મધ્ય પ્રદેશના બહુચર્ચિત પેશાબ કાંડમાં આરોપી પ્રવેશ શુક્લા સામે ત્વરિત કાર્યવાહી બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પીડિત વ્યક્તિને પોતાના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું અને તેમના પગ ધોઈને સન્માન કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, જે ઘટના બની તેનાથી તેઓ વ્યથિત છે અને તેમની માફી માંગે છે.
શિવરાજસિંહ ચૌહાણે એક વિડીયો ટ્વિટ કર્યો હતો, જેમાં તેઓ પેશાબ કાંડના પીડિત વ્યક્તિ દશમત રાવતના પગ ધોતા જોવા મળે છે. ત્યારબાદ સીએમ તેમને શાલ ઓઢાડીને તિલક કરીને હાર પહેરાવે છે. આ વિડીયો ટ્વિટ કરીને એમપી સીએમએ લખ્યું, આ વિડીયો એટલા માટે શૅર કરી રહ્યો છું કે બધા સમજે કે મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ છે તો જનતા ભગવાન છે. કોઈની પણ સાથે અત્યાચાર સહન કરવામાં નહીં આવે. રાજ્યના દરેક નાગરિકનું સન્માન મારું સન્માન છે.
यह वीडियो मैं आपके साथ इसलिए साझा कर रहा हूँ कि सब समझ लें कि मध्यप्रदेश में शिवराज सिंह चौहान है, तो जनता भगवान है।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 6, 2023
किसी के साथ भी अत्याचार बर्दाश्त नहीं किया जायेगा। राज्य के हर नागरिक का सम्मान मेरा सम्मान है। pic.twitter.com/vCuniVJyP0
ન્યૂઝ એજન્સી ANIએ શૅર કરેલા એક વિડીયોમાં દશમત રાવત અને સીએમ ચૌહાણ વાતચીત કરતા જોવા મળે છે. આ દરમિયાન સીએમ શિવરાજસિંહ પીડિત વ્યક્તિને કહે છે કે, “એ વિડીયો જોઈને મને ખૂબ દુઃખ થયું. હું તમારી માફી માંગું છું. મારા માટે તો જનતા જ ભગવાન છે.” ત્યારબાદ સીએમ દશમત રાવતને ભોપાલના સ્માર્ટ સીટી પાર્કમાં પણ લઇ ગયા હતા, જ્યાં બંનેએ વૃક્ષારોપણ કર્યું હતું.
વિડીયો જૂનો હોવાનો રિપોર્ટમાં દાવો
દૈનિક ભાસ્કરના એક રિપોર્ટમાં પોલીસને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે જે વિડીયોને લઈને આ સમગ્ર કેસ બહાર આવ્યો તે એક વર્ષ જૂનો છે અને તેને હમણાં ફરી વાયરલ કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રવેશ શુક્લાના કાકાનો દાવો છે કે આ વિડીયો ત્રણ વર્ષ જૂનો છે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ વિડીયો દ્વારા પ્રવેશને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. પોલીસ અનુસાર, વિડીયો 24 જૂન, 2023ના રોજ સીધીના અમુક સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં અપલોડ કરવામાં આવ્યો હતો અને પછી ડિલીટ કરી દેવામાં આવ્યો. 29 જૂનના રોજ પ્રવેશ ઘરેથી ગાયબ થઇ ગયો અને 3 જુલાઈના રોજ વિડીયો ફરી વાયરલ થયો. જોકે, વિડીયો જૂનો હોય કે હમણાંનો, આ ઘૃણાસ્પદ કૃત્યને જોતાં પોલીસે પ્રવેશ સામે FIR દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી અને બુધવારે (5 જુલાઈ, 2023) તેના ઘર પર બુલડોઝર પણ ફેરવી દેવામાં આવ્યું હતું.