Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહેસાણા: આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત ચારની ધરપકડ, કેજરીવાલને પ્રશ્ન પૂછતાં...

    મહેસાણા: આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત ચારની ધરપકડ, કેજરીવાલને પ્રશ્ન પૂછતાં બેનરો લગાવતા લોકો પર કર્યો હતો હુમલો

    મહેસાણામાં થયેલી તિરંગા યાત્રા આગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પ્રશ્નો પૂછતાં કેટલાક પોસ્ટરો ચોંટાડતી વખતે શહેર પ્રમુખ દ્વારા હુમલો કરાયો હોવાનો આરોપ છે.

    - Advertisement -

    મહેસાણા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના (આપ) જિલ્લા પ્રમુખ ભગત પટેલ સહિત ચાર વ્યક્તિની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. 6 જૂનના રોજ મહેસાણા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. મહેસાણામાં અરવિંદ કેજરીવાલની યાત્રા અગાઉ બેનર લગાવવા મુદ્દે માર મારવા મામલે આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

    મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી આ મામલે જણાવવામાં આવ્યું છે કે, કેજરીવાલની યાત્રા અગાઉ પોસ્ટર લગાવવા મામલે થયેલી બબાલ મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે 6 જૂનના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ ગઈકાલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    જૂનના પહેલાં અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે મહેસાણા ખાતે આવ્યા હતા. જેના આગલા દિવસે મોઢેરા ચોકડી નજીક કેટલાક વ્યક્તિઓ કેજરીવાલને પ્રશ્નો પૂછતાં બેનરો લગાવી રહ્યા હતા ત્યારે ‘આપ’ ના ભગત પટેલ સહિત ચાર લોકોએ આવીને આ બેનરો કેમ લગાવી રહ્યા છો તેમ કહીને ગાળા-ગાળી કરી માર માર્યો હતો. 

    - Advertisement -

    આ મામલે ફરિયાદી પંકજભાઈ બારોટે મહેસાણા બી ડિવિઝન ખાતે ગત 6 જૂનના રોજ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ભગત પટેલ અને અન્ય ત્રણ વિરુદ્ધ IPC ની કલમ 143, 147, 148, 149, 323, 324, 403, 504 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો. 

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ફરિયાદી અને અન્ય કેટલાક વ્યક્તિઓ મહેસાણા મોઢેરા ચોકડી ખાતે 5 જૂને રાત્રે ‘આપ’ સંયોજક અરવિંદ કેજરીવાલને પ્રશ્નો પૂછતાં બેનરો લગાવી રહ્યા હતા ત્યારે ઇકો ગાડીમાંથી ચાર વ્યક્તિઓ આવીને ‘તમે બેનરો કેમ લગાવી રહ્યા છો?’ તેમ કહીને માથાકૂટ કરી હતી. જે બાદ તેમણે ‘અમે પબ્લિકના માણસો છીએ અને લોકશાહી ઢબે કેટલાક સવાલોના જવાબો માંગતા બેનરો લગાવી રહ્યા છીએ’ તેવો જવાબ આપ્યો હતો. 

    જે બાદ તેમાંથી કોઈએ ફોન કરીને અન્ય માણસોને પણ બોલાવી લીધા હતા. ત્યારબાદ અન્ય ચાર લોકોએ આવીને ભેગા થઈને બેનરો લગાડવા બાબતે અપશબ્દો બોલીને, ધોકા વડે માર મારવા માંડ્યા હતા. જેમાંથી ભગત પટેલ પર કટર જેવી ધારદાર વસ્તુથી માર મારવાનો આરોપ લાગ્યો છે. તેમજ તેમણે બેનરો ફાડી નાંખ્યાં હોવાનું પણ કહેવાયું છે.

    આ ઘટના બાદ પંકજભાઈને ગળાના ભાગે, પેટના ભાગે, પીઠ પર અને ડાબા હાથે ઇજા થઇ હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

    ઘટનાના દસ દિવસ બાદ મહેસાણા પોલીસે ગઈકાલે આમ આદમી પાર્ટી (આપ) જિલ્લા પ્રમુખ ભગત પટેલ સહિત ચારેયની ધરપકડ કરી લીધી હતી. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે મહેસાણામાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત તિરંગા યાત્રા મામલે અન્ય પણ એક વિવાદ થયો હતો. કેજરીવાલની તિરંગા યાત્રા પહેલાં બસ સ્ટેન્ડ પાસે તિરંગાનું અપમાન થયું હતું અને રાષ્ટ્રધ્વજ પગ તળે કચડવામાં આવ્યો હતો. જે બાદ આ મામલે તિરંગાના અપમાન બદલ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    આમ આદમી પાર્ટીના નેતાઓ એક પછી એક વિવાદમાં આવતા જાય છે. થોડા દિવસો પહેલાં જ જેતપુર શહેરના ‘આપ’ પ્રમુખ પણ એક ખંડણી કેસમાં સંડોવાયા હતા અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. વર્ષ 2018માં બંધ થયેલા એક કારખાનાના માલિકને ધમકી આપી વીસ લાખ રૂપિયા માગ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં