઇકોર્ટે આ મામલે આજે સુનાવણી હાથ ધરીને બંને પક્ષને સાંભળ્યા હતા. જોકે, આજે કોઈ આદેશ કે ચુકાદો પસાર કરવામાં આવ્યા નથી. 

    કોર્ટમાં રાહુલ ગાંધીના પક્ષેથી કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલો કરી હતી. જ્યારે પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે મિતેષ અમીન અને પૂર્ણેશ મોદી તરફથી નિરૂપમ નાણાવટીએ પક્ષ રાખ્યો હતો. આજે લગભગ ચાર કલાક સુધી સુનાવણી ચાલ્યા બાદ હવે વધુ સુનાવણી આગામી મંગળવારે હાથ ધરવામાં આવશે. 

    માનહાનિ કેસ મામલે સુનાવણી કરતી વખતે કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી લોકોના એક બહુ મોટા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી તેમણે નિવેદનો મર્યાદામાં રહીને જ આપવાં જોઈએ. 

    - Advertisement -

    દોષ પર સ્ટે મૂકવાની અભિષેક સિંઘવીની માંગ

    રાહુલ ગાંધી તરફે અભિષેક સિંઘવીએ દલીલ કરતાં કહ્યું કે, આ ગુનો ન તો ગંભીર છે કે ન તે નૈતિક રીતે ખામીયુક્ત છે, જેથી દોષ રદ કરવામાં આવવો જોઈએ. તેમણે ફરિયાદની મેન્ટેનેબિલિટી પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે, મોદી સમાજ જેવો કોઈ ઓળખ કરી શકાય તેવો વર્ગ નથી જેથી આ કેસમાં ફરિયાદ પર પણ સવાલ ઉઠે છે. તેમણે નવજોતસિંઘ સિદ્ધુનો કેસ ટાંકીને કહ્યું કે, હત્યા જેવા ગંભીર કેસમાં પણ દોષ પર સ્ટે મૂકાયો હતો. આ ઉપરાંત તેમણે અન્ય પણ કેટલાક કેસ ટાંક્યા હતા જેમાં દોષી ઠેરવાયેલા સાંસદ/ધારાસભ્યના દોષ પર સ્ટે મૂકવામાં આવ્યો હોય. 

    રાહુલ ગાંધીના પક્ષે સિંઘવીએ કહ્યું કે, તેઓ સંસદમાં પોતાનો અવાજ ઉઠાવી શકતા નથી અને વર્ષ પછી કદાચ દોષ પર સ્ટે પણ મૂકાય તોપણ જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવી અશક્ય હશે. 

    તેમણે એવી પણ દલીલ કરી કે, રાહુલ ગાંધીએ જે ત્રણ વ્યક્તિઓનાં નામ લીધાં હતાં તેમણે કેસ કર્યો નથી પરંતુ ફરિયાદી અન્ય વ્યક્તિ છે જેમણે જણાવ્યું હતું કે તેઓ મોદી સમાજમાંથી આવે છે અને રાહુલ ગાંધીના શબ્દોના કારણે સમાજના 13 કરોડ લોકોને ઠેસ પહોંચી છે. તેમણે દલીલ કરી કે, જો હું કહું કે જે-તે સમાજ ખરાબ છે તો તે સમાજનો કોઈ પણ વ્યક્તિ આવીને કેસ કરી શકતો નથી, આવું કાયદો કહે છે અને ઉમેર્યું કે રાહુલ ગાંધીએ પૂર્ણેશ મોદીનું નામ લીધું ન હતું.

    રાહુલ ગાંધીના વકીલે એમ પણ કહ્યું કે, જો માનહાનિ કેસ મામલેના આ દોષ પર સ્ટે નહીં મૂકાય તો ચૂંટણી થાય તોપણ તેઓ લડી શકશે નહીં અને તેનાં પરિણામો કઠોર અને અપરિવર્તનીય હશે. 

    દોષી ઠેરવાયા બાદ આ તર્કનું મહત્વ રહેતું નથી: પબ્લિક પ્રોસિક્યૂટર 

    બીજી તરફ, પબ્લિક પ્રોસિક્યૂટર મિતેષ અમીને દલીલ કરતાં કહ્યું કે, ગુનો કદાચ નોન-કોગ્નિઝેબલ કે જામીનપાત્ર હોય શકે છે પરંતુ એક વખત દોષી ઠેરવાયા બાદ આ બધા તર્કનું કોઈ મહત્વ રહેતું નથી. દોષ પર સ્ટે મૂકવા માટે આ પ્રકારની દલીલોનું કોઈ ઔચિત્ય રહેતું નથી. 

    તેમણે ઉમેર્યું કે, કાયદો મહત્તમ બે વર્ષની સજા આપવાની જોગવાઈ ધરાવે છે અને મેજિસ્ટ્રેટે આ કેસને મહત્તમ સજા આપવા માટે યોગ્ય સમજીને સજા આપી. આ તબક્કે તેની વિરુદ્ધ કોઈ વાંધો ઉઠાવી શકાય નહીં. અહીં ગુનાની ગંભીરતા જોવી રહી. જેથી હાઇકોર્ટે આ દોષ પર સ્ટે મૂકવો જોઈએ નહીં. 

    તેઓ સ્પષ્ટતા કરે કે કઈ જોગવાઈ હેઠળ અરજી કરી છે: પૂર્ણેશ મોદીના વકીલ 

    પૂર્ણેશ મોદીના વકીલ નિરૂપમ નાણાવટીએ રાહુલ ગાંધીની ક્રિમિનલ રિવિઝન પિટિશન પર વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેમણે એ સ્પષ્ટતા કરવી જોઈએ કે ચોક્કસ કઈ જોગવાઈઓ હેઠળ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ પોતાનો જવાબ રજૂ કરશે. 

    રાહુલ ગાંધી તરફે અભિષેક મનુ સિંઘવીએ વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે આ કેસમાં કોઈ જવાબ દાખલ કરવાની જરૂર લાગતી નથી. પરંતુ કોર્ટે તે ફગાવીને પૂર્ણેશ મોદીના વકીલને જવાબ રજૂ કરવા માટે મંગળવાર સુધીનો સમય આપ્યો હતો. હવે આગલી સુનાવણી મંગળવારે હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં